કવર સ્ટોરી:મદદ ક્યારે કરવાની એની તમને ખબર છે ખરી?

એષા દાદાવાળા21 દિવસ પહેલા
  • કૉપી લિંક

તમે કોઇને ક્યારે મદદ કરો? એને મદદની જરૂર છે એની તમને જાણ થાય કે તરત જ? કે એ મદદની પુકાર કરે ત્યારે? કોઇ તમારી સલાહ માગે ત્યારે જ તમે તમારા જ્ઞાનનો મહાસાગર છલકાવો કે તમારા જ્ઞાનરૂપી મહાસાગરમાં છબછબિયાં કરાવવા લોકોને સામેથી ખેંચી લાવો? આપણાં દરેકની અંદર એક દુર્યોધન જીવતો હોય છે એને સાચા અને ખોટા વચ્ચેનો ભેદ ખબર હોય છે અને છતાં એનું આચરણ કરી શકતો નથી. તમને જ્ઞાન હોવા માત્રથી તમે બુદ્ધિશાળી થઇ જતા નથી. બુદ્ધિશાળી માણસ એ છે જે જાણે છે કે આ જ્ઞાન ક્યાં, ક્યારે અને કોને આપવાનું છે. જ્ઞાન અથવા તો નોલેજ સાથે કેટલીક જવાબદારીઓ પણ આવે છે. બિલકુલ, તમારી પાસે રહેલું જ્ઞાન બીજાને વહેંચવું જ જોઇએ પણ ક્યારે વહેંચવાનું એની તમને ખબર હોવી જોઇએ. જેને આપણે ખૂબ પ્રેમ કરીએ છીએ, જેનાં પ્રત્યે આપણી જવાબદારી છે, જેની આપણે કાળજી લઇએ છીએ એને બધું જ હાથમાં આપી દેવાની આપણને આદત પડી છે. એની આંખમાંથી જરા આંસુ પડે કે આપણે રૂમાલ લઇને દોડી જઇએ છીએ. એ જરા તકલીફમાં મૂકાય કે આપણે હથેળીઓ પર સોલ્યુશન પીરસી દઇએ છીએ. એને જરા સરખું વાગે અને એ ચીસ પાડે એ પહેલાં આપણે મલમ-પટ્ટી કરી આપીએ છીએ. પરિણામે ક્યારેક એવું થાય છે કે એ વ્યક્તિને આપણી કદર જ નથી થતી. એના માટે આપણે જે કંઇપણ કરી રહ્યા છીએ એનું મૂલ્ય એને સમજાતું જ નથી. આ બધું જ કરવું આપણી નૈતિક-સામાજિક-ઇમોશનલ જવાબદારી છે એવું એ ધારી લે છે. મોટાભાગનાં માણસો યુદ્ધનાં બધા જ નિયમો જાણતા હોવા છતાં સંબંધોનું મહાભારત હારી જતા હોય છે કારણ કે એ લોકો લાગણીઓને જ શસ્ત્ર બનાવી અને લાગણીઓને જ ઢાલ બનાવીને યુદ્ધ લડતા હોય છે. બુદ્ધિશાળી માણસ લાગણીઓને અતિક્રમી શકે છે પણ લાગણીઓનો ગુલામ માણસ ટાઇમ બોમ્બ જેવો હોય છે. એ જ્યારે ફૂટે છે ત્યારે જાતનાં ફૂરચે ફૂરચાં ઉડાવી દેતો હોય છે અને એકવાર ફૂરચાં ઉડી જાય પછી જાતને સમેટવાની અઘરી થઇ જતી હોય છે. જ્ઞાની હો ત્યારે જ્ઞાનને હોલ્ડ કરતા પણ આવડવું જોઇએ. તમે મેળવેલું જ્ઞાન મહત્ત્વનું છે, તમે મેળવેલી માહિતીઓ પરસેવો પાડીને આવી છે એને એમનેમ ગમે તે સમયે વેડફી નખાય નહીં. સંબંધોમાં જ્યારે મદદની વાત આવે, સંબંધોમાં જ્યારે સલાહની વાત આવે ત્યારે સગ્ગા મા-બાપ હોય, સગ્ગા સંતાનો હોય કે સગ્ગા પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા હોય...મદદ કરવાનો એક ટાઇમિંગ હોય છે. સમય કરતા પહેલાં કરાયેલી તમારી મદદ એ સામેની વ્યક્તિ માટે અધિકાર બની જતી હોય છે. કૃષ્ણ પાસેથી આ ટાઇમિંગ શીખવા જેવું છે. કૃષ્ણને ગીતા પહેલેથી જ ખબર હતી. ધાર્યું હોત તો કૃષ્ણ અર્જુનને મહેલમાં બેસાડીને પણ ગીતા સંભળાવી શક્યા હોત પણ એમણે એવું ના કર્યું. અર્જુનનાં હાથમાંથી ધનુષ્ય સરકી જાય એ ક્ષણની એમણે રાહ જોઇ કારણ કે એ જાણતા હતા કે ધનુષ્ય સરકી ગયા પછી જ અર્જુન માટે ગીતાનું મૂલ્ય રહેવાનું છે. મદદ ક્યારે કરવી જોઇએ એની તમને ખબર હોવી જોઇએ. દીકરાને મેડિકલમાં ભણવું છે, તો એને ચોવીસ કલાક વાંચવા દો. એને પરસેવો પાડીને મહેનત કરવા દો. નીટનાં રેન્ક પ્રમાણે એની પાસે કોલેજનાં લિસ્ટ મૂકો. એને સમજાવું જોઇએ કે ગમતી કોલેજમાં એડમિશન લેવા માટે એણે કરેલી મહેનત અથવા તો બુદ્ધિ ક્ષમતા ઓછી પડી છે. એ પછી એનાં હાથમાં ડોનેશનની રકમ મૂકી એને કહો કે જા એડમિશન લઇ આવ…આવું કરશો તો એને તમે ખર્ચેલી ડોનેશનની રકમનું મૂલ્ય ચોક્કસ જ સમજાશે...પણ જો એ ડોક્ટર થવાની ઇચ્છા વ્યક્ત કરે ત્યારે જ તમે એને કહી દેશો કે ચિંતા નહીં કરતો આપણે કોઇપણ રીતે એડમિશન લઇશું તો તમારા પ્રયત્નોનું કે ડોનેશનરૂપે તમે ખર્ચી નાખેલી તમારી જીવનભરની મૂડીનું મૂલ્ય એના માટે ઘટી જશે. દરેક મદદનો એક ટાઇમિંગ હોવો જ જોઇએ. આપણી ઓળખાણો એ રસ્તાની રેકડીમાં વેચાતા દાણા-ચણા નથી કે દસ રૂપિયાની નોટ ખર્ચી કે પડીકામાં વીંટાળાઇ હાથમાં આવી ગયા. આપણી ઓળખાણો એ આપણી મૂડી છે અને આપણે જ્યારે સામેની વ્યક્તિ માટે એનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એ વ્યક્તિને એનું મહત્ત્વ સમજાય એ જરૂરી છે. બુદ્ધિશાળી માણસો જ્યારે લાગણીથી વિચારી ટાઇમિંગ જોયા વિના મદદ કરી દે છે ત્યારે દુ:ખી થવાનું એમના પક્ષે જ આવે છે. સામાન્ય વ્યક્તિ મદદ કર્યા પછી એવું વિચારી લેશે કે મેં તો કર્યું પણ એને સમજાયું નહીં તો કંઇ નહીં પણ બુદ્ધિશાળી માણસો પાસે તર્ક હશે અને લાગણી અને તર્કનું કોકટેલ બહુ ખતરનાક અને પીડાદાયક હોય છે. ‘નરો વા કુંજરો વા’ કહેવાનું છે પણ ક્યારે અને કોની સામે કહેવાનું છે એ સૌથી વધારે અગત્યનું છે. તમને એ પણ ખબર હોવી જોઇએ કે અર્જુનને ગીતાનું જ્ઞાન આપી શકાય અને તમને એ પણ ખબર હોવી જોઇએ કે ચક્રવ્યૂહ ભેદવાનું જ્ઞાન અભિમન્યુને ન આપી શકાય, એ સગ્ગો ભાણિયો હોય તો પણ. સ્ત્રી માટે એક હજાર સાડીઓ લાવનાર પુરુષ કૃષ્ણ નથી થઇ શકતો પણ દ્રૌપદીનાં શરીર પરની સાડી દુશાસન ખેંચી લે એ પહેલાં જ ચીર પૂરવાનું શરૂ કરો ત્યારે જ તમે કૃષ્ણની મહત્તાને પામી શકો. આપણી જાતને, આપણાં જ્ઞાનને, આપણી પાસેની માહિતીને કે આપણી ઓળખાણોને ટેકન ફોર ગ્રાન્ટેડ બનતા અટકાવવી હશે તો આપણાં જ્ઞાનને, માહિતીને, ઓળખાણોને હોલ્ડ કરતા આપણને આવડવું જોઇશે. સામેની વ્યક્તિ મદદ માટેનો પુકાર કરશે અને તમે એને મદદ કરશો તો એ આજીવન તમને નહીં ભૂલે પણ એની મદદની પુકાર વિના તમે એને મદદ કરવા દોડી જશો તો એને આજીવન તમારું મૂલ્ય નહીં થાય એ કડવી વાસ્તવિકતા છે. જો તમે બુદ્ધિશાળી માણસોની યાદીમાં આવો છો તો એકવાર સેલ્ફ ચેક કરી લેજો કે તમારા જ્ઞાનને તમે હોલ્ડ કરી શકો છો કે નહીં? બાકી, લાગણીઓને જાત પર હાવી થવા દઇને સૌને કસમયે મદદ કરતા રહેવું હોય તો કોઇપણ પ્રકારની અપેક્ષાઓ રાખવાની નથી એવું મનમાં ઘૂંટી લેજો. dadawalaesha@gmail.com

અન્ય સમાચારો પણ છે...