પેરેન્ટિંગ:તમારું સંતાન પિઅર પ્રેશર અનુભવે છે?

એક મહિનો પહેલાલેખક: મમતા મહેતા
  • કૉપી લિંક

ઘણી વાર એવું બને છે કે બાળકો તેમનાં સમવયસ્ક મિત્રોના દબાણવશ કે પોતે કોઇની પરવા નથી કરતાં એવું દર્શાવવા માતા-પિતાની સામે દલીલો કરે છે. પરીક્ષામાં બીજા વિદ્યાર્થીઓ કરતાં પોતાના માર્ક્સ વધારે આવે એવું દબાણ અનુભવે છે. ક્યારેક પોતાના મિત્રોને જોઇને બાળક પણ માતા-પિતાની વાત સાંભળતાં નથી કે માનતાં નથી. આનું કારણ એ છે કે તેઓ પિઅર પ્રેશર અનુભવતા હોય છે. આવા બાળકો પોતે બીજા કરતાં ચડિયાતાં છે એવું બતાવવા વાતને વધારીને જણાવે છે અથવા માતા-પિતાની સલાહને અનુસરતાં નથી. જો તમારા સંતાનમાં પણ આવા લક્ષણો જોવા મળતાં હોય તો સમજી જાવ કે તે પિઅર પ્રેશર અનુભવી રહ્યું છે. આમાંથી તમે એટલે કે માતા-પિતા જ તેમને બહાર કાઢી શકે છે. એ માટે શું કરવું જોઇએ તે જાણીએ. ઇન્ટરનેટ માટેની સમય-મર્યાદા નક્કી કરો : આજકાલ મોટા ભાગના બાળકો પાસે મોબાઇલ અને કમ્પ્યુટર કે લેપટોપ હોય છે. તેમાં ઇન્ટરનેટની સુવિધા તો સ્વાભાવિક રીતે હોય જ. એવામાં બાળકો માટે ઇન્ટરનેટની સમયમર્યાદા નક્કી કરો. એ જ રીતે ટીવી પ્રોગ્રામ્સ જોવાનો પણ સમય નક્કી કરો અને થોડોઘણો સમય તેમને કોઇ ક્રિએટિવ કામ કરવા જણાવો. અથવા ઘરનું કે અભ્યાસ સંબંધિત કોઇ કામ કરવાની ટેવ પાડો. બાળકોનું ધ્યાન રાખો : બાળક જ્યારે મિત્રો સાથે રમવા જાય કે એના ઘરે અભ્યાસ કરવા માટે જાય ત્યારે બાળક પર ધ્યાન રાખો. એના મિત્રો કેવા છે તે અંગે પણ જાણવાનો પ્રયત્ન કરો. બાળમાનસ પર બીજા લોકોના વિચારો વધારે અસર કરતાં હોય છે. બાળક મોબાઇલ કે કમ્પ્યુટર પર કઇ સાઇટ જુએ છે તે પણ તેની બ્રાઉઝિંગ હિસ્ટ્રીમાં જુઓ જેથી તે કોઇ ગેરમાર્ગે નથી જતું તેનો ખ્યાલ રહે. બાળકના મિત્ર બનો : ઘણાં માતા-પિતા પોતાના બાળકને મોબાઇલ કે લેપટોપ અને ઇન્ટરનેટ અપાવીને સંતોષ માની લે છે. આમ ન કરતાં બાળકની સાથે વાતો કરો, એના મિત્રો, સ્કૂલ, અભ્યાસ, વગેરે અંગે પૂછો અને ઘરમાં એવું વાતાવરણ ઊભું કરો કે બાળક પોતાની વાત મુક્ત મને માતા-પિતાને જણાવી શકે. તેની સાથે ક્વોલિટી સમય પસાર કરવાથી બાળકને પોતાની વાત જણાવવામાં અનુકૂળતા રહેશે. સારા-ખરાબનો તફાવત સમજાવો : બાળકને સમજાવો કે એના માટે સારું શું છે અને ખરાબ શું? એને સતત મોબાઇલ કે ઇન્ટરનેટ પર સમય ગાળવા દેવાને બદલે થોડો સમય પ્લેગ્રાઉન્ડમાં રમવા મોકલો. બાળકને કોઇ જાતનું વ્યસનનો ભોગ ન બને તે માટે એને સમજાવો અને સારા-ખરાબની સમજણ આપો. આમ કરવાથી બાળક પોતાની જવાબદારી અને હિત સારી રીતે સમજતું થશે અને ભવિષ્યમાં એ સારો નાગરિક બનશે. લાક્ષણિકતાની પ્રશંસા કરો : તમારા બાળકને કોઇ ઇતર પ્રવૃત્તિમાં રસ હોય તો તેની પ્રશંસા કરો અને તેમાં એને આગળ વધવા પ્રેરો. જેમ કે, ચિત્રકામ, ગાર્ડનિંગ, મ્યુઝિક, ગાયન વગેરે. એને આવી કોઇ પ્રવૃત્તિમાં રસ લેતાં કરો અને પ્રશંસા કરી તેમાં વધારે આગળ વધવા પ્રોત્સાહિત કરો. તે સાથે જ એને પોતાની ભાવના વ્યક્ત કરતાં પણ શીખવો જેથી એ પોતાને શું ગમે છે અને શું નહીં, તે માતા-પિતાને અથવા સ્કૂલમાં શિક્ષકને જણાવી શકે. આ રીતે બાળક પર થોડું ધ્યાન આપવાથી અને તેનામાં રસ દાખવવાથી બાળક પિઅર પ્રેશરનો ભોગ બનતું અટકશે અને પોતાની રીતે જીવનપથ પર આગળ વધવા સાથે ઉજ્જવળ ભવિષ્ય બનાવશે.

અન્ય સમાચારો પણ છે...