રસથાળ:સ્વાદિષ્ટ અને હેલ્ધી રોટી રેપ્સ

એક મહિનો પહેલાલેખક: રિયા રાણા
  • કૉપી લિંક
  • જયારે જમવામાં કે પછી સાંજના નાસ્તામાં શું બનાવવું એ ન સમજાય ત્યારે વિવિધ શાકભાજી સાથે હેલ્ધી રોટી રેપ્સ બેસ્ટ ઓપ્શન બની રહેશે, જેનાથી પેટ પણ ભરાશે અને સ્વાદિષ્ટ લાગશે. આ રોટી રેપ્સ બનાવવામાં પણ સરળ છે અને સ્વાદમાં પણ વેરાયટીનો વિકલ્પ આપે છે

જ્હાનવીનું મનપસંદ મેક્સિકન રોટી રેપ

અભિનેત્રી જ્હાનવી કપૂરને સ્પાઇસી પણ સાથે સાથે હેલ્ધી હોય એવા ફૂડ ઓપ્શન વધારે પસંદ છે. આ કારણે તે સરળતાથી ખાઈ શકાય એવા અલગ અલગ રેપ્સ વધારે પસંદ કરે છે.

સામગ્રી : બારીક સમારેલાં મિક્સ વેજિટેબલ-ફણસી, ગાજર, વટાણા, મકાઈના દાણા, કેપ્સિકમ-1 કપ, આદું-મરચાંની પેસ્ટ-1 ચમચી, ઝીણું સમારેલું લસણ-2 ચમચી, બાફેલા રાજમાં-પા કપ, પર્પલ કોબીજ-પા કપ, ટોમેટો સોસ-2, સોયા સોસ-1 ચમચી, ટોમેટો સોસ-એક ચમચી, રેડ ચિલી સોસ-એક ચમચી, બટર-1 ચમચી, ઓલિવ ઓઈલ-2 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, ઘઉંના લોટની રોટલી-4 નંગ, જરૂર મુજબ, લેટસનાં પાન-4 નંગ રીત : સૌપ્રથમ વટાણા, ગાજર ફણસી, બટાકા મકાઈના દાણા કૂકરમાં બે સીટી વગાડી લો. ત્યારબાદ એક નોનસ્ટિક પેનમાં બટર અથવા તો તેલ ગરમ મૂકી આદું, મરચાં અને લસણની પેસ્ટ, ડુંગળી, કેપ્સિકમ, સમારેલી કોબીજ, બાફેલા રાજમા અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી બે મિનિટ માટે ચડાવો. ત્યારબાદ તેમાં બાકીનાં શાકભાજી અને દરેક સોસ ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે એક રોટલી લઇ વચ્ચે લેટસનાં પાન મૂકી બે ચમચી જેટલું સ્ટફિંગ ભરો. ટેસ્ટી મેક્સિકન રેપ તૈયાર છે.

આલુ રેપ્સ

સામગ્રી : ઘઉંનો લોટ-2 કપ, બટાકા-3 નંગ, ડુંગળી-1 નંગ, લીલાં વટાણા-1 કપ, ટોમેટો સોસ-જરૂર મુજબ, મેયોનીઝ-2 ચમચી, ચીઝ-જરૂર મુજબ, બટર-જરૂર મુજબ, તેલ-3 ચમચી, મીઠું-સ્વાદ અનુસાર, આદુંં-મરચાંની પેસ્ટ-1 ચમચી, લાલ મરચું પાઉડર-1 ચમચી, ચાટ મસાલો-1 ચમચી, આમચૂર પાઉડર-અડધી ચમચી, ગરમ મસાલો-અડધી ચમચી, કોથમીર-2 ચમચી, પાણી-લોટ બાંધવા જરૂર મુજબ રીત : સૌપ્રથમ ઘઉંના લોટમાં થોડું મીઠું અને અડધી ચમચી તેલ ઉમેરી રોટલી જેવો લોટ બાંધી લેવો. તેને 10 મિનિટ રેસ્ટ આપો. બાફેલા બટાકા, વટાણાને મિક્સ કરી એક પેનમાં તેલ લો અને થોડું બટર પણ લો. ગરમ થાય એટલે સમારેલી ડુંગળી સાંતળો.થોડું સંતળાય એટલે બાફેલા બટાકા અને વટાણા ઉમેરો. દરેક મસાલા ઉમેરી દો. થોડું શેકાય જાય એટલે મેયોનીઝ ઉમેરી ગેસ બંધ કરી દો. હવે બાંધેલા લોટમાંથી રોટલી વણી એને કાચી-પાકી શેકી લો. હવે એક રોટી લઈ તેના ઉપર સૌથી પહેલા ટોમેટો સોસ લગાવો. એ પછી તૈયાર કરેલું સ્ટફિંગ અને ચીઝ ભભરાવો. રેપને ફોલ્ડ કરી નોનસ્ટિક તવી પર બટર લગાવી આ રેપ્સને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન શેકી લો. ક્રિસ્પી થાય એટલે સર્વ કરો. ગરમ ગરમ આલુ રેપ બાળકોને બહુ જ ટેસ્ટી લાગે છે.

