મીઠી મૂંઝવણ:પપ્પાને પ્રેમસંબંધથી વાંધો નહીં પરંતુ સગાઇ કરવાની સ્પષ્ટ ના!

મોહિની મહેતાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રશ્ન : હું 30 વર્ષની પરિણીત મહિલા છું. મારા લગ્નને સાત વર્ષ થઇ ગયા છે પણ હજી સંતાન નથી. મારા પતિ ટુરિંગ જોબમાં છે અને તેઓ મહિનામાં પંદર દિવસ બહારગામ હોય છે. મારી સમસ્યા એ છે કે હું મારા યોગ ટ્રેઇનર પ્રત્યે આકર્ષણ અનુભવું છું અને મને તેની સાથે સમય પસાર કરવો બહુ ગમે છે. અમે હજી લક્ષ્મણરેખા નથી ઓળંગી પણ અમે બંને સતત એકબીજાને મળવાનાં બહાનાં શોધતાં રહીએ છીએ. જોકે, હવે મને એ વાતનો ડર લાગી રહ્યો છે કે મારા પતિને અમારા સંબંધો પર શંકા થઈ તો હું શું કરીશ? એક મહિલા (અમદાવાદ) ઉત્તર : તમારા લગ્નને સાત વર્ષ થઇ ગયા છે પણ હજી આ સ્થિતિ છે એ પરથી કહી શકાય છે આટલા સમય પછી પણ પતિ-પત્ની તરીકે તમારા સંબંધ હજી નક્કર નથી અને આ વાતનો સંતાન સાથે કોઇ સંબંધ નથી. હકીકતમાં સારા સંબંધોની એક ખાસિયત એ છે કે તમે જ્યારે કોઈ યોગ્ય વ્યક્તિ સાથે રિલેશનમાં હો ત્યારે બીજા કોઈ પ્રત્યે તમને આકર્ષણ નથી થતું. જોકે માનવમન થોડું અવળચંડુ છે. એવું નથી કે જીવનમાં લાઈફ પાર્ટનર સિવાય બીજા કોઈ વ્યક્તિ પ્રત્યે આકર્ષણનો અનુભવ થાય તો તમારા ચરિત્રતમાં સમસ્યા છે. હકીકતમાં આકર્ષણ થવું એ કોઈ અજુગતી વાત નથી પણ મહત્ત્વનું એ છે કે તમે આ આકર્ષણને તમે કેવી લો છો. કોઈના પ્રત્યે લાગણી થતી હોય તો તેને છૂપાવવી મુશ્કેલ છેએવું ના વિચારશો કે બીજા કોઈ પ્રત્યે આકર્ષણ હોવાનો અર્થ એ છે કે તમને હવે તમારા લાઈફ પાર્ટનરમાં રસ નથી રહ્યો. તમારે એ સમજવાની જરુર છે કે તમે તમારા યોગ ટ્રેઇનરની નજીક હો ત્યારે તમને એક અલગ જ અહેસાસ કેમ થાય છે? જ્યારે તમારા ઘરમાં બધું બરાબર ના હોય ત્યારે તેનો ફાયદો કોઈ બહારનો ના ઉઠાવી જાય તે પણ તમારે ધ્યાનમાં રાખવું જોઈએ. તમારે એ પણ યાદ રાખવું જોઈએ કે તમે તે વ્યક્તિમાં જે કંઈ પણ જોઈ રહ્યા છો તે તેના વ્યક્તિત્વની એક બાજુ છે, તેની બીજી બાજુ તો તમે હજુ જોઈ જ નથી. તમે સાત-સાત વર્ષથી તમારા પતિ સાથે રહો છો એટલે તમે તમારા પતિના મૂડના અને સ્વભાવના દરેક પાસાથી માહિતગાર છો પણ તમે જે વ્યક્તિથી આકર્ષણ અનુભવો છો એનાં સંપૂર્ણ વ્યક્તિત્વથી માહિતગાર નથી. જો પતિ સાથેના તમારા સંબંધો મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા હોય અને તમારી વચ્ચે સંવાદની કમી હોય તો તમારે પહેલા તો તેને ઠીક કરવા જોઈએ, જેથી તમારે તે રિલેશનની બહાર બીજું કંઈ વિચારવાની જરૂરિયાત ઉભી ના થાય. આમ, દરેક પગલું માત્ર જોશથી નહીં પણ હોંશથી પણ ઉઠાવવું જોઇએ. પ્રશ્ન : હું 20 વર્ષની યુવતી છું. મારી સમસ્યા એ છે કે હું જ્યારે પણ મારા ઘરની ગલીમાંથી પસાર થાઉં છું ત્યારે કેટલાક યુવકો હંમેશાં મારી છેડતી કરે છે. મને તેમના આ વર્તનથી બહુ ગુસ્સો આવે છે પણ હું તેમને પાઠ ભણાવવા ઇચ્છું છું. જોકે મારા પરિવારજનો મને કંઇ પણ કરવાની ના પાડીને મારા કામથી કામ રાખવાની સલાહ આપે છે. મારે શું કરવું જોઇએ? એક યુવતી (વડોદરા) ઉત્તર : સામાન્ય રીતે યુવતીઓ છેડતી કરનારા આવારા અને ગુંડા ટાઈપના યુવકોથી દૂર રહેવાનો જ પ્રયાસ કરે છે. આવા સંજોગોમાં માથું નમાવીને તેમની અવગણના કરવાના બદલે તેમના ખરાબ વર્તનનો જડબાતોડ જવાબ આપો જેથી તેમની હિંમત તૂટી જાય અને આગળ જતાં ફરીથી એ જ પ્રકારનું વર્તન કરતાં પહેલાં સો વખત વિચાર કરે. જ્યાં સુધી તમે ડરતાં રહેશો ત્યાં સુધી આવા આવારા યુવકોની હિંમત વધતી રહેશે. કેટલીક યુવતીઓ આ પ્રકારની છેડછાડને અવગણીને પોતાની રીતે આગળ વધી જાય છે. જેના પરિણામે આવા આવારા યુવાનોની હિંમત વધી જાય છે. છેડતી પછી યુવતીઓ સમજદારીથી આવી છેડછાડનો જડબાતોડ જવાબ આપે તો પરિસ્થિતિમાં અવશ્ય સુધારો થાય. ડર અથવા ભય એ છેડતીથી બચવાનો ઉપાય કે સમાધાન નથી. ડરવાથી તો આવા આવારા લોકોની હિંમત વધી જાય છે. આથી જ્યારે પણ કોઈ આવો પ્રયત્ન કરે ત્યારે તેનાથી ડર્યા વિના તેની નજરથી નજર મેળવી, બોલ્ડ બનીને હિંમતથી તેનો સામનો કરવો જોઈએ. કેટલાંક ઘરોમાં યુવતીઓને શીખવાડવામાં આવે છે કે, જો કોઈ તમારી છેડતી કરે, અભદ્ર કોમેન્ટ કરે તો માથું નમાવીને ત્યાંથી નીકળી જાઓ અને તેનો જવાબ ના આપશો, નહીં તો તે કાંઈક વધારે ખોટું કરી શકે છે, વધારે નુકસાન કરી શકે છે. આજે તો જરૂર છે આવી વિચારસરણી બદલવાની. છેડતીથી બચવા માટે સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ ખૂબ મહત્ત્વની ભૂમિકા ધરાવે છે. કેટલીક વખત જ્યારે છેડછાડ હદ કરતાં પણ વધારે આગળ વધી જાય અને શારીરિક સુરક્ષાની વાત આવે તો તેવા સંજોગોમાં સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ ખૂબ કામ લાગે છે. સેલ્ફ ડિફેન્સની ટેક્નિકથી યુવતીઓમાં માત્ર શારીરિક તાકાત એકલી જ વધતી નથી, પરંતુ તેમનો માનસિક આત્મવિશ્વાસ પણ વધે છે.

