તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસથાળ:ખાટાં-મીઠાં શરબતોની સ્વાદિષ્ટ દુનિયા

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગરમી પડતી હોય ત્યારે ઠંડાં શરબતનાં સેવનથી તૃપ્તિનો અહેસાસ થાય છે

રોઝ શરબત

સામગ્રી : ખાંડ-2 કપ, પાણી-2 કપ, તાજા ગુલાબની પાંદડી-1 કપ, ગુલાબની સૂકી પાંદડી-1 કપ, કેવડાનું પાણી-1 ચમચી, લીંબુનો રસ-2 ચમચી, ગુલાબજળ-દોઢ ચમચી, ગુલાબી ફૂડ કલર-1 ચમચી, છીણેલું બીટ-1 ચમચી

રીત : ગુલાબની પાંદડીઓને ધોઈને બાજુ પર નીતરવા દેવી. હવે એક કડાઈમાં ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરો. ચાસણી નથી બનાવવાની ફક્ત ખાંડને ઓગાળવાની છે. ખાંડ ઓગળે એટલે ગુલાબની તાજી પાંદડીઓ ઉમેરવી. બેથી ત્રણ મિનિટ ઉકાળ્યા બાદ બીટની છીણ ઉમેરવી. આંચ મધ્યમ કરી અને ઢાંકીને દસથી બાર મિિનટ રહેવા દો. હવે તેમાં કેવડાનું પાણી, ગુલાબજળ અને લીંબુનો રસ ઉમેરો. મિશ્રણ થોડું ચીકાશયુક્ત ઘટ્ટ થઇ જાય એટલે ગેસ બંધ કરી ઠંડું પડવા દેવું. ઠંડું થાય એટલે ગાળી અને કાચની બોટલમાં સ્ટોર કરી દો. લાજવાબ રોઝ શરબતનો આનંદ માણો.

કોકમ શરબત

સામગ્રી : કોકમ-10 થી 12 નંગ, ગરમ પાણી-2 કપ, ખાંડ અથવા ગોળ-2 કપ, જીરું પાઉડર-અડધી ચમચી, મરી પાઉડર-પા ચમચી, મીઠું-ચપટી

રીત : કોકમને ગરમ પાણીમાં બે કલાક પલાળવાં. તેની પેસ્ટ તૈયાર કરવી. પેસ્ટને એક કડાઈમાં લઈ એમાં ખાંડ અથવા ગોળ અને અડધો કપ પાણી ઉમેરી 10 મિનિટ સુધી ઉકાળો. ઘટ્ટ થાય એટલે જીરું, મરી અને મીઠું ઉમેરી ગેસ બંધ કરી દેવો. ગરણીથી ગાળી બોટલમાં ભરી લો. બનાવતા સમયે ગ્લાસમાં આઈસ ક્યૂબ ઉમેરી બે ચમચી સિરપ અને ઠંડું પાણી ઉમેરી મિક્સ કરી સ્વાદિષ્ટ કોકમ શરબત સર્વ કરો.

કેસર ઇલાયચી શરબત

સામગ્રી : કેસર-અડધી ચમચી, ખાંડ-4 કપ, પાણી-2 કપ, લીંબુનાં ફૂલ-ચપટી, ઈલાયચી પાઉડર-1 ચમચી, ગુલાબજળ-1 ચમચી

રીત : એક વાડકીમાં કેસર લઇ તેમાં ગરમ પાણી ઉમેરી 10થી 15 મિનિટ માટે પલાળવું. ત્યારબાદ એક કડાઈમાં ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરી ચાસણી બનાવવા મૂકવી. એક તારની ચાસણી બનાવવી. ચાસણી થવા આવે એટલે ઈલાયચી પાઉડર ઉમેરવો. ત્યારબાદ પલાળેલું કેસર ઉમેરીને પાંચ મિનિટ ઉકાળવું. લીંબુનાં ફૂલ અને ગુલાબજળ ઉમેરી વ્યવસ્થિત હલાવી મિક્સ કરી લેવું. ઠંડુંં પડે એટલે કાચની બોટલમાં સિરપ ભરી લેવું.

