ધુળેટી દરમિયાન જેટલી મજા પ્રિયજનોને અલગ અલગ રંગથી રંગવામાં આવે છે એટલી જ મજા ઠંડાઇ અને બીજી સ્વાદિષ્ટ વાનગીઓનો જલસો માણવામાં આવે છે. ઠંડાઇ પણ અલગ અલગ સ્ટાઇલથી બનાવી શકાય છે. ચાલો જાણીએ અવનવી સ્વાદિષ્ટ ઠંડાઇની રેસિપી...
કેસર-બદામ ઠંડાઇ
સામગ્રી : બદામ - 15થી 20 નંગ, કેસરના તાંતણા - 5થી 7, વરિયાળી - 2 ચમચી, તરબૂચનાં બી - 2 ચમચી, દૂધ - 1 લીટર, ગોળનો પાઉડર - 4 ચમચી, ઇલાયચી પાઉડર - 2 ચમચી
રીત : સૌથી પહેલાં બદામ, તરબૂચનાં બી અને ઇલાયચી પાઉડરને એક વાસણમાં શેકીને એની બારીક વાટી લો. એક મોટા બાઉલમાં 1 લીટર દૂધ કારીને એમાં 1 કલાક સુધી કેસરના તાંતણાને પલાળી લો. 1 કલાક પછી આ દૂધમાં વાટેલો પાઉડર સારી રીતે મિક્સ કરો. આ પછી દૂધમાં ગોળનો પાઉડર ઉમેરીને એને સારી રીતે મિક્સ કરી લો. હવે આ દૂધને ફ્રિજમાં સ્ટોર કરવા માટે રાખી દો.
આઇસ ટી ઠંડાઇ
સામગ્રી : ખસખસ - બે ચમચી, નોર્મલ ટી-બેગ - બેથી ત્રણ નંગ, મરીનો પાઉડર - અડધી ચમચી, બદામની કતરણ - એક ચમચી, ગોળનો પાઉડર કે ખજૂરની પેસ્ટ - બે ચમચી, પાણી - બેથી ત્રણ ગ્લાસ, કેસરના તાંતણા - પાંચથી છ, બરફના ટુકડા - જરૂરિયાત પ્રમાણે
રીત : એક વાસણમાં ત્રણ ગ્લાસ પાણી ગરમ કરીને એમાં ટી-બેગ નાખીને બ્લેક-ટી તૈયાર કરી લો. એમાં ખસખસ, ખજૂરની પેસ્ટ કે ગોળનો પાઉડર અને મરીનો પાઉડર નાખીને બેથી ત્રણ મિનિટ ઉકાળો. આ પછી આઇસ-ટીના મિશ્રણને ગરણીની મદદથી ગાળીને ફ્રિજમાં ઓછામાં ઓછા બે કલાક સુધી રાખો. આ આઇસ ટીને ડિઝાઇનર ગ્લાસમાં ભરીને એમાં બરફના ટુકડા નાખી સર્વ કરો. આને બદામની કતરણ તેમજ કેસરના તાંતણાથી ગાર્નિશ કરી શકાય છે.
પાન ઠંડાઇ
સામગ્રી : નાગરવેલનાં પાન - બેથી ચાર નંગ, પિસ્તાની કતરણ - ચાર ચમચી, લીલી વરિયાળી - બેથી ત્રણ ચમચી, વરિયાળી - બે મોટા ચમચા, દૂધ, બે કપ, ગોળ - એક કપ
રીત : સૌથી પહેલાં મિક્સર-ગ્રાઇન્ડરમાં નાગરવેલનાં પાન સારી રીતે ક્રશ કરી લો. આ મિશ્રણમાં દૂધ, લીલી વરિયાળી, વરિયાળી અને ગોળને નાખીને સારી રીતે મિક્સ કરો. જો તમે મિશ્રણ વધારે પડતું જાડું લાગે તો એમાં પાણી મિક્સ કરી શકો છો. માત્ર આટલું કરવાથી સ્વાદિષ્ટ પાનની ઠંડાઇ બનાવી શકાય છે. આ ઠંડાઇમાં બેથી ચાર બરફના ટુકડા નાખીને એને સારી રીતે ગ્લાસમાં ભરીને સર્વ કરો. આ ઠંડાઇ અત્યંત સ્વાદિષ્ટ લાગે છે.
