કવર સ્ટોરી:તમે કોલ રેકોર્ડ કરો છો? તો તમે આતંકવાદી છો...!

એક મહિનો પહેલાલેખક: એષા દાદાવાળા
  • કૉપી લિંક

તમારા મોબાઇલમાં એ એપ્લિકેશન ઇનબિલ્ટ હોય તો એને ઓફ મોડ પર મૂકી દેજો અને ડાઉનલોડ કરી હોય તો એને ડીલીટ કરી નાંખજો, પ્લીઝ! કારણ કે... તમારા મોબાઇલમાં રહેલી એ એપ્લિકેશન એવું સાબિત કરે છે કે તમે વિશ્વાસ મૂકવાને લાયક નથી. એ એપ્લિકેશન એવું પણ સાબિત કરે છે કે બારેમાસ ચોવીસ કલાક તમે હાથમાં ખંજર લઇને કોઇ પીઠની તલાશમાં હો છો. એ એપ્લિકેશન એવું પણ સાબિત કરે છે કે તમારી અંદર રહેલી સજ્જનતા ક્યારેક ને ક્યારેક તો દુર્જનતામાં ફેરવાઇ જ જવાની છે! હું વાત કરી રહી છું મોબાઇલમાં રેકોર્ડ કરાતા કોલની. ગુગલે હમણાં જ સત્તાવાર રીતે આવી એપ્લિકેશનો પર બેન મૂક્યો. એવું પણ કહ્યું કે ડાઉનલોડ કરાયેલી આવી એપ્લિકેશન હવે મોબાઇલમાં નકામી થઇ જશે, કામ નહીં કરે. જોકે ઘણી મોબાઇલ કંપની કોલ રેકોર્ડિંગની એપ્લિકેશન ઇનબિલ્ટ જ આપે છે જે તો કામ કરી જ રહી છે અને જેમનાં મોબાઇલમાં આ એપ્લિકેશન નથી એમણે ગુગલનાં નિવેદન બાદ પણ રેકોર્ડિંગ કરવાનો જુગાડ કરી દીધો છે. આપણે બધાનાં જ કોલ રેકોર્ડ કરીએ છીએ. મમ્મી સાથે થયેલી વાત હોય કે પ્રેમિકા સાથે કરાયેલો રોમાન્સ હોય, પતિ સાથેનો ઝગડો હોય કે પત્નીએ કરેલા રિસામણાં હોય, બોસે સોંપેલું કામ હોય કે એમ્પ્લોયે માગેલો પગાર વધારો હોય, પડોશી સાથેનો ઝગડો હોય કે આપણું કામ વહેલું પતે એ સ્વાર્થમાં કોઇ નાના અમથા કારકૂન સાથે કરેલી અંડર ટેબલ ડીલ હોય….આ બધું જ આપણે રેકોર્ડ કરી લઇએ છીએ અને સમય આવ્યે એ રેકોર્ડિંગને શસ્ત્રની જેમ વાપરીએ છીએ. કોલ રેકોર્ડિંગ એપ્લિકેશને વિશ્વાસ શબ્દ પર મૂકાયેલા વિશ્વાસની પણ સરેઆમ ઘાતકી હત્યા કરી નાખી છે. બાજી બગડે એ પહેલાં જ આપણે સાબિતીઓને ગજવામાં લઇને ફરતા થઇ ગયા છીએ અને બાજી બગડવાનો અણસાર આવે કે તરત જ રેકોર્ડ કરાયેલા કોલને આગળ ધરી ‘ટાઇમ પ્લીઝ’ કહી હાથ ઉંચા કરી દઇએ છીએ. બે મિત્રો કે પ્રેમી પ્રેમિકા જ્યારે એકબીજા સાથે વાત કરે છે અથવા તો ગોસિપ કરે છે અથવા તો ઝગડો કરે છે અથવા તો કોઇને પણ કહી ના શકાય હોય એવી એકબીજાની સાવ અંગત બેડરૂમ ટોક્સ શેર કરે છે ત્યારે એ બધું જ રેકોર્ડ કરી લેવું એ એક પ્રકારની આતંકવાદી પ્રવૃત્તિ છે અને આવા આતંકવાદીઓથી આપણે દૂર રહેવું જોઇએ. વડોદરાનો એક કિસ્સો છે. સત્ય ઘટના છે. એક પાંત્રીસ વર્ષની મહિલાએ પોતાના બોસ સાથે પોતાના પતિની આદતો શેર કરી. એણે એવું પણ શેર કર્યું કે એનાં લગ્ન હવે પહેલાં જેવા રહ્યા નથી અને છેલ્લે એવું પણ ઉમેર્યું કે બાળકોને કારણે સાથે રહેવું પડે છે બાકી મને મારા પતિ કે એના ઘરવાળાઓ સાથે રહેવામાં કોઇ રસ નથી. બોસે આ બધી વાતોને રેકોર્ડ કરી લીધી. આવી ફરિયાદ એ પેલી મહિલાનો બળાપો હતો માત્ર. થોડા દિવસો બાદ બોસે મહિલા સાથે શારીરિક સંબંધની માંગણી કરી. મહિલાએ આ માંગણી ફગાવી દીધી. બીજા દિવસે એ મહિલાને નોકરીમાંથી પાણીચું પકડાવી દેવામાં