મીઠી મૂંઝવણ:પતિની નેગેટિવ કમેન્ટના કારણે તેનું મોં જોવું પણ નથી ગમતું...!

2 મહિનો પહેલાલેખક: મોહિની મહેતા
  • કૉપી લિંક

પ્રશ્ન : હું 35 વર્ષની મહિલા છું. મારા લગ્ન થયાં ત્યારે હું એકવડા બાંધાની હતી પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી મારું વજન સતત વધી રહ્યું છે. હું મારી રીતે વજન ઉતારવાના પ્રયાસ તો કરી રહી છું પણ મારા પતિ હંમેશાં મને જાડી કહ્યા કરે છે. શરૂઆતમાં તો મેં તેેમની આ વાતને ઇગ્નોર કરી પણ હવે તેઓ મને એમ કહે છે કે મને ખરાબ લાગે છે. પતિની આવી જ ટિપ્પણીઓના કારણે મારા મનમાં તેમના માટે પણ અભાવ જન્મવા લાગ્યો છે અને હવે મને એનું મોં જોવું પણ નથી ગમતું. મને સમજાતું નથી કે હું શું કરું? એક મહિલા (અમદાવાદ) ઉત્તર : તમારી તકલીફ સમજી શકાય એમ છે. પતિની આ વાતથી તમે દુઃખી અને ચિંતિત થઇ જાઓ એ સ્વાભાવિક છે. માનવ સ્વભાવ એવો છે કે સતત ટીકા મળવાને કારણે એવું લાગવા માંડે છે કે તમને કોઈ પ્રેમ નથી કરતું અથવા તો તમારા કોઈ વખાણ નથી કરતું. આ કારણે આત્મસન્માનને પણ ઠોકર લાગી શકે છે. જો તમારે આ વિષચક્રમાંથી નીકળવું હોય તો પહેલાં પોતાને શાંત કરો અને પતિ સાથે આ મુદ્દે સ્પષ્ટ વાત કરો. તમારા પતિને જણાવો કે, તેમના દ્વારા કહેવામાં આવતા શબ્દ અને ટિપ્પણીઓ તમને પ્રભાવિત કરી રહ્યા છે અને તેને કારણે તમને બહુ ખરાબ લાગી રહ્યું છે. એકવાર તેઓ આ બધી બાબતોને તમારા દૃષ્ટિકોણથી જુએ, તો કદાચ તેઓ વધુ સપોર્ટિવ પાર્ટનર બનવાનો પ્રયત્ન કરે. આનાથી તમારી સમસ્યા કદાચ હળવી બની શકે છે. હાલમાં વજન ઉતારવા માટે તમે તમારાથી જે બની શકે તે બધું જ ટ્રાય કરી રહ્યા છો, પરંતુ કેટલીક બાબતો આપણા હાથમાં નથી હોતી. આના કારણે તમારે હાર માનવાની જરૂર નથી. તમારે પોતાને પ્રેમ કરવો જોઈએ, પોતાની જાતને એપ્રિશિએટ કરવી જોઈએ. તેને માટે દરરોજ સવારે પોતાને પોઝિટિવ વાતો યાદ અપાવો. તમે જ્યારે પોતાને પ્રેમ કરતા શીખી જશો, તો તે તમને સાચા અર્થમાં ખુશહાલ જીવન જીવવામાં મદદ કરશે. પ્રશ્ન : હું 27 વર્ષની યુવતી છું. હાલમાં હું ઓફિસના સહકાર્યકર સાથે ડેટ કરી રહી છું. મને તેની સાથે સમય પસાર કરવો ગમે છે. મારો આ સહકાર્યકર ડિવોર્સી છે. મારે તેની સાથે વાતચીત કરતી વખતે કઇ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ? એક યુવતી (ભાવનગર) ઉત્તર : જ્યારે તમે કોઈ એવા પુરુષને ડેટ કરી રહ્યા છો જેના