રસથાળ:મીઠાં વગરની ને ઉપવાસમાં ખવાતી સ્વાદિષ્ટ વાનગી

3 મહિનો પહેલાલેખક: રિયા રાણા
  • કૉપી લિંક

ધ્યાનીનો મનપસંદ છે ગરમાગરમ દૂધનો હલવો મીઠું મીઠું બોલતી અને સૌનું મન મોહી લેતી યંગેસ્ટ યુ-ટ્યુબ સ્ટાર અને ઘણી બધી ફિલ્મો તથા સિરીઝમાં એક્ટિંગ કરી ચૂકેલી ધ્યાની જાની પારંપરિક ગૌરીવ્રત ખૂબ ઉત્સાહથી કરે છે. ઉપવાસ દરમિયાન મમ્મીના હાથનો તાજો ગરમાગરમ દૂધનો હલવો એ ધ્યાનીની સૌથી મનપસંદ વાનગી છે

સામગ્રી દૂધ-1 લીટર, ખાંડ-1 કપ, લીંબુનો રસ-અડધી ચમચી, ઘી-1 ચમચી, બદામ-પિસ્તા કતરણ-2 ચમચી, ગુલાબની પાંદડી-2 ચમચી, ઈલાયચી પાઉડર-અડધી ચમચી, ચાંદીનો વરખ રીત સૌપ્રથમ એક પેનમાં દૂધ ઊકળવા મૂકવું. દૂધ ઊકળવા લાગે એટલે તેમાં લીંબુનો રસ નાખવો (લીંબુના ફૂલ પણ પાણીમાં ઓગળીને નાખી શકાય). ધીમે ધીમે દૂધમાં કણી થવા લાગશે. દૂધને સતત હલાવતા રહેવું નહીં તો પેનમાં ચોંટવા લાગશે. દૂધ જેમ જેમ ઉકળશે તેમ થોડું ઘટ્ટ થવા લાગશે. ઘટ્ટ થવા લાગે એટલે તેમાં એક ચમચી ઘી ઉમેરવું અને સતત હલાવતા રહેવું ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરો અને હલાવતા રહો. દૂધ અને ખાંડનું પાણી બળી જાય ત્યાં સુધી થવા દેવું. હવે ઇલાયચી પાઉડર ઉમેરીને મિક્સ કરી લેવું. એક જાડા તળિયાવાળા વાસણમાં ઘી લગાડીને આ મિશ્રણ પાથરી દેવું વાસણને નેપકીનથી વીંટીને 10 મિનિટ સુધી રાખી દેવું. ગરમીમાં તેનો કલર થોડો બદામી થઈ જશે. હવે તેના ઉપર બદામ પિસ્તાની કતરણ અને ગુલાબની પાંદડી ભભરાવી અને ચાંદીનો વરખ લગાવવો. પીસ કરીને સ્વાદિષ્ટ તાજા ગરમાગરમ દૂધના હલવાનો આનંદ માણો.

રાજગરાના થેપલાં

સામગ્રી રાજગરાનો લોટ-1 કપ, આરારૂટ-અડધો કપ, કોથમીર-2 ચમચી, લાલ મરચું પાઉડર-1 ચમચી, હળદર-અડધી ચમચી, તેલ-1 ચમચી રીત સૌપ્રથમ રાજગરાનો લોટ અને આરારૂટ મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં ઉપર મુજબનો મસાલો, કોથમીર અને તેલ ઉમેરી લોટ બાંધો. હવે બાંધેલાં લોટમાંથી લુઓ લઈ તેને આરારૂટના અટામણ વડે વણી લો. હવે નોનસ્ટિક તવી પર તેલ લગાવીને થેપલાંને શેકી લો. આ રાજગરાના થેપલાંને વ્રત કરતી દીકરીને સૂકીભાજી સાથે પીરસો.

અપ્પમ ટકાટક

​​​​​​​સામગ્રી : સાબુદાણા-1 કપ, બટાકા-3 નંગ, સૂકા લાલ મરચાં-2 નંગ, શીંગદાણાનો ભૂકો-પા કપ, તલ-1 ચમચી, કોપરાની છીણ-1 ચમચી, આદું-મરચાંની પેસ્ટ-1 ચમચી, સમારેલી કોથમીર-2 ચમચી, મરી પાઉડર-પા ચમચી, જીરું પાઉડર-1 ચમચી, લીંબુનો રસ-1 ચમચી, ખાંડ-1 ચમચી (વૈકલ્પિક) રીત : સૌ પ્રથમ સાબુદાણા ડૂબે તેટલું પાણી નાખી ચાર કલાક માટે પલાળી રાખો. બટાકાને બાફી છોલી અને માવો કરી લેવો. શીંગદાણા શેકી અને તેનો ભૂકો કરી લેવો. હવે એક બાઉલમાં સાબુદાણા અને બટાકા મિક્સ કરો. તેમાં આદું-મરચાંની પેસ્ટ, શીંગદાણાનો ભૂકો, તલ, કોપરાની છીણ, લીંબુનો રસ, ખાંડ, મરી પાઉડર, જીરું પાઉડર અને સૂકા લાલ મરચાના ઝીણા ટૂકડા કરી ઉમેરો. સમારેલી કોથમીર ઉમેરી બધું સારી રીતે મિક્સ કરો. હવે તેલવાળો હાથ કરી તેના નાના ગોળા વાળી લો. અપ્પમ પેનને તેલથી ગ્રીસ કરી અને ધીમા તાપે ગરમ મૂકો. હવે તેમાં થોડા તલ છાંટો અને તૈયાર કરેલા ગોળા મૂકીને ઢાંકી દો. ત્રણ મિનિટ પછી ચેક કરો. જો નીચેની સાઇડથી ક્રિસ્પી થયા હોય તો સાઈડ ફેરવી નાખો. આ રીતે આશરે ત્રણથી ચાર મિનિટ માટે પકાવો. ખટમીઠી ખજૂરની ચટણી અથવા કોથમીરની ચટણી સાથે સર્વ કરો.

