એ તમને પહેલાં બહુ ગમતા. આખો દિવસ એમના જ વિચારો આવતા. એ શું કરતા હશે, એમણે ખાધું હશે કે નહીં, યાદ કરતા હશે કે નહીં...વગેરે વગેરે વિચારો વચ્ચે તમારો આખો દિવસ પસાર થતો. એમને મળવા સિવાયની બધી જ પળો નક્કામી અણગમતી લાગતી. એમની આંગળીઓ તમારાં શરીર પર ટેરવાં ભૂલી ગઇ હોય એમ આખો દિવસ ન સમજાય એવું કંપન રહેતું શરીરમાં…એમના અડકવા માત્રથી શરીર પર ઢગલાબંધ ફૂલો ઉગી નીકળતા, પતંગિયાઓ દોડવા માંડતા, એમને મળવાથી કે એમની સાથે વાત કરવા માત્રથી મળી જતી એનર્જી સામે જગતનાં શ્રેષ્ઠત્તમ એનર્જી ડ્રીંક વામણાં પુરવાર થતાં. પણ…હવે એમને મળવા મન બેબાક નથી થતું. બધું છોડી એમની પાસે જતા રહેવાની ઇચ્છાની ધાર બુઠ્ઠી થઇ ગઇ છે. વાતોનાં વિષયો ખૂટી ગયા છે. લાગણીઓ ફરજ બનીને રહી ગઇ છે. શરીરનું આકર્ષણ મરી પરવાર્યું છે. જે સ્પર્શ પતંગિયાઓ ઉડાડી શકતો હતો એ જ હવે શરીર પર કાંટા ઉગાડી રહ્યો છે. સંસ્કારે, કમિટમેન્ટે, સંબંધે, સમાજે હજી પણ એકબીજા સાથે જોડાયેલા રાખ્યાં છે પણ કારમી અને કહી નહીં શકાય એવી વાસ્તવિકતા એ છે કે હવે એમની સાથે પહેલાં જેટલું ફાવતું નથી…! આવું કેમ થાય છે? જ્યારે તમે કોઇ સંબંધમાં હોવ છો ત્યારે એ સંબંધને ટકાવી રાખવા એની જમા ઉધાર બાજુને નિયમિત ચકાસતા રહેવું ખૂબ જરૂરી છે. ધંધામાં સંબંધનાં ઉસૂલો અને સંબંધમાં ધંધાનાં ઉસૂલો રાખવાની અને પાળવાની કોશિશ કરશો તો બેઉ બાજુએ વાંધો નહીં આવે. તમે સ્ત્રી છો ત્યારે ગમતા પુરુષ માટે તમારે સતત ઇન્ટરેસ્ટિંગ બની રહેવું જરૂરી છે અને તમે પુરુષ છો ત્યારે તમને ગમતી સ્ત્રીનું ધ્યાન તમારા પરથી ન હટે એ માટેનાં પ્રયાસો સતત કરવા જરૂરી છે. સંબંધને ઇન્ટરેસ્ટિંગ બનાવી રાખવા શું કરવું જોઇએ? Â તમારે ઇન્ટરેસ્ટિંગ બની રહેવું પડે : લગ્ન પછી સામાજિક જવાબદારીઓ, બાળકો વચ્ચે સ્ત્રીઓ એટલી બધી ખોવાઇ જાય છે કે પતિ માટે ઇન્ટરેસ્ટિંગ બનીને રહેવાનું ચૂકાઇ જાય છે. આવું જ પતિ સાથે પણ થાય છે. પૈસા અને નામ કમાવવામાં વ્યસ્ત થઇ ગયેલો પતિ પત્નીને ‘ગમતા રહેવાની’ કોશિશો કરતો જ નથી. પ્રેમ સંબંધમાં પણ આવું જ થાય છે. ઇન્ટરેસ્ટિંગ બનીને રહેવું એટલે તમારી ગમતી વ્યક્તિ માટે શારીરિક અને માનસિક બેઉ રીતે રસપ્રદ રહેવું. Â માનસિક અપગ્રેડેશન : એક ઘર સારી રીતે ચાલે એમાં ગૃહિણીઓનો બહુ મોટો ફાળો હોય છે, પણ ઘર સાચવવામાં વ્યસ્ત ગૃહિણીઓ પોતાનાં જ સંબંધને સાચવવાનું ચૂકી જાય છે. તમે હાઉસવાઇફ છો તો શું થઇ ગયું, માનસિક રીતે અપગ્રેડેડ રહી જ શકો અને રહેવું જ જોઇએ. હાઉસવાઇફે વાંચવું જોઇએ, સારી ફિલ્મો જોવી જોઇએ, સારાં ગીતો સાંભળવાં જોઇએ, દેશ વિદેશનાં સમાચારો જાણવાં જોઇએ. Â શરીર : શરીરને સાચવવું-ટકાવવું એ મોટાભાગની સ્ત્રીઓ માટે એક નેશનલ સમસ્યા થઇ ગઇ છે. કમર લચીલી ન રહે તો ચાલે પણ ત્યાં ચરબી ઘર કરી જાય એ તો ન જ ચાલે. સેક્સલાઇફ માટે શરીરને સાચવવું જરૂરી છે. નિયમિત