મૂડ એન્ડ માઇન્ડ:આદત ન બની જાય વ્યસન...

15 દિવસ પહેલાલેખક: ડો. સ્પંદન ઠાકર
  • કૉપી લિંક

ઋજુતાની ઉંમર માત્ર ૨૨ વર્ષની હોવા છતાં તકલીફોનો પાર નહીં. સૌ પ્રથમ હિમોગ્લોબિન ઓછું આવ્યું અને ત્યારબાદ માસિકમાં અનિયમિતતા આવી. રિપોર્ટસમાં PCOD આવ્યું. વજન સતત વધવા લાગ્યું અને હવે હૃદયમાં ધબકારાની અનિયમિતતા થવા લાગી. છેલ્લે બાકી હોય તેમ થાઇરોઇડ પણ ડિટેકટ થયું. છેલ્લા 2 વર્ષમાં ઘણીબધી બીમારીઓ એકસાથે આવવાના લીધે બધા ચિંતામાં મૂકાઇ ગયા. કદાચ યંગ જનરેશનમાં હવે ઘણાબધા લોકોમાં આવી સમસ્યા જોવા મળે છે જેની પાછળ ક્યાંકને ક્યાંક તેમની લાઈફસ્ટાઇલ જવાબદાર છે. મુખ્ય કારણ છે જંક ફૂડ પાછળનું વળગણ. સાયકોલોજીમાં જો ઘણાંબધાં વ્યસનની વાત કરવામાં આવે તો હવે એક નવું વ્યસન છે જંક ફૂડનું. વ્યક્તિ જયારે તેના ફૂડ ઉપરનો કંટ્રોલ ખોઈ બેસે અને ઘરની જગ્યારે બહારનું ખાવાનું વધી જાય ત્યારે શરીર રોગનું ઘર બનતા વાર લગતી નથી. જંક ફૂડની વિશેષતા એ છે કે એક તો સહેલાઇથી મળી રહે છે અને તેના દ્વારા મગજમાં જે ડોપામાઈન ઝરે છે તે સાદા ખોરાક કરતાં મળતા ડોપામાઈન કરતા કંઇક વિશેષ હોય છે. મગજમાં આવેલી હાયપોથેલેમસ ગ્રંથિમાંથી નીકળતા ઓરેક્ઝિન અને લેપ્ટિન નામના કેમિકલ ફૂડ માટેની ક્રેવિંગને મેનેજ કરે છે. જયારે સેરોટોનિનનું લેવલ ઓછું થાય ત્યારે આ કેમિકલની સામાન્ય રીતે ઊણપ વર્તાય છે અને ફૂડ લેવાની ઈચ્છા જાગૃત થઇ જાય છે અને એના લીધે કંઇક ખાવું પડે તેવી તાતી જરૂર વર્તાય છે. ધીરે ધીરે આ એક આદતનો ભાગ બની જાય છે અને વ્યક્તિ ક્યારે વ્યસનના માર્ગે આગળ વધી જાય છે તેની જાણ રહેતી નથી. સાયકોલોજીના રિસર્ચ મુજબ 40 ટકા યંગસ્ટર્સ બિનજરૂરી અને ઓછા પોષણક્ષમ આહાર તરફ વળી જાય છે જે તેમની હેલ્થ ઉપર ઊંડી અસર પાડે છે. તેના લીધે શારીરિક અને માનસિક બંને સમસ્યાઓનું નિર્માણ થાય છે જે એક વિષચક્ર છે.અનિયંત્રિત આહારના લીધે ડિપ્રેશન અને એંગ્ઝાયટી વધવા લાગે છે અને એંગ્ઝાયટીના લીધે પાછું અનિયંત્રિત આહાર લેવાનું વર્તન વધવા લાગે છે. આના કારણે સમય જતા PCOD અને થાઇરોઇડ જેવી સમસ્યા સર્જાય છે. આ પરિસ્થિતિમાં લાઈફ સ્ટાઇલ મોડિફિકેશન અને એક્સરસાઇઝ દ્વારા બિહેવિયર મોડિફિકેશનની જરૂર ઉભી થાય છે. ક્યારેક ડિપ્રેશનની સારવારમાં વપરાતી એન્ટિડિપ્રેસન્ટ દવાઓ પણ ખોરાક ઉપર કંટ્રોલ કરવામાં ઘણી મદદ કરી શકે છે. સામાન્ય રીતે ફૂડના લીધે સર્જાતી સમસ્યાઓ વધે નહીં ત્યાં સુધી કોઈ તેની ચિંતા કરતું નથી પરંતુ ‘જેવો આહાર તેવો વિચાર’ કહેવત આપણે બધા જાણીયે જ છે. ફાસ્ટ જમાના પ્રમાણે ફાસ્ટ ફૂડ આપણી લાઈફ સ્ટાઇલનો ભાગ ક્યારે બની ગયું તેની જાણ થાય તે પહેલાં ચેતી જવું ખૂબ જ જરૂરી છે. મૂડ મંત્ર : જેના વગર રહી ના શકાય ભલે તે શરીર માટે હાનિકારક હોય તે દરેક વસ્તુ વ્યસન કહેવાય છે. તમારી આદત વ્યસનમાં ફેરવાઈ જાય તે પહેલાં કંટ્રોલ કરી શકો તેટલો સંયમ હંમેશાં જરૂરી છે. drspandanthaker@gmail.com

અન્ય સમાચારો પણ છે...