વુમનોલોજી:તમને બિનધાસ્ત થવું ગમે?

મેઘા જોશી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તમે તમારા અભિગમ, મનોવલણ અને કોઈ પણ બાબત માટે કેટલી વૈચારિક સ્પષ્ટતા ધરાવો છે એ તમને પોતાને ખબર હોય તો સમજો કે તમે બાજી જીતી ગયાં

"અરે, એને કઈ ફરક ના પડે, એ તો બિનધાસ્ત છે. એ જરાય કાચી-પોચી નથી, બિનધાસ્ત છે.’ તમે જ્યારે જ્યારે કોઈ પણ વ્યક્તિ માટે બિનધાસ્ત શબ્દ વાપરો છો ત્યારે એક્ઝેટલી તમારા મનમાં એની ઈમેજ કેવી હોય છે? બિનધાસ્ત એટલે સારું કે ખરાબ? આમ તો નીડર હોવું, સ્પષ્ટ હોવું કે દરેક પરિસ્થિતિ માટે સજ્જ હોવું એ તો સારાં લક્ષણો છે તો શા માટે આપણે કોઈને બિનધાસ્ત કહીએ ત્યારે એમાં શ્લેષ હોય છે કે નાકનું ટીચકું ચડી જાય છે? બિનધાસ્ત એક એવો શબ્દ છે જે અર્થ કરતા વધુ અનર્થ ઊભા કરે છે અને તે છતાં દરેક યુવાન કે યુવતીને બિનધાસ્તનો કિરદાર પહેરવો ગમે છે. બિનધાસ્ત શબ્દનો ઉદ્્ભવ મરાઠી ભાષામાં જોઈએ તો એમાં બિન એટલે વિના અને ધાસ્ત એટલે અનિષ્ટની કલ્પના અથવા વિનાશનો ભાવ. વેલ,આપણે ભાષા નહીં પરંતુ ભાવાર્થને સમજીએ. મુક્ત પંખી જેવાં, અલગારી, અલ્લડ, સ્વતંત્રમિજાજી જેવાં અનેક વિશેષણ ભેગાં કરીને જે વ્યક્તિત્વ બને એ કેવું હોય? અને એમાં પણ આ દરેક વિશેષણ કોઈ યુવતી કે સ્ત્રી સાથે લાગે ત્યારે એ સ્ત્રીનો સ્વભાવ, વાણી, વર્તન અને વ્યવહાર કેવો હોય? લોકો તેની માટે શું કહે અને સ્ત્રી સ્વયં પોતાની જાત માટે શું વિચારે? ધારો કે તમને તમારાં વિચાર અને વર્તન બાબતે કોઈ બિનધાસ્ત કહે તો એને વખાણ સમજવાં કે વખોડવું એ તમારા હાથમાં છે. જે સ્ત્રીને આત્મવિશ્વાસ અને અહંકાર વચ્ચેનો ભેદ બરાબર ખ્યાલ હોય, સ્વતંત્ર વિચારધારા અને સ્વચ્છંદ વર્તન વચ્ચેના તફાવતને સમજી શકે તો તેને બિનધાસ્ત કહો કે અલગારી કહો કંઈ ફરક નહીં પડે. તમે આંતરિક અને બાહ્ય વર્તનમાં આત્મનિર્ભર છો? સામાજિક દબાણ અને અપેક્ષાને વશ થઈને તમે તમારી વૈચારિક ક્ષમતાને બાંધીને રાખો છો કે જરૂર જણાય ત્યાં પરિવર્તન લાવીને સ્પષ્ટ વિચારધારા ધરાવો છો, આ પ્રશ્ન જાતને ખાસ પૂછજો. અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ધાર્યું જ કરવું અથવા ખોટી જીદ પર અડી જઈને દિવસને રાત કહેવા જેવી બળવાખોર વાત નથી. તમને લોકો જબરા તરીકે ઓળખે એનો અર્થ એ નથી કે તમે કોઈ પણ બાબતે ડરતા ના હોય. તમે તમારા અભિગમ, મનોવલણ અને કોઈ પણ બાબત માટે કેટલી વૈચારિક સ્પષ્ટતા ધરાવો છે એ તમને પોતાને ખબર હોય તો સમજો કે તમે બાજી જીતી ગયાં. તમારાં મૂલ્યો તમને પોતાને ખબર હોય અને તમારા વ્યવહારમાં દેખાતા હોય તો તમારે કશું જ સાબિત કરવાની જરૂર નહીં રહે અને મૂલ્યો સાથે અડગ રહેનારને જો બિનધાસ્ત કહેવાતું હોય તો સો વાર બિનધાસ્ત કહેવા તૈયાર. મુક્તમનના લોકો પોતાના પહેરવેશ, હેર સ્ટાઈલથી માંડીને ભાષા અને વિચારોમાં પણ તાજગી અકબંધ રહે તેનો પ્રયત્ન કરે છે. બિનધાસ્ત સ્ત્રી પરંપરાને પડકારીને પરિવર્તનની કેડી કંડારી શકે, પ્રેમ અને નફરતને એકસરખી રીતે પ્રોસેસ કરીને ટટ્ટાર આગળ વધી શકે, તે સ્વમાન અંગે સજાગ હોય. હવે તમે નક્કી કરો કે તમે બિનધાસ્ત છો. meghanajoshi74@gmail.com

અન્ય સમાચારો પણ છે...