વેક્સ, અન્ડરઆર્મ્સ, બિકીની વેક્સ કરાવતા રહેવું જરૂરી છે. પ્રાઇવેટ પાર્ટની સફાઇ પણ એટલી જ જરૂરી છે. જેવી રીતે સ્ત્રીઓએ શરીરનું ધ્યાન રાખવાનું છે એવી જ રીતે વધી ગયેલું પેટ અને વાસ મારતા પ્રાઇવેટ પાર્ટસ પુરુષો માટે પણ શરમજનક છે. Â મેનર્સ : પતિની ગેરહાજરીમાં એના વોટ્સએપ વાંચી લેવાં, એનો કોલ લોગ જોઇ લેવાં એ મેનર્સ નથી. એવું જ પત્નીનાં ફોન સાથે પણ ન જ કરી શકાય. રસોઇ બહુ સારી બનાવતા હોવ પણ એને પીરસતાં પણ આવડવું જોઇએ. કાંસાની થાળીમાં શાક કઇ બાજુ પીરસાય અને રોટલી કેવી રીતે મૂકાય એની ખબર હોવી જોઇએ. ક્યાં અટકવું એનું જ્ઞાન હોવું એ પણ મેનર્સનો ભાગ છે. તમે તો સમય આપતા જ નથી આવી ફરિયાદ બારેમાસ ન હોય શકે. Â અભિવ્યક્તિ : કોઇપણ સંબંધને ટકાવી રાખવા અભિવ્યક્તિ બહુ જરૂરી છે. તમે કેટલો પ્રેમ કરો છો, તમે એકબીજાને કેટલું મિસ કરો છો, તમને એકબીજાનું શું ગમે છે, શું નથી ગમતું આ બધી વાતોની અભિવ્યક્તિ જરૂરી છે. ઘણાં લોકો એવું કહી દેતા હોય છે કે હું ઇન્ટ્રોવર્ટ છું પણ ઇન્ટ્રોવર્ટ રહીને પણ તમારાં વર્તનથી પ્રેમની અભિવ્યક્તિ થઇ જ શકે છે. Â ધારણાઓ ન બાંધો : એ તો આવા જ છે…એણે જાણી કરીને જ આવું કર્યું હશે. આવી ધારણાઓ બાંધી લેવા કરતા જે અનુભવ્યું એ દિલ ખોલીને એકબીજાને પૂછી લો. પૂછવા માટે યોગ્ય સમયની રાહ જુઓ, ધીરજ રાખો. Â ના પાડતાં શીખો : સંબંધમાં આ સૌથી અગત્યની વાત છે. તમે તમારા પાર્ટનરની જે ઇચ્છા પૂરી કરી શકતા નથી, જે કોમ્પ્રોમાઇઝ કરી શકતા નથી એના માટે પ્રેમથી ના પાડી દો. આ બધું હું કરીશ પણ આવું કરવાનું મને નહીં ફાવે…એવું કહી દેવું બહુ જરૂરી છે. Â લિસનિંગ સ્કીલ : એકમેકને સાંભળવા અને એકમેકને બોલવા દેવા આ બંને બહુ જરૂરી છે. Â જરૂરિયાતો અને અપેક્ષાઓ : તમારા પાર્ટનરની બદલાઇ રહેલી જરૂરિયાતોની તમને ખબર હોવી જોઇએ. એની તમારા પ્રત્યેની અપેક્ષાઓ વિશે પણ તમે જાણતા હોવા જોઇએ. તમારી જરૂરિયાતો વિશે પણ વાત વાતમાં જાણ કરતા રહેવું જોઇએ. કેટલીક પત્નીઓ પ્રેમિકાઓ એવી ઇચ્છા રાખતી હોય છે કે એને દર મહિને ફરવા લઇ જાય, અઠવાડિયામાં ચાર વાર તો બહાર જ ખવડાવે તો...વગેરે વગેરે અપેક્ષાઓ રાખતા પહેલા એને તર્કને ત્રાજવે તોળી લેજો. વિચારજો કે તમારા ભાઇ પાસેથી કોઇ છોકરી આવી અપેક્ષા રાખશે તો તમારું રિએક્શન શું હશે! જો તમે એવી જ અપેક્ષા રાખશો કે એ ઓફિસેથી વહેલાં આવે તો તમારી આ અપેક્ષા એમની કેરિયરની વાટ લગાડી દેશે એ નક્કી છે. સંબંધ સ્વત: સ્વીકારેલું બંધન છે, એ સ્વચ્છંદ હોઇ શકે નહીં. હ્યુમરિસ્ટ ફિગર તોહનસવી એવું કહેતા કે, ‘અપની શાદી સે મેં એક બાત સીખા હું કી હમ દોનોં કી ખુશી મેં હી, હમ દોનોં કી ખુશી હૈ!’ સંબંધને રિફ્રેશિંગ રાખવા જો તમે બંને એકબીજાની ખુશીમાં પોતાની ખુશી શોધતા રહેશો તો સંબંધ મરી નહીં જાય, એ નક્કી ! dadawalaesha@gmail.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.