પ્રશ્ન : હું 19 વર્ષની યુવતી છું. હું અને મારો બોયફ્રેન્ડ એકબીજા માટે ગંભીર છીએ. અમે છેલ્લા બે વર્ષથી સાથે છીએ અને હવે સગાઇ કરીને રિલેશનને એક સ્ટેપ આગળ વધારવા ઇચ્છું છું. મારા પિતાને મારા સંબંધ સામે કોઇ વાંધો નથી પણ તેઓ સગાઇ માટે તૈયાર નથી. તેઓ મને કહે છે કે આ ઉંમરે આવી બધી પળોજણમાં ના પડીશ. પપ્પાએ અત્યાર સુધી મારા પેશનને જ પ્રોફેશન કઈ રીતે બનાવાય એ માટે પણ ખૂબ સાથ આપ્યો છે, તેઓ આ પ્રેમસંબંધને બહુ ગંભીરતાથી લેવાની ના પાડે છે. શું તેમની વાત સાચી છે? એક યુવતી (સુરત) ઉત્તર : પ્રેમ અને કરિયર વચ્ચે સંતુલન જળવાઇ રહે એ બહુ જરૂરી છે. દરેક નિર્ણય જીવનના યોગ્ય તબક્કે લેવામાં આવે તો જ એનો સંપૂર્ણ ફાયદો થાય છે. તમારી વયમાં કરિયર પર ધ્યાન આપવું જરૂરી છે. જોકે એનો મતલબ એ નથી કે તમે પ્રેમની લાગણીને ઇગ્નોર કરો. જોકે એમાં ખૂંપી જઈને જાતને ભૂલી જવાની જરૂર નથી. કરિયર બનાવવાના વર્ષો દરમિયાન પ્રેમ જેવી નાની-નાની બાબતોમાં આપણું ધ્યાનભંગ થતું રહે તો એની અસર આખા જીવન પર પડે છે. જીવનને માણવું હોય તો પહેલાં તમારા પગ ધરતી પર સ્થિર ખોડાયેલા હોવા જોઈએ. તમે અને તમારો બોયફ્રેન્ડ બે જ વર્ષથી સાથે છો અને હજી તમારી વય એટલી મોટી નથી કે તમારે કરિયર અને ફ્યુચર પ્લાનને કોરાણે મૂકીને સગાઇ અને લગ્ન વિશે વિચારવું પડે. તમારા પિતાએ તમારા કરતા વધારે દુનિયા જોઇ છે. તેમને તમારા પ્રેમી કે પ્રેમસંબંધ સામે વાંધો નથી એ વાત જ બતાવે છે કે તેઓ લાંબા ગાળે તમારા માટે સારું શું છે એ વિચારી રહ્યા છે અને તેમને તમારી રિલેશનશિપ સામે કોઇ વાંધો નથી. તમે પણ તેમના દૃષ્ટિકોણને સમજવાનો પ્રયાસ કરશો તો આખી વાતને સારી રીતે સમજી શકશો.

અન્ય સમાચારો પણ છે...