બેસન ચિલ્લા રેપ્સ

સામગ્રી : ચણાનો લોટ-1 કપ, ચોખાનો લોટ-1 કપ, રવો-અડધો કપ, છીણેલું પનીર-અડધો કપ, ખાટી છાશ-1 કપ, પાણી-જરૂર મુજબ, મીઠું-સ્વાદ મુજબ, ખાવાનો સોડા-પા ચમચી સ્પ્રેડ બનાવવા માટે : ટોમેટો કેચઅપ-3 ચમચી, સેઝવાન સોસ-2 ચમચી, ચીઝ સ્પ્રેડ-2 ચમચી, ગાર્લિક મેયોનિઝ-2 ચમચી સ્ટફિંગ માટે : છીણેલું ગાજર-પા કપ, છીણેલી કોબીજ-અડધો કપ, સમારેલું કેપ્સિકમ-પા કપ, ઝીણી સમારેલી ડુંગળી-1 નંગ, ઝીણી સમારેલી કોથમીર-2 ચમચી, છીણેલું ચીઝ-2 ક્યુબ રીત : ખીરું બનાવવા માટેની બધી સામગ્રીની બધી જ વસ્તુઓમાં સોડા સિવાયની બધી જ વસ્તુઓ ભેગી કરી મીડિયમ જાડું ખીરું બનાવી 15 મિનિટ માટે રેસ્ટ આપવો. હવે સ્પ્રેડ માટેની બધી સામગ્રીઓ ભેગી કરી મિક્સ કરી લો. સ્ટફિંગ માટેની સામગ્રી પણ એક બાઉલમાં મિક્સ કરી લો. હવે સાઇડમાં રાખેલા ખીરામાં સોડા મિક્સ કરી લો. નોનસ્ટિક તવામાં ચિલ્લાને તેલ કે માખણ વડે બંને બાજુએ સરસ શેકી લો. તેના પર સ્પ્રેડ લગાવી સ્ટફિંગ મૂકો. સરસ રીતે વાળીને રેપ્સ તૈયાર કરો. તૈયાર છે થોડા ક્રન્ચી એવા બેસન ચિલ્લા રેપ્સ.

પાલક પનીર રેપ્સ

સામગ્રી : ઝીણી સમારેલી પાલક-1 કપ, પનીર-200 ગ્રામ, દહીંનો મસ્કો-પા કપ, લીલા મરચાંની પેસ્ટ-1 ચમચી, ઝીણું સમારેલું ટામેટું-પા કપ, કિચનકિંગ મસાલો-પા ચમચી, મલાઈ-1 ચમચી, ચાટ મસાલો-પા ચમચી, ટોમેટો કેચપ-1 ચમચી, બટર-2 ચમચી, તેલ-2 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, ઓનિયન રિંગ્સ-અડધો કપ, રોટલી-4 નંગ રીત : એક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં લીલાં મરચાંની પેસ્ટ, સમારેલી પાલક, ટામેટું અને મીઠું ઉમેરી તેને પકાવો. પાલક ચડી જાય એટલે તેમાં છીણેલું પનીર, દહીંનો મસ્કો, મલાઈ, કિચન કિંગ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી લો અને બેથી ત્રણ મિનિટ માટે કૂક કરી લો. આ મિશ્રણને હવે ઠંડંુ થવા દો. હવે રોટલી લઇ તેના ઉપર ટોમેટો કેચપ સ્પ્રેડ કરો અને ચાટ મસાલો ભભરાવી લો. તેની ઉપર ઓનિયન રિંગ્સ મૂકો. હવે તૈયાર કરેલું સ્ટફિંગ વચ્ચેના ભાગમાં મૂકીને રોટલી ફોલ્ડ કરીને તવા ઉપર બટર મૂકીને શેકી લો. પાલક પનીર રેપને સર્વિંગ ડીશમાં લઈ સર્વ કરો.

