સજાવટ:દિવાળીના દીવા : ઘરની સુંદરતાની સાથે વધારે સમૃદ્ધિ

એક મહિનો પહેલાલેખક: દિવ્યા દેસાઇ
  • કૉપી લિંક

દિવાળીનો તહેવાર કારતક મહિનાની અમાવસ્યાના દિવસે ઉજવવામાં આવે છે. પાંચ દિવસ સુધી ચાલતો આ તહેવાર હિન્દુઓનો મોટો તહેવાર માનવામાં આવે છે. આ તહેવાર દરમિયાન ઘરને દીવાથી સારી રીતે સજાવવામાં આવે છે. આ તહેવારમાં ઘરને દીવાથી સજાવવાથી ઘરની સુંદરતા તો વધે જ છે પણ સાથે સાથે સમૃદ્ધિ પણ આવે છે. માન્યતા પ્રમાણે જો તમારા ઘરમાં મંદિર છે તો સૌથી પહેલો દીવો મંદિરમાં પ્રગટાવવો જોઇએ અને આ દીવામાં ગોળ વાટને બદલે લાંબી વાટનો ઉપયોગ કરવો જોઈએ. દીવો તેલમાં પ્રગટાવો જોઈએ. આમ કરવાથી મા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને ઘરની સમૃદ્ધિ વધે છે. મંદિરમાં દીવો પ્રગટાવ્યા પછી તુલસીના છોડ પાસે દીવો કરવો જોઇએ. ધાર્મિક માન્યતા છે કે આ આનાથી મા અન્નપૂર્ણાજ પ્રસન્ન થાય છે અને ઘરમાં ક્યારેય અનાજની કમી રહેતી નથી. મોટાભાગે ઘરોમાં પરંપરાગત દીવાઓનો જ ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ દીવા પર કોનની મદદથી સુંદર ડિઝાઈન તૈયાર કરી શકો છો. જો તમે ઇચ્છો તો બ્રશની મદદથી દીવા પર સોનેરી રંગની ઝીણી અને સરસ ડિઝાઇન કરી શકો છો. આ દીવાને કાચ, કુંદન અને મોતીથી ડેકોરેટ કરી શકો છો. જોકે હાલમાં માર્કેટમાં બીજા અનેક પ્રકારના દીવા ઉપલબ્ધ છે અને તમે ઇચ્છો તો તમારી પસંદગી પ્રમાણે ઘરે પણ ડિઝાઇનર દીવા બનાવી શકો છો. મીણ ભરેલા દીવા : મીણ ભરેલા દીવાની ખાસિયત એ છે કે એમાં વારંવાર તેલ ભરવાની ચીવટ રાખવી નથી પડતી. એમાં મીણમાં વાટ ગોઠવેલી હોવાથી જ્યાં સુધી વાટ રહે ત્યાં સુધી આ દીવો ઓલવાતો નથી. માર્કેટમાં મીણના અનેક રંગોના વિકલ્પ ઉપલબ્ધ છે એટલે તમે તમારા ડેકોર સાથે મેચ થાય એવા રંગના મીણના દીવાની ખરીદી કરી શકો. આ મીણ ભરેલા દીવા માટીના પણ હોય છે અને જો ઇચ્છો તો મેટલમાં પણ એના વિકલ્પ મળી રહે છે. બેટરીથી ચાલતા દીવા : આ પ્રકારના દીવા બેટરીથી ચાલતા હોય છે પણ એ જાણે કોડિયું પ્રજ્જવલિત હોય એવી ઇફેક્ટ આપે છે. દિવાળી દરમિયાન લોકો 5 દિવસ સુધી ઘી અને તેલના દીવા પ્રજ્વલિત કરતા હોય છે, જે મોંઘવારીમાં થોડું મુશ્કેલ પણ છે.આ બેટરીથી ચાલતા દીવા સસ્તા પણ છે અને હવાથી ઓલવાઈ પણ જતા નથી. આ દીવાથી બાળકોને દાઝવાનો પણ ડર રહેતો નથી.

અન્ય સમાચારો પણ છે...