વુમનોલોજી:તુઝસે નારાઝ નહીં જિંદગી, હૈરાન હૂં મૈં...

18 દિવસ પહેલાલેખક: મેઘા જોશી
  • કૉપી લિંક

એક મધ્યમવર્ગીય ભારતીય માતા એની દીકરીને તેની ખુદની જીવનકથા કેવી કહે? સરેરાશ ભારતીય સ્ત્રી દીકરીને જયારે સ્ત્રીમાં પરિવર્તિત કરે ત્યારે કેવા બોધપાઠ આપે? એક આખી પેઢીની સ્ત્રીની માનસિકતા તેની આગલી પેઢીની તમામ સ્ત્રીની જિંદગી પર ખાસ્સી નિર્ભર હોય છે. સંતાનના ઉછેરમાં માતા-પિતા બંનેનો સરખો ભાગ હોય છે, પરંતુ દીકરીની બાબતમાં સમાજ માતા પાસે વધુ અપેક્ષા રાખે છે. ચાહે તે ઘરેલું કામ હોય, રસોઈની બાબત હોય, શારીરિક પરિવર્તનની વાત હોય કે તમામ જગ્યાએ સ્ત્રીની ભૂમિકા અંગેની વાત હોય. દીકરીને પિતાની લાડકી ગણવામાં આવે છે પણ તે માતાની પ્રતિકૃતિ ગણાય છે. આથી પરંપરા, સંસ્કાર કે રીતભાતના વહનની જવાબદારી માતા પર વધુ હોય છે. દીકરીને વિવાહ બાદ અનુકૂલન અને સહન કરવાની સલાહ આપતી માતાનું ચિત્ર હવે બદલાયું છે. જે મેં જતું કર્યુ કે સહન કર્યુ એ મારી દીકરી ના જ કરવી જોઇએ એવી માનસિકતા સાથે દીકરીને મોટી કરતી આજની મમ્મી દીકરીને કેવી સલાહ આપશે? આધુનિક જીવનનાં અનેક દેખીતાં પરિવર્તનમાં આ એક બારીક પરિવર્તન શરૂ થયું છે. અલબત્ત ભારતની કુલ વસ્તીના પ્રમાણમાં એક બૃહદ દૃશ્ય જોઇએ તો હજી બહુમતી સમાજમાં દીકરીનાં પ્રત્યેક જીવનપાઠમાં સહનશક્તિનું પલ્લું ભારે હોય છે. તાજેતરમાં જ મધ્યમવર્ગીય પરિવારની ઘરેલું જિંદગી અને સ્ત્રીની જીવનકથા પર એક રસપ્રદ પુસ્તક આવ્યું છે. નીલંજના ભૌમિક લિખિત પુસ્તક ‘લાઈઝ અવર મધર ટોલ્ડ અસ’ (આપણી માતાએ કહેલાં અસત્ય) નામના આ પુસ્તકમાં કુલ વીસ પ્રકરણ છે. પિતૃસત્તાક માનસિકતા અને પાવરફુલ પુરુષ સાથેના સંવાદ, આક્રોશ અને સ્ત્રીની પરિસ્થિતિ આ કિતાબમાં વર્ણવી છે. લેખિકાની માતા સ્વયં પોલીસ હોવા છતાં ઘરમાં કઈ રીતે મજાકનું સાધન બનતી અને પત્રકાર-લેખિકાને ન્યુઝરૂમમાં સ્ત્રી દ્વેષ કઈ રીતે નડતો એના પ્રત્યક્ષ અનુભવો પુસ્તકનો મુખ્ય આધાસ્તંભ છે. તમે કેમ છો? આ સાવ સાદા પ્રશ્નનો સાચો ઉત્તર આમ પણ ભાગ્યે જ મળે છે, પરંતુ સરેરાશ મધ્યમવર્ગીય સ્ત્રીને જયારે આ પ્રશ્ન પુછાય છે ત્યારે માત્ર સત્ય ઢંકાતું નથી,પરંતુ જૂઠ બોલકું હોય છે. સપાટી પરની શાંતિ અને સુખની નીચે ધરબાઈ ગયેલ અસમાનતા, અસંતુલન અને અન્યાયની કથા આપણે વાંચીએ નહીં તો પણ સૌને એનો ખ્યાલ છે . જ્યારે કોઈ સ્રી સતત બધું સારું હોવાની વાત કરે ત્યારે એવું ખરેખર હોય છે ખરું? પોતાના રોલમાં ફિટ થવા માટે બંને પરિવારની આબરૂ સાચવવા માટે સ્રી જે કંઈ માનસિક અને સામાજિક સંઘર્ષ ભોગવે છે એનું શું?વાસ્તવિક જીવનનાં કેટલાક નિરીક્ષણો અને પોતીકા અનુભવોનું એમાં આલેખન છે એક મધ્યમવર્ગીય ભારતીય સ્ત્રી તેના ઘરમાં, વ્યવસાયના સ્થળે કે સમાજમાં જે સંઘર્ષનો સામનો કરે છે એને આપણે સ્ત્રીની નૈતિક જવાબદારી સાથે જોડી દીધો છે. સ્ત્રીની આગવી ઓળખ અને કંઇક અંશે સ્વતંત્રતા ઝુંટવી લેતા પરિવાર આદર્શ હોવાનો દેખાવ કરે છે. અપેક્ષાનો ભોગ બનેલ સ્રીને ખરેખર આદર્શ બનવું છે ખરું? સ્રીના અધિકાર વિશે કે સ્રી-પુરુષની અસમાનતા વિશે બોલતી કે લખતી દરેક સ્ત્રીને જબરી કહીને એક નવો હાંસિયો તૈયાર કર્યો છે. સમાજ નામના કાગળ પર ડાબી તરફ નબળી અને શોષિત મહિલાઓ હાંસિયામાં છે અને જમણી બાજુએ જબરી સ્ત્રીઓ છે. જે સમાજે બાંધેલા દાયરામાં મૂંગા મોઢેં ચાલે છે તે સર્વ સ્વીકૃત હોય છે. આગલી પેઢીએ કહેલી આદર્શ વ્યાખ્યા અને આદર્શ કથા આવનારી પેઢીને યોગ્ય માર્ગ આપે છે કે ગેરમાર્ગે દોરે છે? meghanajoshi74@gmail.com

અન્ય સમાચારો પણ છે...