આવ્યું, એટલું જ નહીં પણ એનાં પરિવારજનો અને પતિને પેલું રેકોર્ડિંગ ફોરવર્ડ કરી દેવાયું. હવે પતિએ એ રેકોર્ડિંગને આધારે ડિવોર્સ માગી લીધા છે. બોસની સાથે ફોન પર નીકળી ગયેલા એક બળાપાએ પેલી મહિલાનાં જીવનની દિશા બદલી નાખી. નવાઇ પમાડે એવી વાત એ છે કે જે માણસોને આપણે ઓળખતા પણ નથી હોતા એમની વચ્ચે રેકોર્ડ થયેલી આવી વાતચીતોને સાંભળવાની આપણને મજા પડે છે. એટલું જ નહીં આપણે એના પરથી મિમ્સ બનાવીએ છીએ અને સોશિયલ મીડિયા પર કોઇના સંબંધની, કોઇની લાગણીઓની, કોઇના વિશ્વાસની સરેઆમ લિલામી પણ કરીએ છીએ. ફોન રેકોર્ડ કરનારા ઘણાં લોકો એવી દલીલો કરે છે કે બિઝનેસ ડીલ વખતે આવા રેકોર્ડિંગ અમને ખૂબ કામમાં આવે છે. સામેવાળી પાર્ટી ફરી જાય અથવા તો ક્વોટેશન સમજવામાં ગફલત કરે તો રેકોર્ડ કરાયેલા કોલ સાબિતી બને છે. લગ્ન નક્કી થતા હોય ત્યારે છોકરીવાળા અને છોકરાવાળા એકબીજાનાં કોલ રેકોર્ડ કરે છે કારણ કે પાછળથી વિધિ કે વ્યવહાર વગેરે મામલે ગેરસમજ ના થાય. પ્રેમી તો પ્રેમિકાનો કોલ એટલા માટે રેકોર્ડ કરે છે કે કાલે ઊઠીને પ્રેમિકા લગ્ન કરવાની ના પાડી દે અથવા તો સંબંધમાંથી મુકરર જાય તો એ રેકોર્ડિંગ કામ આવી શકે. આઘાત પમાડે એવી વાત એ છે કે હવે સંતાનો પણ પોતાનાં પેરેન્ટ્સ સાથે થયેલી વાતનાં રેકોર્ડિંગ સ્ટોર કરતા થઇ ગયા છે જેથી મા-બાપ કોઇ વાતની ના પાડે ત્યારે એવું સાબિત થઇ શકે કે પહેલા આ જ મુદ્દે એમણે હા પાડી હતી અને હવે ફરી ગયા છે. મારો સવાલ એ છે કે આપણાં સંબંધો તકલાદી થઇ ગયા છે કે આપણો એકબીજા પરનો આપણો વિશ્વાસ ખૂટી ગયો છે? એકબીજાને ઉતારી પાડવાની, એકબીજાને ખુલ્લા પાડી દેવાની કે એકબીજાને સબક શીખવાડી દેવાની આપણી વૃત્તિ વધી ગઇ છે? આપણી ડિક્ષનરીઓમાં વિશ્વાસ શબ્દ હવે ઝાંખો પડી રહ્યો છે. તમે કામવાળી સાથે વાત કરી રહ્યા હો કે શાકવાળી સાથે વાત કરી રહ્યા હો, તમે તમારી પત્ની સાથે વાત કરી રહ્યા હો કે પ્રેમી સાથે વાત કરી રહ્યા હો, તમે ક્લાયન્ટ સાથે વાત કરી રહ્યા હો કે તમારા બોસ સાથે વાત કરી રહ્યા હો...ફોનમાં સામે છેડે રીંગ પસાર થાય કે તરત જ તમારે એલર્ટ રહેવું પડે છે અને તોળી માપીને શબ્દો બોલવા પડે છે. ફલાણા ભાઇ કે ઢીકણાં બહેન વિશેનો ઓપિનિયન આપતા પહેલા સો વખત વિચાર કરવો પડે છે. બોલવાની, વ્યક્ત થવાની આઝાદી છીનવાઇ રહી છે કારણ કે ફોનનાં એક છેડે સાબિતીઓ ભેગી કરાઇ રહી છે અને ફોનનાં બીજે છેડે સાબિત થઇ જવાનો ડર હાવી થઇ રહ્યો છે. જે સંબંધો, જે બિઝનેસ ડીલોમાં રેકોર્ડિંગની જરૂરિયાત ઊભી થતી હોય એવા સંબંધોને ભરાઇ ગયેલી બ્રિફકેસમાંથી વધારાનાં કપડાં બહાર ફેંકીએ એવી રીતે જીવનમાંથી બહાર ફેંકી દેજો અને તમારી છાતીમાં ડાબી બાજુએ જો કશુંક ડંખતું હોય તો મોબાઇલમાંથી પેલી એપ્લિકેશન ડીલીટ કરી નાંખજો અને છતાં પણ જો કોલ રેકોર્ડિંગની લત છૂટતી ના હોય તો તમે કોલ રેકોર્ડ કરી રહ્યા છો એવી સચ્ચાઇ કહેવાનું જિગર રાખજો!dadawalaesha@gmail.com

અન્ય સમાચારો પણ છે...