પેરેન્ટિંગ:બાળકને હોંશે હોંશે ભણતું કરવું છે?

3 મહિનો પહેલાલેખક: મમતા મહેતા
  • કૉપી લિંક
  • બાળકો સવાલ ખૂબ જ કરતા હોય છે. બાળક જિજ્ઞાસાવૃતિથી સવાલ કરે છે. બાળકના સવાલને ક્યારેય નજરઅંદાજ ન કરો. બાળકના સવાલના જવાબ ખૂબ જ સારી રીતે અને સમજપૂર્વક આપો

સ્કૂલ જતા પહેલાં બાળકો તેમના માતા-પિતા પાસેથી ઘણી વસ્તુઓ શીખે છે. બાળકના પ્રથમ ગુરૂ તેના માતા-પિતા હોય છે. જો કે આજની વ્યસ્ત લાઈફમાં વર્કિગ કપલને તેમના બાળકોને ભણાવવાનો સમય નથી રહેતો. આવી સ્થિતિમાં બાળકો માત્ર સ્કૂલ અને ટયુશન ક્લાસ પર નિર્ભર રહે છે. બાળકો ક્લાસિસમાં બધા જ બાળકો સાથે ભણી પણ લે છે, પણ બાળક પર વ્યક્તિ ધ્યાન આપવું પણ એટલું જ જરૂરી છે. ઉંમર પ્રમાણે યોગ્ય રીત અપનાવો બાળકને તેની ઉંમર પ્રમાણે ભણાવવામાં આવશે તો તે બહુ જલ્દી શીખી જશે. જો બાળક 2થી 4 વર્ષની વર્ષ વચ્ચેનું છે તો તેમને તસવીરોના સહારે પિકચરવાળી બુક બતાવીને ભણાવો. તમે તેમને આલ્ફાબેટ્સને ગીતો અને વીડિયો તેમજ કવિતાના માધ્યમથી ભણાવી શકો છો. આ રીતે ભણાવવાથી તેમને એન્જોય કરતાં-કરતાં શીખવાની તક મળશે. બાળકનો રસ જાગે તે રીતે ભણાવવા માટે માર્કેટમાં ઘણાં જુદાં-જુદાં રમકડાં પણ મળે છે. આ ટોયઝનો ઉપયોગ કરીને પણ બાળકને ભણાવી શકાય છે. આ રીતે ટોયઝ દ્વારા શીખવવાથી બાળક રમતાં-રમતા ઘણું શીખી લે છે. નિયમિત હોમવર્કની ટેવ બાળક અભ્યાસ સાથે તાલમેલ સાધી શકે એ માટે તેને નિયમિત હોમવર્ક કરવાની ટેવ પાડો. રોજ મળતું હોમવર્ક તેમની પાસે જ કરાવો. બાળક જો ભણવામાં નબળું હોય તો વધુ બોજ ન નાખતા સિલેબસને થોડા-થોડા ભાગમાં વિભાજીત કરીને ભણાવો, આવું કરવાથી તેના પર બોજ નહીં વધે અને તે સરળતાથી યાદ રાખી શકશે. બાળકને માત્ર પુસ્તકથી ભણાવવાના બદલે તેમને પ્રેકટિકલ જ્ઞાન આપો. તેમને બહાર ફરવા લઇ જાવ અને બહારની વસ્તુ બતાવી અને પ્રેકટિકલ રીતે શીખવો. ફળો, શાકભાજી, ઝાડ, છોડનું નોલેજ આપવા માટે તેમને પુસ્તકથી નહીં પરંતુ જે તે સ્થળે લઈ જઇને નોલેજ આપો. આ રીતે શીખવવાથી તે ભણવામાં રસ લેશે અને તેને ભણાવેલું યાદ પણ રહેશે, બાળક રૂમમાં કેદ થઈને ભણશે એના કરતા જે પ્રેકટિકલ રીતે શીખશે ભણશે તે વધુ દૃઢ હશે. જિજ્ઞાસાવૃત્તિને સંતોષો બાળકો સવાલ ખૂબ જ કરતા હોય છે. બાળક જિજ્ઞાસાવૃતિથી સવાલ કરે છે. બાળકના સવાલને ક્યારેય નજરઅંદાજ ન કરો. બાળકના સવાલના જવાબ ખૂબ જ જવાબદારીપૂર્વક આપો. વૈજ્ઞાનિક તથ્યો સાથે સમજાવીને જ તર્કબદ્ધ રીતે તેમના સવાલના જવાબ આપો કારણ કે તમે આપેલા જવાબ તેનાં માઇન્ડમાં ચિરસ્થાયી રહેશે અને તે એક ધારણા બાંધશે. ધમકાવાથી વણસી જશે સ્થિતિ જો તમે એમ માનતા હો કે તમારા ધમકાવવાથી બાળક ભણવામાં ધ્યાન આપશે તો આ માન્યતા ભૂલ ભરેલી છે. બની શકે કે તે તમારા ડરના કારણે ભણવામાં થોડો સમય ધ્યાન લગાવે પરંતુ તમારું ધ્યાન હટી જતાં તે પણ અભ્યાસમાંથી ધ્યાન હટાવી દેશે. જો બાળક અભ્યાસની મજા માણવાને બદલે એને બોજ સમજવા લાગે તો આવું થાય છે. આ લાગણીને કારણે તે અભ્યાસમાં સો ટકા હાજરી નહીં આપી શકે અને તેના કારણે પરિણામ પણ સો ટકા નહીં મળી શકે.

અન્ય સમાચારો પણ છે...