પનીર ટિક્કા રેપ્સ
સામગ્રી : પનીરના ટુકડા-1 કપ, દહીં-2 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, હળદર-પા ચમચી, લાલ મરચું પાઉડર-1 ચમચી, ધાણાજીરું પાઉડર-1 ચમચી, ગરમ મસાલો-અડધી ચમચી, ચણાનો લોટ-1 ચમચી, તેલ-2 ચમચી, સમારેલું કેપ્સિકમ-1 નંગ, છીણેલું ચીઝ-2 ક્યુબ, ગ્રીન ચટણી-4 ચમચી, ટોમેટો સોસ-4 ચમચી, લાંબી સમારેલી ડુંગળી અને ટામેટાં-અડધો કપ, ઘઉંનો લોટ-1 કપ, મેંદાનો લોટ-1 કપ, ઘી-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ અજમો-પા ચમચી
રીત : સૌપ્રથમ ઘઉંનો લોટ, મેંદાનો લોટ, મીઠું, અજમો અને ઘીનું મોણ નાખી લોટ બાંધી સાઈડ પર રાખી દો. 15 મિનિટ માટે તેને રેસ્ટ આપો હવે સ્ટફિંગ તૈયાર કરવા માટે એક બાઉલમાં ડુંગળી, કેપ્સિકમ, ટામેટાં અને પનીરના ટુકડા મિક્સ કરો. ત્યારબાદ તેમાં મીઠું, લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, ચણાનો લોટ અને બે ચમચી દહીં મિક્સ કરો. આ મિશ્રણને મેરિનેટ થવા પંદરથી વીસ મિનિટ સાઈડમાં રાખી દો. એક પેનમાં તેલ ગરમ કરી તેમાં મેરિનેટ કરેલા પનીર અને વેજિટેબલ સાંતળી લો. હવે લોટમાંથી મોટી રોટલી વણી બંને બાજુ શેકી લો. તેમાં બટર, ગ્રીન ચટણી અને ટોમેટો સોસ લગાવી દો. હવે તેમાં પનીર અને વેજિટેબલનું સ્ટફિંગ મૂકી ઉપર ચીઝ ખમણી બંને સાઈડથી પેક કરીને સર્વ કરો.

રોટી પિત્ઝા રેપ્સ

સામગ્રી : મેંદાનો લોટ-1 કપ, ઘઉંનો લોટ-અડધો કપ, મિક્સ હર્બ્સ-જરૂર મુજબ, મીઠું-સ્વાદ મુજબ, ઘી-1 ચમચી, બટર-2 ચમચી, મિક્સ વેજિટેબલ-1 કપ, પિત્ઝા સોસ-1 કપ, ચીઝ- જરૂર મુજબ રીત : સૌપ્રથમ ઘઉંનો લોટ, મેંદાનો લોટ, ઘી અને મીઠું ઉમેરી જરૂર મુજબ પાણી લઈ પરોઠાં જેવો લોટ બાંધો. લોટને 20 મિનિટ સાઇડમાં રાખી દો. આ લોટમાંથી મોટી રોટલી બનાવી લો અને બંને બાજુ બટર સાથે કાચી-પાકી શેકો. હવે એક બાઉલમાં મિક્સ વેજિટેબલ (ગાજર, કેપ્સિકમ, બાફેલી મકાઈ), સ્વાદ મુજબ મીઠું અને મિક્સ હર્બ્સ સારી રીતે મિક્સ કરો. તૈયાર કરેલી રોટીની ઉપર પિત્ઝા સોસ લગાવી તેના પર સ્ટફિંગ મૂકી ચીઝને છીણી લો. ત્યારબાદ રોટીને ફોલ્ડ કરી ઓવનમાં 10 મિનિટ માટે બેક કરી લો. તૈયાર છે રોટી પિત્ઝા રેપ.

અન્ય સમાચારો પણ છે...