- એષા દાદાવાળા
માતા અને પિતા બંને કમાતા હોય અને કોઇ એકે જોબ છોડવાની આવે તો બાળકનાં ઉછેર માટે કોણે જોબ છોડી દેવી જોઇએ? નવ્વાણું ટકા લોકો જવાબ આપશે માતાએ. મારો સવાલ એ છે કે માતા જ શું કામ? માતા જો પિતા કરતા વધુ કમાતી હોય, પિતા કરતા ઉંચા હોદ્દા પર હોય તો પરિવારનાં ઉજ્જ્વળ ભવિષ્ય માટે પિતા નોકરી ન છોડી શકે? સુરતમાં હમણાં આવી જ એક ઘટના બની. માતા પીએસઆઇ હતી અને પિતા કોન્સ્ટેબલ. બંને નોકરી કરતા હતા એટલે દીકરો દાદા અને દાદી પાસે રહેતો હતો. હવે સવાલ એ ઊભો થયો કે દીકરાને સાથે રાખી શકાય એ માટે નોકરી કોણ છોડે? પરિવારમાં બધાએ માતા તરફ આંગળી ચીંધી. પોતે પતિ કરતા ઊંચા હોદ્દા પર હતી, વધુ કમાતી હતી, દીકરાના સારા ભવિષ્ય માટે વધુ પૈસા પણ જરૂરી હતા…વગેરે…વગેરે...વિચારો વચ્ચે પીસાઇ રહેલી માતાએ પેટ પર રિવોલ્વર મૂકી આપઘાત કરી લીધો. આ માએ લમણે ગોળી નથી મારી કે હડપચીએ ગોળી નથી મારી. એણે પેટ પર ગોળી મારી છે. માના પેટ માટે એક માએ પેટ પર જ ગોળી મારી દીધી.
મારો સવાલ એ છે કે બાળ ઉછેરની બધી જ જવાબદારી માતાનાં ખભે જ કેમ? ઘૂંટણિયે ચાલતા બાળકને સાચવવા માટે અને એનાં બાળોતિયાં બદલવા માતાને મેટરનિટી લીવ મળી શકતી હોય તો પિતાને આવી લીવ કેમ અપાતી નથી? એક તરફ આપણે સમાનતાની વાતો કરીએ છીએ. સ્ત્રીઓને પગભર બનાવવા એમને સીવવાના સંચાઓ અને ખાખરા વણવાનાં મશીનો આપીએ છીએ પણ પરિવારની વાત આવે ત્યારે સમાધાન પણ એનાં જ હિસ્સે લખી આપીએ છીએ. આવું કેમ? શું પિતા બાળકને ઉછેરી ન શકે? શું પિતા બાળકોને ઉછેરશે તો બાળકો અસંસ્કારી થઇ જશે? શું પિતા બાળકોની સાથે માતા જેટલો સમય પસાર કરશે તો બાળકો હાથમાંથી નીકળી જશે?
પિતા ઘર ચલાવે અને માતા ઘર સાચવે એવા વિચારો સદીઓ પહેલાની સમાજ વ્યવસ્થાનાં છે. હવે સમય બદલાયો છે. હવે સ્ત્રીઓ પણ કામ કરે છે. બિઝનેસ કરે છે. પુરુષો જેટલું જ અને ક્યારેક પુરુષો કરતા વધારે કમાય શકે છે. સ્ત્રીઓ મલ્ટિ ટાસ્કર છે. એ રસોઇ કરતાં કરતાં પતિને ભૂરા રંગની ટાઇ કબાટનાં ત્રીજા ખાનામાં ચોથી થપ્પીની વચ્ચે મૂકી છે એવું કહી શકે છે. ઓફિસમાં કામની વચ્ચે એ મહારાજને સૂચના આપી શકે છે કે સસરાને તીખું ફાવતું નથી એટલે શાકમાં મરચું ઓછું નાખજો. ઓફિસમાં ફાઇલો તપાસતાં તપાસતાં દીકરા કે દીકરીનો ફોન આવે તો એને 13નો ઘડિયો પણ યાદ કરાવી શકે છે. સ્ત્રી તો પુરુષો કરતા વધારે એક્યુરેટ હોય છે અને એટલે જ હવે પુરુષ ઘર ચલાવે અને સ્ત્રી ઘર સાચવે એ માન્યતાઓ વચ્ચેથી બહાર નીકળી જવાની જરૂર છે. પરિવારને માટે અને બાળકો માટે દર વખતે સ્ત્રીની કરિયર કે સ્ત્રીનાં સપનાંઓનાં બલિદાનની આદર્શ વાતોને હવે ભૂલવી જોઇએ. અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં માં એવા ઢગલાબંધ પતિ-પત્ની જીવે છે જ્યાં પત્ની નોકરીએ જતી હોય અને પતિ ઘરે રહીને બાળકો અને ઘરને સાચવતો હોય છે.
