શરીર પૂછે સવાલ:પ્રેગનન્સીમાં જોબથી બાળકને નુકસાન થાય?

વનિતા વોરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રશ્ન : મારી વીસ વર્ષની દીકરીને અથાણાં બહુ ભાવે છે અને તેની થાળીમાં શાક કરતાં અથાણાંનું પ્રમાણ વધારે હોય છે. આમ તો તેને કોઇ સમસ્યા નથી, પણ શું એના સેવનથી કોઇ નુકસાન થઇ શકે છે? એક મહિલા (વડોદરા) ઉત્તર : કોઇ પણ વસ્તુનો અતિરેક નુકસાનદાયક સાબિત થાય છે. અથાણું ખાવામાં કોઇ સમસ્યા નથી પણ એનું પ્રમાણભાન જાળવવું જ જોઇએ. ભલે કોઇ સમસ્યા ન હોય પણ જો થાળીમાં શાક કરતાં અથાણાનું પ્રમાણ વધી જાય તો એ બિલકુલ યોગ્ય નથી. અથાણાંનું વધુ સેવન કરવાથી કોલેસ્ટ્રેરોલ વધવાનું જોખમ રહે છે. અથાણું લાંબા સમય સુધી બગડે નહીં તે માટે એમાં ખૂબ જ તેલ નાખવામાં આવે છે. આ કારણોસર અથાણાંનું સેવન કરવાથી કોલેસ્ટ્રેરોલ વધવાનું જોખમ રહે છે. અથાણાંને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા માટે એ બનાવતી વખતે પ્રિઝર્વેટિવનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રિઝર્વેટિવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ કારણોસર અથાણાંનું વધુ સેવન કરવાથી શરીરમાં સોજો આવવાની સમસ્યા ઉત્પન્ન થાય છે. અથાણાંનું વધુ માત્રામાં સેવન કરવાથી એસિડિટી અને અલ્સર થવાનું જોખમ રહે છે તથા સ્વાસ્થ્યને લગતી અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. અથાણાંનું વધુ સેવન કરવાથી હાઈ બ્લડપ્રેશરનું જોખમ રહે છે. કોઈપણ પ્રકારનાં અથાણાંમાં મીઠાનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. શરીરમાં મીઠાનું પ્રમાણ વધવાથી હાઈપર ટેન્શન અને હૃદય સંબંધિત સમસ્યાનું જોખમ ઊભું થાય છે. પ્રશ્ન : હું એક વર્કિંગ મહિલા છું. હાલમાં હું ચાર મહિનાની સગર્ભા છું. મારી તબિયત એકદમ સ્વસ્થ છે પણ મારા પરિવારજનો બહુ ચિંતામાં રહે છે. તેમને લાગે છે કે જોબ કરવાથી મારા બાળકનાં સ્વાસ્થ્ય પર અસર પડશે. શું આ વાત સાચી છે? શું બાળકનાં સ્વાસ્થ્ય માટે મારે જોબ છોડી દેવી જોઇએ? એક મહિલા (અમદાવાદ) ઉત્તર : દરેક મહિલાનો સગર્ભાવસ્થા વિશેનો અનુભવ અલગ હોય છે એટલે કોઇ એક મહિલાના અનુભવને બીજી મહિલાઓના અનુભવ સાથે સરખાવી ન શકાય. પ્રેગ્નન્સી વખતે શારીરિક પરિવર્તન આવતું હોય છે જેના કારણે દરેક મહિલા નાની-મોટી સમસ્યાઓનો સામનો કરે છે. જોકે વર્કિંગ વુમન માટે તો વધુ મુશ્કેલી સામે આવે છે. ઓફિસ જતી મહિલાઓને અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો તેઓ કામ દરમિયાન અમુક વાતોને અનુસરે તો પ્રેગ્નન્સીને સરળ અને તણાવ મુક્ત બનાવી શકાય અને બાળકનાં સ્વાસ્થ્ય પર પણ કોઇ અસર નહીં પડે. એક અભ્યાસ પછી ખબર પડી હતી કે જે મહિલાઓએ અઠવાડિયામાં 40 કલાકથી વધુ કામ કર્યું છે તેમને મિસકેરેજ અથવા પ્રિટર્મ લેબરની સમસ્યાઓ ઉભી થઇ હતી. આમ, વધારે પડતું કામ કરવાથી કે પછી ઊંઘની પેટર્નમાં થયેલા બદલાવના કારણે