મીઠી મૂંઝવણ:સતત બોડી શેમિંગને કારણે ડિપ્રેશન આવી ગયું છે!

મોહિની મહેતા4 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રશ્ન : મારાં લગ્નને 17 વરસ થયાં છે. હું આટલા વર્ષોમાં ભાગ્યે જ સાસરે ગયો છું પણ જ્યારે પણ જાઉં છું ત્યારે મારી સદંતર અવગણના કરવામાં આવે છે પણ મારા ઘરે તેમને પૂરતાં માનપાન અપાય છે. મને એ વાતથી દુખ થાય છે કે મારી પત્નીને પણ લાગણીની પરવા નથી. આ કારણે મને બહુ ખરાબ લાગે છે અને આટલા વર્ષે ડિવોર્સ લેવાનો વિચાર પણ આવી જાય છે. શું મારી આ લાગણી યોગ્ય છે? એક પુરુષ (સુરત) ઉત્તર : જો તમારા લગ્નજીવનમાં સાસરિયાં તરફથી થતાં ખરાબ વર્તન સિવાય બીજી કોઈ સમસ્યા ન હોય તો ડિવોર્સનો તમારો વિચાર આત્યાંતિક છે. સાસરિયાં માન ન આપતા હોય એટલે ડિવોર્સ લેવાનો નિર્ણય લેવાની માનસિકતા યોગ્ય નથી. પતિ-પત્નીના સંબંધો બીજા કોઈના માન-અપમાનથી પર હોવા જોઈએ. જેમ તમારાં સાસરિયાં તમને ક્યારેક અપમાનિત કરે છે એમ ક્યારેક તમારા પેરન્ટ્સે પણ તમારી વાઇફને માઠું લાગે એવા ચાર શબ્દો કીધા જ હશેને? હકીકતમાં માન અને અપમાનની લાગણી દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય છે. જો તમને આ વાતથી બહુ જ સમસ્યા થતી હોય તો તમારી આ વાતની ચર્ચા પહેલાં તમારી પત્ની સાથે જ કરવી જોઇએ. જો પત્ની સાથે વાત કર્યા પછી આ વાતનો કોઇ ઉકેલ ન આવે તો પછી સારા શબ્દોમાં ઠંડક રાખીને સાસરિયાં સાથે પણ મૈત્રીપૂર્ણ માહોલમાં આ વાતની ચર્ચા કરી શકાય. જો હકારાત્મક માહોલમાં ચર્ચા કરવામાં આવે તો ચોક્કસપણે એનું હકારાત્મક પરિણામ મળી શકે છે. લગ્નના આટલા સમય પછી આટલા નાના કારણોસર લગ્નનો અંત લાવી દેવા જેવું અંતિમ પગલું વિચારવાનું કંઈક ઠીક નથી લાગતું. અપમાન થાય ત્યારે અહમ ઘવાય એ વાત સમજી શકાય એવી છે, પણ બીજા લોકોના ખરાબ વર્તનને કારણે તમે પત્ની સાથેના સુખમય જીવનને શું કામ તરછોડો છો? જો આ સમસ્યા વધારે હોય તો તમે સાસરે જવાનું બંધ કરી શકો છો. પ્રશ્ન : હું કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતી છું. મારા જ ક્લાસમાં ભણતો એક યુવક મારો બેસ્ટ ફ્રેન્ડ છે. મારી બહેનપણીઓ મને હંમેશા ચિડવે છે કે તેને મારામાં રસ છે અને તે મારો બોયફ્રેન્ડ બનવા ઇચ્છે છે. જોકે મને એમ નથી લાગતું. મને એ માત્ર મિત્ર હોય એમ જ લાગે છે. મારે એ જાણવું છે કે કોઇ યુવકને તમારામાં મિત્રતા કરતા વિશેષ રસ હોય તો એ વાતની ખબર કઇ રીતે પડે? એક યુવતી (રાજકોટ) ઉત્તર : જીવનમાં એક સાચો મિત્ર હોય તે ખૂબ જ જરૂરી છે કારણકે ગમે તેવી તકલીફ હોય કે શુભ પ્રસંગ, દોસ્ત વિના ચાલતું નથી પણ જ્યારે એક છોકરી અને છોકરો મિત્ર હોય ત્યારે સંબંધોમાં નવું સમીકરણ સર્જાય એવી શક્યતા હોય છે. જ્યારે છોકરીનો બેસ્ટ ફ્રેન્ડ કે જે છોકરો છે તે ફોન અથવા મેસેજ પર સતત એની દિનચર્યા વિશે અને હાલચાલ વિશે પૂછતો રહે તો માની શકાય છે કે છોકરાને છોકરી માટે વિશેષ ભાવ છે. જો છોકરો અને છોકરી સારા મિત્રો હોય પણ છોકરો સતત છોકરીને ધારી-ધારીને જોયા કરે છે તો સમજવું કે તે મિત્રતા કરતા આગળ વધવા માગે છે અને જો છોકરીને શોપિંગ માટે જવાનું કહે તો ચોક્કસ માનવું કે છોકરાના મનમાં દોસ્તી કરતા કંઈક વિશેષ છે. આ સિવાય જો છોકરાને છોકરી વિશેની તમામ વાતો યાદ હોય તો સમજી જવું જોઇએ કે હવે તેમના સંબંધો મિત્રતાની સીમા કરતા આગળ વધી ગયા છે. પ્રશ્ન : મારા પતિને કોલેજકાળથી એક યુવતી સાથે પ્રેમસંબંધ હતો. એમણે કોલેજ પછી પણ એ યુવતી સાથે સંબંધ ચાલુ રાખ્યો છે અને અમારા લગ્નને બે વર્ષ થઇ ગયાં હોવા છતાં આજે પણ તેમની વચ્ચે સંબંધ છે. મેં અનેક વાર એમને આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવા માટે કહ્યું, પણ તેઓ માનતા નથી. હું શું કરું? એક યુવતી (ભાવનગર) ઉત્તર : તમે તમારા પતિના પ્રેમસંબંધ અંગે લગ્ન થયા ત્યારથી આટલું જાણો છો અને એમણે આટલા સમય સુધી પોતાના પ્રેમસંબંધ પર પૂર્ણવિરામ મૂક્યું નથી એ વધારે પડતું કહેવાય. તેઓ કયા કારણસર એ યુવતી સાથે સંબંધ તોડતા નથી એ જાણવું જરૂરી છે. જો એ આ બાબતમાં સમજવા તૈયાર ન હોય, તો પરિવારમાં વડીલોને, તમારા સાસુ-સસરા અથવા જેઠાણીને કહો. તેઓ તમારા પતિને સમજાવશે અને પારિવારિક દબાણ આવવાથી તમારા પતિએ આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવું પડશે. જો આટલા પ્રયાસો કર્યા પછી પણ તમારા પતિ લગ્નજીવનના સંબંધનું મહત્ત્વ અને ગંભીરતા સમજવા માટે તૈયાર ન હોય તો તમારે આ મામલા તરફ તમારા માતા-પિતાનું ધ્યાન પણ દોરવું જોઇએ. તમારા લગ્નને બે વર્ષ જેટલો થઇ ગયો છે અને આ તબક્કે હવે એમાં સ્થિરતા અને એકબીજા પ્રત્યેની પ્રેમ તથા માનની લાગણી હોય એ જરૂરી છે. જો સંબંધમાં આ પરિબળની ગેરહાજરી હોય એ લાંબો સમય ટકતા નથી.

અન્ય સમાચારો પણ છે...