ઠંડાઇ ફિરની
સામગ્રી : કાચા ચોખા - ત્રણ મોટા ચમચા, ઘી - એક મોટો ચમચો, ફુલ ક્રીમ દૂધ - બે લીટર, કેસર - અડધી ચમચી, ઠંડાઇનો પાઉડર - ત્રણ ચમચા, ખાંડ - પા કપ
રીત : ચોખાને ધોઇને અડધી કલાક માટે પલાળી લો. પાણી નિતારીને ચોખાને બ્લેન્ડરમાં રાખીને બ્લેન્ડ કરી દો અને પછી અલગ રાખી લો. હવે એક પેનમાં ઘી ગરમ કરો અને એમાં દૂધ નાખીને એ ઉકળે ત્યાં સુધી ગરમ કરો. દૂધને ધીમે ધીમે હલાવતા રહો અને એમાં બ્લેન્ડ કરેલા ચોખા, ઠંડાઇ પાઉડર અને કેસર નાખીને ધીમા તાપે અડધી કલાક સુધી ચડવા દો. આ મિશ્રણ ખીરથી થોડું જાડું હોવું જોઇએ એ વાતનો ખ્યાલ રાખો. આ મિશ્રણ તૈયાર થઇ જાય એટલે એને ઠંડું કરી લો અને પછી ગ્લાસ કે બાઉલમાં ટ્રાન્સફર કરીને ફ્રિજમાં ત્રણથી ચાર કલાક માટે ઠંડું થવા દો. ફ્રિજમાંથી કાઢીને એને બદામ-પિસ્તાની કતરણ તેમજ સૂકાયેલાં ગુલાબની પાંદડીથી સજાવીને સર્વ કરો.
જામફળની ઠંડાઇ
સામગ્રી : દૂધ - એક ગ્લાસ, જામફળનો જ્યુસ - અડધો ગ્લાસ, બદામ - અડધો કપ, કાજુ - અડધો કપ, પિસ્તા - પા કપ, તરબૂચનાં બી (વૈકલ્પિક) - એક ચમચી, મરી પાઉડર - અડધી ચમચી, વરિયાળી - એક ચમચી, ફૂડ કલર (વૈકલ્પિક) - જરૂરિયાત પ્રમાણે
રીત : એક પેનમાં બદામ, કાજુ અને પિસ્તાને સારી રીતે શેકીને અલગ રાખી લો. વરિયાળીને પણ શેકી લો. હવે કાજુ, બદામ, પિસ્તા, મરી પાઉડર, વરિયાળી, ગુલાબની પાંખડી (વૈકલ્પિક)ને એકસાથે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લો. હવે એમાં ઇલાયચી પાઉડર નાખો. જો તમે ઇચ્છો તો એમાં કેસર પણ મિક્સ કરી શકો છો. આટલું કરીને ઠંડાઇ મિક્સ તૈયાર કરી શકાય છે. હવે જ્યારે પણ ઠંડાઇ બનાવવી હોય તો અડધા ગ્લાસ દૂધમાં બે ચમચા ઠંડાઇ મિક્સ તેમજ અડધો ગ્લાસ જામફળનો જ્યુસ મિક્સ કરો. આ મિશ્રણને સારી રીતે મિક્સ કરો અને એટલું કર્યા પછી તૈયાર થઇ જશે જામફળની ઠંડાઇ. જો તમારે એને ઠંડી કરીને પીવી હોય તો એમાં આઇસક્યુબ પણ નાખી શકો છો.
મેંગો ઠંડાઇ
સામગ્રી : મેંગો પલ્પ અથવા તો ફ્લેવર - એક કપ, બદામ - બેથી ત્રણ નંગ, વરિયાળી - બે મોટા ચમચા, આઇસ ક્યૂબ - એક કપ, ગુલાબની પાંખડી - એક મોટી ચમચી, ખસખસ - બે મોટી ચમચી, મરી પાઉડર - સ્વાદ પ્રમાણે, દૂધ - એક લીટર, ખાંડ - જરૂરિયાત પ્રમાણે
રીત : બદામ, ખસખસ, વરિયાળી અને ગુલાબની પાંખડી પચાસ મિનિટ જેટલા સમય માટે પલાળીને રાખો. આ પછી મિશ્રણને બ્લેન્ડરમાં નાખીને પેસ્ટ બનાવી લો. આ પછી એક પેનમાં દૂધને એનું પ્રમાણ અડધું થઇ જાય ત્યાં સુધી ઉકાળો. આમાં ખાંડ અને મરી પાઉડર નાખી ફરી ઉકાળો. આ મિશ્રણમાં પેસ્ટ ઉમેરીને સારી રીતે મિક્સ કરો. ગેસ બંધ કરીને મિશ્રણ ઠંડું થવા દો. આને ફ્રિજમાં રાખીને ઠંડું કરો. આમાં પલ્પ કે પછી ફ્લેવર મિક્સ કરીને ફરીથી બ્લેન્ડ કરો. આ મિશ્રણને ફરી ફ્રિજમાં રાખીને ઠંડું કરો. એક ગ્લાસમાં બરફ નાખીને પછી એમાં મેંગો ઠંડાઇ ઉમેરીને સર્વ કરો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.