પાન સિરપ

સામગ્રી : કલકત્તી પાન-20 નંગ, વરિયાળી-4 ચમચી, ગુલકંદ-અડધો કપ, ખાંડ-3 કપ, ઈલાયચી-20 નંગ, લીંબુનો રસ-1 ચમચી, ગ્રીન ફૂડ કલર-3 ટીપાં

રીત : સૌ પ્રથમ વરિયાળી અને ઈલાયચીને બે કલાક માટે ગરમ પાણીમાં પલાળવી. પાનને ધોઈ કોરા કપડાંથી સાફ કરીને તેની નસ કાઢી લેવી.પાનના નાનાં ટુકડાઓ કરી ગુલકંદ સાથે ક્રશ કરી લેવા. ક્રશ કરવામાં પાણીનો ઉપયોગ કરવો નહીં. આ પેસ્ટને એક બાઉલમાં કાઢી લેવી. હવે તેજ પલાળી રાખેલ વરિયાળી અને ઈલાયચીને ક્રશ કરવી. ખાંડ ડૂબે તેટલું પાણી લઇ ઓગળવા મૂકવી. ખાંડની ચાસણી નથી બનાવવાની ફક્ત ઓગળવાની છે. ઓગળે એટલે પીસેલું તમામ મિક્સ કરી લેવું. એકરસ થાય એટલે લીંબુનો રસ ઉમેરી ગેસ બંધ કરી દેવો. ગ્રીન કલર ઉમેરી ઠંડું થવા દેવું. તૈયાર થયેલ પાન સિરપને ગાળી બોટલમાં ભરી લેવું. આ પાન શરબતનો ઉપયોગ પાણી સાથે અથવા દૂધ અને વેનીલા આઇસક્રીમમાં મિક્સ કરીને પાન શોટ્સ બનાવી શકાય.

સામગ્રી : પાકાં બીલા-6 થી 7 નંગ, સંચળ પાઉડર-1 ચમચી, શેકેલા જીરુંનો પાઉડર-1 ચમચી, દળેલી સાકર-અડધો કપ, લીંબુનો રસ-2 નંગ, પાણી-1 લિટર

રીત : બીલાને તોડીને તેનો પલ્પ કાઢી લો. તેમાં પાણી નાખી તેને મસળી લો. ઢાંકીને 20 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ તેને ફરી મસળી અને ચારણીમાં ગાળી લો. બીલાના પલ્પને મિક્સરમાં ક્રશ નથી કરવામાં આવતું, કારણકે તેનાં બિયાં ક્રશ થવાથી શરબત કડવું થઈ જશે. હવે એક પેનમાં તેને ધીમા તાપે સતત હલાવતા રહો. ખાંડ પણ ઉમેરી દો. એક ઉભરો આવે એટલે તેમાં સફેદ તરી આવશે તેને ગરણી વડે કાઢી લો. ઘટ્ટ થાય ત્યાં સુધી તેને ઉકાળો. હવે તેમાં સંચળ પાઉડર, જીરું પાઉડર ઉમેરી બરાબર હલાવો. મિશ્રણ થોડું ઠંડું થાય એટલે લીંબુનો રસ ઉમેરો. ઠંડુંં થઈ જાય એટલે તેને કાચની બોટલમાં ભરીને ફ્રિજમાં મૂકો. આ શરબતને છથી સાત મહિના સુધી સાચવી શકાય છે. સર્વ કરવા માટે એક ગ્લાસમાં બરફના ટુકડા અને ફુદીનો નાખી તેમાં બે ચમચી બીલાનો શરબત ઉમેરી જરૂર મુજબ પાણી નાખીને મિક્સ કરો. લીંબુની સ્લાઈસથી સજાવી તાજગીસભર શરબતનો આનંદ માણો.

સામગ્રી : ખાંડ-1 કપ, લાલ ફૂડ કલર-પા ચમચી, લીલો ફૂડ કલર-ચપટી, સંચળ પાઉડર-1 ચમચી, મીઠું-અડધી ચમચી, લીંબુનાં ફૂલ-અડધી ચમચી, શેકેલ જીરુંનો પાઉડર-1 ચમચી, પાણી-અડધો કપ

રીત : સૌપ્રથમ એક વાડકામાં ત્રણથી ચાર ચમચી પાણી લઇ બંને ફૂડ કલર ઉમેરો. બરોબર મિક્સ કરી અને બાજુ પર રાખો. હવે એક કડાઈમાં ખાંડ અને પાણી ઉમેરી મધ્યમ આંચ પર ઓગળવા દો. હવે તેમાં સંચળ પાઉડર, લીંબુનાં ફૂલ, જીરું પાઉડર ઉમેરો. બાજુમાં રાખેલ ફૂડ કલર ઉમેરી એકરસ મિક્સ કરો. ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી અને ઠંડું થવા દેવું. ગરણી વડે ગાળી અને મજેદાર કાલા ખટ્ટા શરબતનો આ ગરમીમાં આનંદ માણો.

અન્ય સમાચારો પણ છે...