શરીર પૂછે સવાલ:ચારકોલ ટૂથપેસ્ટથી દાંત વધારે સફેદ થાય? એનો નિયમિત વપરાશ કરાય?

13 દિવસ પહેલાલેખક: વનિતા વોરા
  • કૉપી લિંક

પ્રશ્ન : હું 19 વર્ષની યુવતી છું. મારા દાંત થોડા ક્રીમ રંગના છે. મારી એક ફ્રેન્ડે મને હાલમાં ચારકોલ ટૂથપેસ્ટ વાપરવાની સલાહ આપી છે. શું ચારકોલ ટૂથપેસ્ટથી દાંત સાફ કરવાથી એનો રંગ વધારે સફેદ થાય ખરાં? એક યુવતી (સુરત) ઉત્તર : યુવાનોમાં છેલ્લા કેટલાક સમયથી ટીથ વાઇટનિંગમાં માટે ચારકોલનો યુઝ વધી રહ્યો છે. આ ટૂથપેસ્ટ્સનો દાવો છે કે એનાથી તમારા દાંત મસ્ત ચમકીલા અને સફેદ થઈ જશે. છેલ્લા એકાદ વરસમાં આ ટ્રેન્ડે જબરો વેગ પકડ્યો છે. જોકે હાલમાં એક અભ્યાસ પછી ખબર પડી કે ટૂથપેસ્ટમાં વપરાયેલા ચારકોલના કણો જો મોટા હોય તો એનો લાંબા ગાળે ઉપયોગ ત્વચાની ઉપરના ઇનેમલને ઘસી નાખે છે. આ સિવાય માર્કેટમાં મળતી ચારકોલ ધરાવતી ટૂથપેસ્ટમાં ફ્લોરાઇડનો અભાવ હોય છે. એને કારણે ચારકોલ ટૂથપેસ્ટથી ઇનેમલને પ્રોટેક્શન નથી મળતું અને સાથે કેવિટીથી પણ રક્ષણ નથી મળતું. ટૂથપેસ્ટમાં જો ચારકોલના કરકરા કણો હોય તો એ દાંતના ઇનેમલ પર સેન્ડ પેપર જેવી અસર કરે છે. એનાથી દાંત લીસા થાય છે અને ટેમ્પરરી ચમકે પણ છે. જોકે એ ઇનેમલને ઘસી નાખે છે. આના કારણે લાંબા ગાળે દાંતને નુકસાન જ પહોંચે છે. હકીકતમાં દાંત સફેદ જ હોવા જોઈએ એવું જરૂરી નથી, પણ એ સ્વચ્છ હોવા જ જોઇએ. દાંતનો રંગ ઇનેમલ એટલે કે દાંતનું સૌથી ઉપરનું આવરણ કેટલું ઓપેક છે કે ટ્રાન્સલ્યુસન્ટ છે એના પર નિર્ભર છે. બાકી ઇનેમલની અંદરનું ડેન્ટિન તો હળવા પીળા રંગનું જ હોય છે. જ્યારે તમે દાંતને સફેદ કરવા માટે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરો છો એનાથી ઇનેમલ ઘસાય છે. સામાન્ય રીતે ઇનેમલ તમારાં હાડકાં કરતાં પણ વધુ મજબૂત હોય છે, પણ ટીથ વાઇટનિંગ પ્રક્રિયા એને નબળું પાડે છે અને લાંબા ગાળે ટીથ સેન્સિટિવિટી થઈ શકે છે. જો આ ટીથ સેન્સિટિવિટીની સમસ્યા શરૂ થઇ જાય તો પછી એને સરખી કરવામાં બહુ સમય લાગે છે. પ્રશ્ન: મને અઢાર વર્ષ થયાં છે. મારો શારીરિક વિકાસ જોઇએ એવો થયો નથી. ખાસ કરીને ઉરપ્રદેશનો વિકાસ બિલકુલ નથી થયો. મને અન્ય કોઇ પ્રકારની તકલીફ નથી. મેં માર્કેટમાં મળતા ઓઇલ્સથી મસાજ કરી જોયું, પણ કંઇ ફરક નથી. મને માસિકસ્રાવ નિયમિત આવે છે. મારા શરીરનો યોગ્ય વિકાસ ન થયો હોવાથી મારા લગ્નમાં તકલીફ પડશે? એક મહિલા (અમદાવાદ) ઉત્તર : સુંદર અને સુડોળ સ્તનથી હોટ અને આકર્ષક લૂક મળી શકે છે. દરેક સ્ત્રી ઈચ્છે છે કે વક્ષસ્થળ આકર્ષક હોય પણ સરખી દરકાર ન કરવાને કારણે તેનો વિકાસ નથી થઇ શકતો તેમજ એની સુંદરતા પણ ખોવાઈ જાય છે. માટે જ તમારા સ્તનની કાળજી એ તમારા રોજિંદી સ્વાસ્થ્ય પદ્ધતિનો એક ફરજિયાત હિસ્સો હોવો જોઈએ તમને માસિકસ્રાવ નિયમિત આવે છે એનો અર્થ એ કે તમારા હોર્મોન્સ સક્રિય છે. ઘણી યુવતીઓનો શારીરિક વિકાસ લગ્ન પછી પણ થતો હોય છે અને આ વિકાસમાં ઉરપ્રદેશનો પણ સમાવેશ થાય છે. તમે માર્કેટમાં મળતા આવા વિકાસ માટેના ઓઇલ્સ કે ક્રીમથી મસાજ કરવાનો પ્રયત્ન કર્યો છતાં તેનાથી ફરક નથી પડ્યો, તો આવા ખોટા અખતરા