સજાવટ:વિન્ટેજ થીમથી સજાવો ઘર...

16 દિવસ પહેલાલેખક: દિવ્યા દેસાઇ
  • કૉપી લિંક

જો તમે ઘરને નવો લુક આપવા ઇચ્છો તો તમારે અલગ ‘આઉટ ઓફ બોક્સ’ વિચારવું પડશે. તમે ઘરને નવી સ્ટાઇલથી સજાવવા માટે ‘વિન્ટેજ લુક’ની મદદ લઇ શકો છો. આ લુક આપવા માટે વધારે ખર્ચની જરૂર નથી પડતી. બ્રાસ, બ્રોન્ઝ કે પછી લાકડીના ડેકોરેટિવ પીસ ઘરને સારી રીતે સજાવવામાં મદદ કરે છે. ઘરને વિન્ટેજ ટચ આપવામાં પેઇન્ટનો શેડ પણ બહુ મહત્ત્વનો છે. પેસ્ટલ શેડ્સ, બ્લૂ અને ગોલ્ડન શેડ ઘરને બ્રાઇટ અને વિન્ટેજ ટચ આપે છે. અરીસો : જો તમારા ઘરની એક દીવાલ બિલકુલ ખાલી હોય અને તમે એને સજાવવા ઇચ્છતા હો તો કોઇ ડેકોરેટિવ પીસને બદલે દીવાલ જેટલો મોટો અરીસો લગાવડાવી લો. હાલમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં આ ટ્રેન્ડ લોકપ્રિય બન્યો છે. જો તમારી આખી દીવાલ અરીસાથી સજાવવી ન હોય તો દીવાલ પર નકશીકામવળો મોટો અરીસો લગાવવાથી પણ ઘરને વિન્ટેજ લુક મળે છે. આ અરીસો તમારા રૂમનો ફોકલ પોઇન્ટ હશે અને પછી કોઇ હેવી ફર્નિચર કે પછી આર્ટ પીસની જરૂર નહીં પડે. જૂની વસ્તુઓ : ઘરને વિન્ટેજ લુક આપવા માટે જુની સ્ટાઇલના રેડિયો, ટીવી, ટાઇપરાઇટર, કેમેરા કે પછી ગ્રામોફોનથી ઘર સજાવવાનો ટ્રેન્ડ પુરબહારમાં ચાલી રહ્યો છે. આ બધી વસ્તુઓથી ઘરને સારી રીતે સજાવી શકાય છે. ઘરને વિન્ટેજ લુક મેળવવા માટે દીવાલ પર એન્ટિક લુકવાળી ઘડિયાળને લગાવી શકાય છે. આમ, આ જુની વસ્તુઓ સજાવટમાં કામ લાગે છે. ફર્નિચર : દાદાજીની જૂની ખુરશી જો સ્ટોરમાં પડી પડી ધૂળ ખાતી હો તો એને સાફ કરીને લિવિંગ રૂમમાં સજાવવાનો સમય આવી ગયો છે. આવું જુનું ફર્નિચર ઘરને વિન્ટેજ લુક આપવામાં સહાયક સાબિત થાય છે. આ ખુરશીને બાલ્કનીમાં પણ સજાવી શકાય છે. જો તમને કમ્ફર્ટેબલ અનુભવ જોઇતો હોય તો એના પર મુલાયમ કુશન રાખી શકાય છે. પેસ્ટલ શેડ્સના સેલ્ફ ડિઝાઇનવાળા કુશન કવર ઘરને અલગ જ લુક આપશે.

અન્ય સમાચારો પણ છે...