ઢોકળાં કપકેક

સામગ્રી આરારૂટ-2 કપ, અધકચરાં શીંગદાણા-1 કપ, આદું-મરચાંની પેસ્ટ-1 ચમચી, તલ-1 ચમચી, ઇનો-1 પાઉચ, તેલ-2 ચમચી, જીરું-1 ચમચી, મીઠો લીમડો-5થી 6 નંગ, ખાટું દહીં-1 કપ, પાણી-જરૂર મુજબ

રીત સૌપ્રથમ આરારૂટ અને અધકચરાં શીંગદાણાને એક બાઉલમાં લઇ લો. હવે તેમાં દહીં અને જરૂરિયાત મુજબ પાણી ઉમેરી 2 કલાક પલાળી રાખો. બનાવતી વખતે ખીરામાં આદું-મરચાંની પેસ્ટ, તલ અને ઈનો ઉમેરી ક્પકેક મોલ્ડમાં ખીરું રેડી અને માઈક્રોવેવમાં મૂકી દો. 15થી 20 મિનિટ થવા દો. વચ્ચે એકવાર ચેક કરી લેવું. ચડી જાય એટલે બહાર કાઢી થોડી ઠંડી થવા દો. ઠંડી થાય એટલે અન્મોલ્ડ કરી પ્લેટમાં કાઢી લો. હવે તેના ઉપર તલ અને લીમડાનો વઘાર રેડો. ગ્રીન ચટણી કે ટોમેટોની ચટણી સાથે ગરમ ગરમ ઢોકળાં કપકેક સર્વ કરો.

શીંગ મલાઈ સુખડી

શીંગદાણા-2 કપ, ઘી-2 ચમચી, મલાઈ-2 કપ, ખાંડ-અડધો કપ, ડ્રાયફ્રૂટ કતરણ-પા કપ રીત સૌપ્રથમ શીંગદાણાને શેકી લો. તેના ફોતરા કાઢી તેને ક્રશ કરી લો. હવે એક નોનસ્ટિક પેનમાં મલાઈ, ઘી અને ખાંડ ઉમેરી 2 તારની ચાસણી બનાવી લો. તેમાં શીંગદાણાનો ભૂકો નાખી 5 મિનિટ હલાવતા રહો. એક થાળીમાં ઘી લગાવી તેને પાથરી દો. તેના ઉપર ડ્રાયફ્રૂટ કતરણ ભભરાવો. ઠંડું થઈ જાય એટલે કટર વડે પીસ કરી અને સર્વ કરો. તૈયાર છે શીંગ મલાઈ સુખડી

ફ્રૂટ કસ્ટર્ડ

​​​​​​​

સામગ્રી ફુલ ફેટ દૂધ-અડધો લિટર, આરારૂટ-2 ચમચી, ખાંડ-અડધો કપ, ફ્રેશ ક્રિમ-2 ચમચી, સમારેલું કેળું, સફરજન અને દાડમના દાણા-જરૂર મુજબ, કાજુ-બદામ અને પીસ્તા કતરણ-2 ચમચી, ઈલાયચી પાઉડર-પા ચમચી, કેસર-ચપટી, વેનિલા એસન્સ-2 ટીપાં, ચેરી-3થી 4 નંગ

રીત સૌ પ્રથમ દૂધને ઉકળવા મૂકો. દૂધ ગરમ થાય એટલે તેમાંથી 2 ચમચી દૂધ અલગ બાઉલમાં કાઢી લો. તેમાં આરારૂટ એડ વિહસ્ક કરી એક સ્લરી જેવું બનાવો. હવે દૂધમાં એક ઉભરો આવે એટલે ખાંડ અને કેસર એડ કરો ખાંડ ઓગળે એટલે તૈયાર કરેલી સલરી ઉમેરી સતત હલાવતાં રહો એટલે ગાંઠા ના પડે. 3-4 મિનિટમાં જ દૂધ એકદમ ઘાટું થઈ જશે.પછી ફ્રેશ ક્રીમ,કાજુ બદામ ની કતરણ એડ કરી 1 મિનીટ ઉકાળો.સતત હલાવતા રહો.ગેસ બંધ કરી ઇલાયચી પાઉડર અને વેનીલા એસેન્સ એડ કરી કસ્ટર્ડને ઠંડુ કરો. સતત હલાવી ને ઠંડુ કરો જેથી તર ના વળે. રૂમ ટેમ્પરેચર પર આવે એટલે બધાં ફ્રૂટ્સને બારીક સમારી એડ કરો અને ફ્રિજમાં 2 કલાક ઠંડુ કરી સર્વ કરો.છેલ્લે ચેરી અને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરી ઠંડું ઠંડંુ સર્વ કરો

અન્ય સમાચારો પણ છે...