ગેસ્ટ રૂમ ઘરનો ખાસ હિસ્સો છે. મહેમાનો થોડા દિવસ માટે અહીં રહીને આખી જિંદગીની છાપ લઇને જતા હોય છે. ગેસ્ટ રૂમની સજાવટ એવી રીતે કરો કે અતિથિના મનમાં તમારા પ્રત્યે આદર સાથે પ્રશંસાના ભાવ પણ જાગે.આજકાલ મહેમાનો પહેલાંની માફક આવતા નથી, પરંતુ નવરાત્રિ, દિવાળી, ઉનાળાનું વેકેશન હોય કે કોઈ સારો પ્રસંગ આવતો હોય ત્યારે ઘણાના ઘરે મહેમાનો તહેવારની ઉજવણી કરવા માટે આવતા હોય છે. એવામાં તેમના માટે અલગ રૂમની વ્યવસ્થા ઘણાં ઘરમાં હોય છે. જો થોડી કાળજી લઇને આ ગેસ્ટ રૂમની સજાવટ કરવામાં આવે તો અતિથિઓ તમારી સૂઝબૂઝ અને રચનાત્મકતાની ચોક્કસ પ્રશંસા કરશે. Â થાક ઉતારે સજાવટ ગેસ્ટ રૂમને એવી રીતે સજાવો કે ત્યાં આવતાંની સાથે રાહત અનુભવાય. રૂમમાં દરેક વસ્તુ રાખવાની સાથે ત્યાં વાતાવરણ એવું હોવું જોઈએ કે શાંતિથી બે ઘડી બેસો તો સફરનો થાક ઊતરી જાય. ગેસ્ટ રૂમમાં ફર્નિચરમાં એક કોર્નરમાં સોફાસેટ અથવા નેતરના સોફા અને ટિપોય રાખો. ટિપોય પર ફ્લાવરવાઝમાં તાજા અને સુંદર રંગ અને સુગંધ ધરાવતાં ફૂલો ગોઠવો. Â સામાન રાખવાની વ્યવસ્થા એક અલમારી એટલે કે તિજોરી પણ ગેસ્ટ રૂમમાં હોવી જોઈએ જેથી મહેમાનો પાસે કંઈ કીમતી વસ્તુ અથવા રોકડ રકમ હોય તો તેમાં મૂકીને શાંતિથી રહી શકે. એ ચાવી મહેમાનો પાસે જ રહેવા દો. હા, તેઓ જતા હોય ત્યારે ચાવી માગીને એક વાર નજર અવશ્ય કરી લેવી જેથી તેમની કોઈ વસ્તુ રહી ન જાય અથવા તો તમારી કોઈ વસ્તુ તેમના સામાન સાથે જતી ન રહે. ઘણી વખત મહેમાનોને ગેસ્ટ રૂમમાં સામાન રાખવામાં સમસ્યા ન થાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. જો ઘરમાં સ્પેસ મેનેજમેન્ટની સમસ્યા હોય અને ગેસ્ટ રૂમ મોટો ન હોય તો ગેસ્ટ રૂમને સજાવવા માટે ફ્લોટિંગ શેલ્ફની મદદ લઇ શકાય છે. આ ફ્લોટિંગ શેલ્ફ ઘરને એલિગન્ટ લુક આપશે અને મહેમાન પોતાનો સામાન વ્યવસ્થિત રીતે રાખી શકાશે. Â એટેચ્ડ બાથરૂમની વ્યવસ્થા ગેસ્ટ રૂમ સાથે બાથરૂમ પણ એટેચ્ડ હોય એ જરૂરી છે, આના લીધે જો મહેમાનો સાથે નાનાં બાળકો પણ આવ્યાં હોય તો રાતે બાથરૂમ માટે જાગે તો બીજાને ડિસ્ટર્બ ન થાય તેમજ અતિથિઓને પણ સંકોચ ન અનુભવાય. ગેસ્ટ રૂમની દીવાલોનો રંગ લાઇટ રાખો. ઓફ વ્હાઇટ, ગ્રે, ક્રીમ, લાઇટ પિંક વગેરે કલર્સ સારા લાગશે. ગેસ્ટ રૂમમાં બેડની વ્યવસ્થા પણ એ રીતે કરવી કે જો બે પરિવારના સભ્યો એક જ રૂમમાં રહે તો પણ તેમને સૂવા માટે પૂરતી જગ્યા અને વસ્તુ મળી રહે. ગાદલાં, ચાદર, ઓશિકાં, કવર વગેરેને વ્યવસ્થિત ગોઠવીને રાખો. ચાદર, ઓશિકાનાં કવર વગેરે ગેસ્ટ રૂમની દીવાલના કલર સાથે મેચ થતાં હોય એવા પસંદ કરશો તો વધારે આકર્ષક લાગશે. Â પ્રકાશની વ્યવસ્થા જો શક્ય હોય તો ગેસ્ટ રૂમમાં એકાદ બુકશેલ્ફ પણ હોવી જોઈએ જેમાં તમને ગમતા લેખકોનાં પુસ્તકો રાખો અને થોડા મેગેઝિન્સ પણ મૂકી રાખો. મહેમાનોને આરામ કરતી વખતે જો પુસ્તક વાંચવું હોય કે મેગેઝિન્સ વાંચવાં હોય તો સારું રહે. રૂમમાં પ્રકાશ વ્યવસ્થા એ રીતની હોવી જોઈએ કે રાતના સમયે પણ વધારે પડતો અંધકાર ન લાગે. લાઇટિંગ પણ એ રીતે કરાવો કે રાતના સમયે ડીમલાઇટ ચાલુ રાખે તો પણ વાંધો ન આવે. આ રીતે લાઇટિંગ કરવાથી રૂમમાં પ્રકાશ વ્યવસ્થાનો પ્રોબ્લેમ નહીં થાય. શક્ય હોય તો ગેસ્ટ રૂમની સજાવટ કરતી વખતે મોટા મિરરનો ઉપયોગ કરવો જોઇએ. આનાથી મહેમાનોને તૈયાર થવામાં સગવડ મળશે અને રૂમને પણ મોટો લુક મળશે. ગેસ્ટ રૂમને સજાવવા માટે મોંઘી ડેકોરેટિવ વસ્તુઓની જરૂર નથી હોતી. તમે ઇચ્છો તો એક સ્ટાઇલિશ હેડબોર્ડ અથવા તો વોલ આર્ટની મદદથી ગેસ્ટ રૂમને સુંદર બનાવી શકો છો.
ઘરમાં જ્યારે ગેસ્ટ રૂમની વ્યવસ્થા કરો ત્યારે તેમાં ફર્નિચર એ રીતે ગોઠવો કે મહેમાનોને રૂમમાં હરવા-ફરવાની પૂરતી જગ્યા મળે તે સાથે જ તેમની પ્રાઇવસી પણ જળવાય. આ રીતે થોડી બાબતોનું ધ્યાન રાખીને ગેસ્ટ રૂમની સજાવટ કરવાથી રૂમ તો સારો લાગશે જ, તે સાથે તમે અતિથિઓના આદર્શ યજમાન બની જશો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.