છૂટાછેડા થઈ ગયા છે ત્યારે એક વસ્તુ નક્કી છે કે તેની પૂર્વ પત્ની પણ હશે અને તેની માનસિક પરિસ્થિતિ થોડી જટિલ હશે. આ કારણોસર જ જે પુરુષના છૂટાછેડા થઈ ગયા હોય તેને ડેટ કરવાનું થોડું મુશ્કેલ છે. કદાચ તે પહેલાંથી જ કાયદાકીય ગૂંચવણમાં ફસાયેલો હોય તો માનસિક રીતે પણ થોડો કંટાળી ગયો હોય છે. જો તમને તે પુરુષના નિષ્ફળ સંબંધ વિશેની જાણકારી હોય તો તેને આ છૂટાછેડા વિશે વધુ સવાલો પૂછવા જોઈએ નહીં કારણકે જૂની વાતો યાદ કરીને તે પણ કદાચ વધારે દુ:ખી થઈ શકે છે. તમે જ્યારે ડેટિંગ કરી રહ્યા હો ત્યારે પુરુષની પૂર્વ પત્ની સાથે પોતાની સરખામણી કરવી જોઈએ નહીં કારણકે આ પ્રકારની સરખામણી કરીને તમને કોઈ ફાયદો થશે નહીં. જે પુરુષના છૂટાછેડા થઈ ગયા છે તેની સાથે ડેટ કરતા પહેલા એક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે તેના પૂર્વ પત્ની સાથેના સંબંધો સંપૂર્ણ રીતે ખતમ થઈ ગયા છે કે નહીં. તમે આ રિલેશનશિપને આગળ વધારતા પહેલા થોડો સમય લઈ શકો છો. તમે તેની સાથે વાતચીત કરીને એવું જાણવાના પ્રયાસ કરો કે તમારી સાથે તે કેવા પ્રકારના ભવિષ્યની આશા રાખે છે. જો તમે છૂટાછેડા લીધેલા પુરુષને ડેટ કરી રહ્યા છો ત્યારે મિત્રો અને પરિવારના સભ્યોની નારાજગી સહન કરવા માટે માનસિકરૂપે તૈયાર રહો. પ્રશ્ન : મારી દીકરીની વય 13 વર્ષની છે. થોડા દિવસ પહેલાં મેં તેને અખબારમાં આવતી સેક્સની કોલમો વાંચતા પકડી પાડી હતી. એ સમયે તો મેં એને કંઇ ન કીધું પણ મને અંદરથી એની ચિંતા થાય છે છે કે સેક્સલાઈફની આવી બધી અંગત વાતો જાણવાથી તેને કોઈ ખરાબ અસર તો નહીં થાય? મેં બે-ત્રણ જણને પૂછ્યું તો અલગ અલગ ઉત્તર મળ્યા છે. આનાથી તો હું વધારે કન્ફ્યુઝ થઇ ગઇ છું. શું મારે કોઇ મનોચિકિત્સકની મદદ લેવી જોઇએ? એક મહિલા (સુરત) ઉત્તર : તમારી ચિંતા વાજબી છે પણ એની તીવ્રતા ગેરવાજબી છે. દરેક ટીનેજર આ તબક્કામાંથી પસાર થાય છે અને જો કોઇ મોટી તકલીફ ન હોય તો મનોચિકિત્સકના પાસે જવાનું જરૂી નથી. હાલનો સમય તમારી ટીનેજના સમય કરતાં ઘણો એડવાન્સ છે. સેક્સ તથા તેની ચર્ચા/અસરોથી ચૌદ વર્ષના તરુણોને અલગ રાખવા આજના સમયમાં ખૂબ જ મુશ્કેલ છે. સોશિયલ મીડિયા અને બીજા માધ્યમોને કારણે ટીનેજર્સ બહુ નાની વયે આ બધી વસ્તુઓથી માહિતગાર બની જાય છે. જોકે તેમને મળતી માહિતી યોગ્ય અને વિશ્વસનીય હોય એ જરૂરી છે. ‘ઓન્લી ફોર એડલ્ટસ' ચોપાનિયાંઓ તેઓના મનમાં