બાળકને ખવડાવવાની, એને રમાડવાની, એનાં કાલાંઘેલાં દરેક સવાલનાં જવાબો આપવાની, એની કલ્પનાશક્તિને ખીલવવાની, એને ઘડિયા ગોખાવવાની, એને વાર્તાઓ કરવાની, એ રમતાં રમતાં પડી જાય તો એનાં વાગેલા પર મલમ લગાડવાની, એનાં નહીં દેખાતા ઘાને રૂઝવવાની, આખા ઘરમાં વેરવિખેર પડેલા રમકડાંઓને સમેટવાની, ફર્શ પર વિખરાયેલા એનાં સપનાંઓને ઓળખવાની, એનાં ડાયપર બદલવાની અને અડધી રાત્રે જાગવાની જેટલી જવાબદારી માતાની છે, એટલી જ પિતાની પણ છે. મા સંસ્કાર આપે અને પિતા શિક્ષણ એ વાતો હવે જૂની થઇ ગઇ. હવે તો માતા-પિતા બેઉ સંસ્કાર આપે અને બેઉ શિક્ષણ આપે એવો જમાનો છે. બાળક માટે જ્યારે કરિયરનું બલિદાન આપવાનું આવે કે કરિયરમાં બ્રેક લેવાની વાત આવે ત્યારે આ નિર્ણય પતિ-પત્ની બંનેનો હોવો જોઇએ અને એ મેઇલ ઇગોને ધ્યાનમાં રાખીને નહીં પણ બેઉની મંજૂરી અને ઇચ્છાને ધ્યાનમાં રાખીને લેવાવો જોઇએ. આપણે ત્યાં સ્ત્રીની કરિયરને એટલી સિરિયસલી લેવાતી નથી જેટલી પુરુષની કરિયરને લેવામાં આવે છે. સ્ત્રીએ રસોઇ કરવાની હોય છે, સૂકાઇ ગયેલા કપડાંની ગડી કરવાની હોય છે. કોને શું ભાવે છે એ યાદ રાખવાનું હોય છે. એણે ઘરનાં અનેક એવા કામ કરવાનાં હોય છે જે પતિ કરી શકતો નથી અને ધારો કે પતિ કરે પણ છે તો પતિની મમ્મીને ‘હાય...હાય મારો દીકરો...’ની લાગણી થઇ આવે છે.
કોઇકે ઇંગ્લેન્ડની રાણી ક્વીન વિક્ટોરિયાનો એક કિસ્સો ટાંક્યો હતો. ક્વીન વિક્ટોરિયા પોતાનાં બેડરૂમમાં ગઇ ત્યારે એનાં પતિ બેડરૂમમાં આરામ કરતા હતા. ક્વીને દરવાજો ખખડાવ્યો. પતિએ પૂછ્યું કોણ છે? ક્વીને જવાબ આપ્યો કે હું ક્વીન વિક્ટોરિયા. પતિએ અંદરથી જવાબ આપ્યો કે હું કોઇ ક્વીન વિક્ટોરિયાને ઓળખતો નથી. ભણેલી-ગણેલી પત્નીનો આગ્રહ રાખતા પતિએ બેડરૂમમાં પણ સ્વીકારવું જોઇએ કે એની પત્ની ક્વીન વિક્ટોરિયા છે.
પત્ની તમારા કરતા વધુ કમાતી હોય તો એમાં નાનપ શું કામ લાગવી જોઇએ? આપણે ત્યાં જેવી રીતે હાઉસ-વાઇફ શબ્દ છે, એવી જ રીતે હાઉસ-હસબંડ શબ્દ પણ હોવો જોઇએ. આમ પણ આપણે તો લગ્નજીવનમાં પ્રેમ, સંસ્કાર, સમજદારી અને સમાધાનને મહત્ત્વ આપતી પ્રજા છીએ. લગ્નજીવનમાં કોણ કમાય છે એનાં કરતાં પણ વધારે મહત્ત્વ પરિવારના કમ્ફર્ટ, સુખ, સપનાંઓનું છે. જો પુરુષ કરતા વધુ કમ્ફર્ટ સ્ત્રી આપી શકતી હોય તો પુરુષે ઘરે રહીને બાળકોની અને ઘરની જવાબદારી સ્વીકારવી જોઇએ. ઘણા પિતા બાળકનાં જન્મ વખતે હાજર રહેતા નથી અને પછી અભિમાનથી કહે છે હું મીટિંગની વચ્ચે હતો અને ડિલિવરી થઇ ગઇ. બાળકનાં જન્મ સમયે ઓપરેશન થિયેટરમાં પત્નીની સાથે નહીં ઊભા રહેનારા પિતાએ હથેળીમાં પાણી લઇને ડૂબી મરવું જોઇએ. હમણાં જ ઓસ્ટ્રેલિયા રમવા જતા પહેલા વિરાટ કોહલીએ સ્પષ્ટતા કરી છે કે એને સંતાન થવાનું છે એટલે એ પેટરનિટી લીવ લેશે. બાળ ઉછેરમાં પોતાનો સમાન હિસ્સો આપવાની ઇચ્છા ધરાવતો વિરાટ કોહલી પોતાનાં આ નિર્ણયથી ઓછો સક્ષમ ખેલાડી થઇ ગયો? પોતાનાં સંતાનનું ડાયપર બદલશે તો આવતીકાલે એ સારું ક્રિકેટ નહીં રમી શકે? એ સ્ત્રૈણ બની જશે? માતૃત્વ અને પિતૃત્વ બંને સમાન અધિકારો આપે છે અને સાથે સાથે એકસમાન ફરજ પણ! dadawalaesha@gmail.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.