મહિલાઓ ઉપર આવી અસર જોવા મળી હતી. આમ, પ્રેગ્નેન્ટ મહિલાઓ વધુ પડતા કામ અને તણાવથી દૂર રહીને નાઇટ શિફ્ટ કરવાનું ટાળવું જોઇએ. પ્રેગ્નન્સીમાં હિલ્સ ધરાવતા પગરખાં પહેરવાનું ટાળવું જોઈએ. આરામદાયક પગરખાં પહેરવા જોઈએ. હાઈ હિલ્સથી બાળકને નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત તમે પણ થાકનો અનુભવ કરવા લાગશો. લાંબા સમય સુધી ડેસ્ક ઉપર કામ કરવાથી દૂર રહો. વચ્ચે વચ્ચે બ્રેક લઈ લો. બ્રેક દરમિયાન તમે ખુલી હવામાં જાવ. ઊંડા શ્વાસ ભરો. હળવું સ્ટ્રેચિંગ પણ કરી શકો. ખુરશી પર બેસતી વખતે લાંબા સમય સુધી પગ લટકાવીને રાખો નહીં. તમે તમારા ટેબલની નીચે એક નાનું સ્ટૂલ રાખી શકો છો. જેથી તમારા પગ અને સાંધામાં સોજા આવશે નહીં અને કોઈ દુખાવો થશે નહીં. પ્રશ્ન : મારી ઉંમર 70 વર્ષ છે. ઠંડીમાં મારા અને મારી પત્નીના હાથ અને પગના સાંધા અકડાઇ જાય છે. મારા પત્નીને સાંધાઓમાં બહુ દુખાવો થાય છે. આ દુખાવો આખો દિવસ એકસરખો રહે એવું જરૂરી નથી. એની તીવ્રતામાં બદલાવ થતો રહે છે. આવું થવા પાછળ શું કારણ હશે? એક પુુુરુષ (રાજકોટ) ઉત્તર : તમને માત્ર ઠંડીમાં આ સમસ્યા થતી હોય તો તમારે કોઇ ખાસ દવાની જરૂર નથી, પણ થોડી કાળજી રાખવાથી આરામ મળી જશે. ઠંડીમાં વહેલી સવારે વોક પર જવું નહીં. વાતાવરણમાં થોડી ગરમી આવે પછી જ નીકળવું. જો તમારે વોક પર જવું જ હોય તો શરીરના જે ભાગમાં દુખાવો છે એ ભાગમાં ગરમ કપડાં ખાસ પહેરવાં. કપડાંનાં લેયર્સ હોય તો વધુ સારું. એટલે કે એક કરતાં વધુ કપડાં એકની ઉપર એક એમ પહેરેલાં હોય તો વધુ સારું રહેશે. ગરમી અંદર અકબંધ રહેશે અને ઠંડીની અસર સાંધા સુધી પહોંચશે નહીં. રાત્રે જો સૂતી વખતે એમ ફાવે તો એટલાં કપડાં પહેરીને જ સૂવું. સ્ટ્રેચિંગ અને વોર્મ-અપ કર્યા વગર એક્સરસાઇઝ કરવી જ નહીં. જો ઠંડીમાં સાંધાની તકલીફ રહેતી હોય તો રાત્રે પંખા અને એસીની સીધી હવા આવે એ રીતે ન સૂવો. એકદમ સીધી હવા આવશે તો સાંધાઓ દુખશે. ઘરમાં દિવસના સમયે પણ પગનાં અને હાથનાં મોજાં પહેરી રાખો. એનાથી ઘણો ફરક પડશે. ઘણી વખત તેલના માલિશથી પણ ફાયદો થાય છે. માલિશથી સ્નાયુઓ ગરમ થાય છે અને એ ગરમી સાંધાને મળે છે જેનાથી દુખાવામાં ઘણી રાહત રહે છે. જો કે આમ છતાં સમસ્યા રહેતી જ હોય તો ડોક્ટરને કન્સલ્ટ કરીને યોગ્ય સારવાર કરાવવી જોઇએ. સાંધાનો દુખાવો દવા અને ડોક્ટરની સલાહ દ્વારા તો નિયંત્રિત કરી શકાય છે. પરંતુ આ સમય દરમિયાન આપણે વધુ સારો આહાર અપનાવવો જોઈએ, જે ફાયદાકારક સાબિત થાય. આ રીતે આપણે શું ખાવું, શું ન ખાવું? એનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. સાંધાના દુખાવામાં કેટલાક ફળ અને શાકભાજીનું સેવન કરવું જોઇએ. તેનાથી ઇમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે. આહારમાં કુદરતી ગુંદરનું પણ સેવન કરવું જોઈએ અને મેથીનો પાવડર પણ પાણીમાં મિક્સ કરીને તે પીવો જોઇએ.

અન્ય સમાચારો પણ છે...