મૂડ એન્ડ માઇન્ડ:ડિજિટલ ડિટોક્સ

ડો. સ્પંદન ઠાકર15 દિવસ પહેલા
  • કૉપી લિંક

લિપિ અને ઋષિ દિવાળી દરમિયાન બહાર ફરવા ગયાં હતાં. જે જગ્યાએ ગયાં હતાં ત્યાં નેટવર્કનો મોટો પ્રોબ્લેમ હતો. એક- બે વાર તો એમણે પ્રયત્ન ચાલુ રાખ્યો પણ એમના મોબાઈલ નેટવર્ક પકડી શક્યાં નહીં. આખરે થાકીને બંને જણાં પોતાના મોબાઈલ ફોન પોતાની હોટલના રૂમમાં મૂકીને નીકળી પડ્યાં. એમની પાસે મોંઘો વિદેશી કેમેરા હતો એટલે ફોટોગ્રાફ્સ પાડવા માટે મોબાઈલ ફોનની જરૂર ન હતી. 24 કલાકમાં જ બંનેને લાગ્યું કે જાણે માથા પરથી કોઈ અકળ તણાવનો વજનદાર ટોપલો ઊતરી ગયો હોય! બંને જણાં સમજી ગયાં કે આ હળવાશ માત્ર હરવાં-ફરવાંને કારણે ન હતી પરંતુ એમાં મોબાઈલ ફોનથી દૂર રહ્યાં એ બાબતનો ફાળો પણ ખૂબ મોટો હતો. જાણે અજાણ્યે બંને જણાં વર્ષોથી રોજના 10થી 11 કલાક જેટલો સમય મોબાઈલ ફોન પર વિતાવતાં હતાં. જરૂરી ફોનકોલ્સ ઉપરાંત સોશિયલ એપ્લિકેન્સ, ગેમ્સ અને બીજી નાની મોટી વસ્તુઓ માટે મોબાઈલ ફોન એમનો અનિવાર્ય સંગાથી બની ગયો હતો. ક્યારેક ક્યાંક નેટવર્ક મળે નહીં કે મોબાઈલ ફોન સ્વિચ ઓફ થઈ જાય તો બંનેને એંગ્ઝાયટી જેવું લાગવા માંડે. ઘરે કોઇ મહેમાન આવ્યા હોય ત્યારે પણ થોડી થોડી વારે કોના મેસેજ આવ્યા છે તે ચેક કરતા રહે. ક્યારેક કલાકો સુધી મોબાઈલનો ઉપયોગ કર્યા પછી પણ મન ઉશ્કેરાટ અનુભવતું રહે. ઘણી વાર મોબાઈલના લીધે મોડી રાત સુધી જાગવાનું બને. આવું મોટા ભાગના લોકો સાથે થાય છે. મોબાઈલના વધુ પડતા ઉપયોગથી ડિપ્રેશન, એંગ્ઝાયટી, સ્લીપ પ્રોબ્લેમ અને ઇરિટેબિલિટી થવાનું જોખમ રહે છે. આ ઉપરાંત ડિજિટલ એમ્નેશિયા પણ થઈ શકે છે. મોબાઈલ આપણા સહુના માટે ખૂબ મહત્ત્વનું ગેજેટ છે. તેના વગર રહેવું લગભગ અશક્ય બની ગયું છે, પણ એની આડઅસરોમાંથી બચવું હોય તો સમયાંતરે મોબાઇલનો ઉપવાસ રાખવો જોઈએ. આને ડિજિટલ ડિટોક્સ કહે છે. મહિનાના અમુક દિવસો દરમિયાન માત્ર કોલ્સ માટે જ મોબાઈલનો ઉપયોગ કરવો, બાકીના બધાં જ કામ લેપટોપ પર કે અન્ય રીતે કરીને મોબાઈલની બિનજરૂરી એપ્સ પ્રાથમિકતાના ધોરણે મર્યાદિત કરી દેવી જોઇએ. ફેમિલી ટાઈમ, લંચ કે ડિનર ટાઈમ કે ઊંઘવાના સમયે મોબાઈલને સદંતર બાજુ પર રાખી શકાય. શરૂઆતમાં આવું કરવું ઘણું જ અઘરું લાગશે પરંતુ મોબાઈલ ઉપવાસના ફાયદા દેખાવા લાગશે. યુવાનોનું ભૂલકણાપણું ઓછું થશે. મૂડ મંત્ર: અઠવાડિયામાં એક વાર કરેલો ઉપવાસ સહુને આકરો લાગે છે પરંતુ શરીર માટે એ ફાયદાકારક છે. ડિજિટલ ઉપવાસ દ્વારા મોબાઈલ ફોનનો એકાદ દિવસ પ્રયોગ કરવાથી મનની શાંતિની શરૂઆત થઇ જાય છે. drspandanthaker@gmail.com

અન્ય સમાચારો પણ છે...