ગેરસમજૂતીઓ સર્જે છે. ગલીને નાકે કે સમવયસ્કોની કંપનીમાં ગૂપસૂપ કરતાં ટીનેજર પોતાના જ જેવા અજાણ લોકો પાસે સેક્સની માહિતી મેળવવાનો પ્રયત્ન કરે છે અને તેમાં કાચું કપાય છે. અનેક ગેરસમજો મનમાં ઠલવાતી જાય છે. જેની ખરાબ અસરો તેઓની બાકીની સેક્સલાઈફ પર પણ પડે છે. આ દૂર કરવાનો અત્યારે એકમાત્ર વિકલ્પ એ જ છે કે, જાહેરમાં શિસ્તબધ્ધ રીતે, સંયત ભાષામાં આ વિષયની ચર્ચા થાય. જ્યાં સુધી અખબારમાં આવતી સેક્સ કોલમની વાત છે ત્યાં સુધી મોટાભાગે આ પ્લેટફોર્મથી પર વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જ માહિતી પીરસવામાં આવતી હોય છે અને ખોટી માહિતીની પ્રોત્સાહન આપવામાં નથી માનતું. આ કોલમ વાંચવાથી જ કોઇ અશ્લીલ કે વંઠેલ નથી બની જતું. આ મુદ્દાને છૂપાવવાને બદલે શરમ-સંકોચ વગર તમારી દીકરી તમારી સાથે આ મુદ્દાની ચર્ચા કરે એવું વાતાવરણ સર્જવાનું જરૂરી છે. પ્રશ્ન : હું અને મારા પતિ છેલ્લા 15 વર્ષથી બેંગ્લુરુમાં કામ કરતા હતા. હવે મારા પતિ વતન રાજકોટમાં બિઝનેસ શરૂ કરવાનું વિચારે છે. મારે સાત વર્ષની દીકરી અને દસ વર્ષનો દીકરો છે. અત્યાર સુધી અમે વિભક્ત પરિવારમાં જ રહેતાં હતાં પણ હવે રાજકોટમાં મારાં સાસુ-સસરા સાથે સંયુક્ત પરિવારમાં રહેવાનું થશે. મારો પોતાનો ઉછેર તો સંયુક્ત પરિવારમાં થયો છે એટલે મને તો વાંધો નહીં આવે પણ મારા સંતાનો એડજેસ્ટ થઇ શકશે ખરાં? તેમને નહીં ફાવે તો? મારી આ ચિંતા વધારે પડતી તો નથી ને? એક મહિલા (રાજકોટ) ઉત્તર : તમે એક મોટો નિર્ણય લઇ રહ્યા છો એટલે તમને આવી ચિંતા સ્વાભાવિક છે. તમારી ચિંતા નોર્મલ હોવા છતાં વધારે પડતી છે. હકીકતમાં દાદા-દાદી જોડે પસાર કરેલો સમય આપણી જિંદગીના યાદગાર પળો હોય છે. ગ્રાન્ડપેરેન્ટ્સનું બાળક સાથે હોવું તેમના બાળપણને સુખી બનાવે છે. અને તેમના ઉછેરમાં સારો એવો ભાગ ભજવે છે. જે બાળક તેમના ગ્રાન્ડપેરેન્ટ્સ જોડે રહ્યા હોય છે તેમનામાં ખાસ રીતની સમજણ અને સંવેદનાઓ હોય છે. એવામાં બાળક હંમેશાં ખુશ અને મિલનસાર રહે છે તેમજ શેરિંગ કરવાનું શીખે છે. જો તમે પણ વર્કિંગ હો તો તમારા બાળકો તેમનાં દાદા-દાદી સાથે રહે તો એ સારામાં સારો વિકલ્પ છે. માતા-પિતાની ગેરહાજરીમાં બાળકની સંભાળ માટે દાદા-દાદી હંમેશાં હાજર જ રહે છે. તેઓ બાળકના ઉછેરની સાથે તેમને સુરક્ષા પણ પ્રદાન કરે છે અને તેમની હૂંફમાં બાળક હંમેશાં ખુશ રહે છે.

અન્ય સમાચારો પણ છે...