કરવાની જરૂર નથી. લગ્ન બાદ શારીરિક વિકાસ આપોઆપ થશે અને એના કારણે તમારાં લગ્નમાં કોઇ પ્રકારની સમસ્યા થવાની કોઇ ચિંતા કરવાની જરૂર નથી. તમારો આહાર પણ તમારા સ્તનના સ્વાસ્થ્ય પર અસર કરે છે માટે તમારા ખોરાકમાં ફાઈબર અને પ્રોટીનનો સમાવેશ કરો. ઓટ અને બ્રાઉન રાઈસનો તમારા આહારમાં સમાવેશ કરી શકો છો. કસરત પણ તમારા સ્તનને સુડોળ બનાવે છે. રોજે માત્ર 5 મિનીટ કસરત કરો જેમાં પ્રેશર અને પામ એક્સરસાઈઝનો સમાવેશ કરો. પ્રશ્ન : મને છેલ્લા કેટલાક સમયથી વારંવાર કોરી ખાંસી આવે છે. રાત્રે આ સૂકી ખાંસીનું પ્રમાણે વધી જાય છે. આનું શું કારણ હશે? આ ખાંસી મટાડવાનો કોઇ ઘરગથ્થુ ઉપાય છે? એક મહિલા (રાજકોટ) ઉત્તર : ઘણી વાર મોસમ બદલાય ત્યારે કેટલાક લોકોને થોડી થોડી વારે ખાંસી આવ્યા કરે છે. આમાં ગળામાં કફ જેવું નથી હોતું, માત્ર કોરી ખાંસી જ આવે છે અને તે થોડા થોડા સમયે આવ્યા કરવાથી કંટાળી જવાય છે. વાસ્તવમાં, આ સૂકી ખાંસીની સમસ્યા છે. આવી સૂકી ખાંસી કોઇ પ્રકારની એલર્જી કે એસિડિટીને કારણે પણ થઇ શકે છે. તે થવાેનું કોઇ ચોક્કસ કારણ નથી હોતું. રાત્રેે સૂકી ખાંસીનું પ્રમાણ વધી જાય છે. ઘણા સમયથી બ્લડ પ્રેશરની દવા લેવી, એસિડિટી, ઇન્ફેક્શન કે અસ્થમા, ફેફસાં સંબંધિત તકલીફ વગેરેને કારણે સતત ખાંસી આવી શકે છે. કેટલીક વાર કફવાળી ખાંસી થાય છે, પણ તે મટાડવા માટે એન્ટિબાયોટિકનો ઉપયોગ પણ કફને સૂકવી નાખે છે, જેથી અટકી-અટકીને ખાંસી આવે છે. જો આવું કોઇ કારણ હોય તો તેની સારવાર કરાવો. આહારમાં દહીં, મઠ્ઠો, ભાત, મરીમસાલાયુક્ત ખાદ્યપદાર્થો, તળેલા ખાદ્યપદાર્થો, કોરું અને વાસી ભોજન, ઠંડું પાણી, કોલ્ડ ડ્રિંક્સ, આઇસક્રીમ વગેરેનું સેવન ન કરો. આના દેશી ઉપાય માટે મૂલેઠી, તુલસી, લવિંગ અને મરીને અડધા કે એક ગ્રામ લઇ એક ગ્લાસ પાણીમાં નાખી અડધો ગ્લાસ પાણી રહે ત્યાં સુધી ઉકાળો. આને દિવસમાં બે-ત્રણ વાર પીઓ. આમ છતાં ફેર ન પડે તો ડોક્ટરની સલાહ લો. પ્રશ્ન: મારા પતિને એક વાર સાથ માણ્યા પછી વારંવાર માસ્ટરબેશન કરવા જોઇએ છે. જો એમ ન કરું તો એમને સંતોષ નથી થતો અને એ મારા પર નારાજ થઇ જાય છે કે હું એમને પૂરતો સાથ નથી આપતી. મને માસ્ટરબેશન કરવાનું વધારે પસંદ નથી. મારે એમને કેવી રીતે સમજાવવા? એક મહિલા (અમરેલી) ઉત્તર : ઘણી વાર પુરુષોને માસ્ટરબેશનની આદત યુવાનીમાં જ પડી ગઇ હોય છે અને એ જ કારણસર ભલે તેઓ સાથ માણે છતાં તેમને માસ્ટરબેશન કર્યા વિના સંતુષ્ટિ થતી નથી. માસ્ટરબેશનની આદત હોય તો તેનાથી કંઇ નુકસાન થતું નથી. માત્ર એક પ્રકારનો સંતોષ વ્યક્તિ અનુભવે છે. તમારા પતિને સાથ માણ્યા બાદ માસ્ટરબેશન કરવા જોઇતું હોય તો એના માટે આટલી ચિંતા કરવાની જરૂર નથી. તમને ન ગમતું હોય એ વાત જુદી છે, પણ જ્યારે પતિ તમને સંતોષ આપતા હોય ત્યારે પતિને પણ તેમની રીતે સંતોષ પ્રાપ્ત થાય એ જોવાની તમારી પણ ફરજ છે. આથી એમને સાથ માણ્યા બાદ જો માસ્ટરબેશન કરવાથી સંતોષ મળતો હોય તો તેમ કરવામાં તમારે આનાકાની ન કરતાં તેમને સાથ આપવો જોઇએ. જો તમને આ પસંદ ન હોય તો આ મામલે પતિ સાથે સ્પષ્ટ ચર્ચા કરી શકો છો.

અન્ય સમાચારો પણ છે...