સેક્સ સેન્સ:શારીરિક અને માનસિક તકલીફોનો સુધાર... સમાગમ

2 મહિનો પહેલાલેખક: મેધા પંડ્યા ભટ્ટ
  • કૉપી લિંક

કપલ વચ્ચે રેગ્યુલર બંધાતો સંબંધ તેમના માટે માનસિક અને શારીરિક રીતે ફાયદાકારક સાબિત થતો હોય છે. દરેક દંપતીના જીવનમાં આવી પળોનો આનંદ માણવો જરૂરી છે. તેનાથી તેમના વચ્ચે એકબીજા પ્રત્યેનું ખેંચાણ જળવાઇ રહેશે. સાથે જ બંનેને એકબીજાની સાથે થોડો પોતાનો કહી શકાય તેવો સમય પસાર કરવાની તક મળી જાય છે. ક્યારેક બેમાંથી કોઇ એકની ગેરહાજરીમાં પણ આવા સમયને યાદ કરીને પ્રેમ પ્રત્યેનો અનુભવ થતો હોય છે. જે સમય જીવનમાં અટકી ગયો હોય કે એકબીજા માટે કાઢી ન શકાતો હોય તે ક્યારેક સાથે સમય વિતાવવાથી ફરીથી જીવંત બને છે. સામાન્ય રીતે જ્યારે સેક્સની વાત આવે છે, ત્યારે મોટાભાગના લોકોને પહેલેથી જ ખબર હોય છે કે તેનાથી નિયમિત રીતે એકબીજા સાથે આત્મીય રીતે જોડાઇ રહેવાના અનેક ફાયદા છે. જ્યારે કપલ્સ એકબીજા સાથે સ્વસ્થ સમાગમનો આનંદ માણે છે, તો તેનાથી અનેક લાભ થતા હોય છે. જ્યારે કપલ્સ વચ્ચે રેગ્યુલર સમાગમ ક્રિયા થતી નથી ત્યારે જાણે અજાણે બંનેની શારીરિક અને માનસિકતા પર અસર થતી હોય છે. બંને સમજી નથી શકતા પણ તેમની વચ્ચે જ્યારે શારીરિક આકર્ષણ ઓછું થવા લાગે છે, તેવા સમયે માનસિક રીતે પણ લાગણીનો ઘટાડો થવા લાગે છે. રેગ્યુલર સમાગમથી બંને એકબીજા સાથે તન-મનથી ક્યાંક ને ક્યાંક જોડાયેલા રહેતા હોય છે. આમ, કપલ્સ વચ્ચે રેગ્યુલર સમાગમ થતો રહે તે વધારે જરૂરી છે. આજની જીવનશૈલીના કારણે હવે લોકો સેક્સને વધારે મહત્ત્વ આપતા નથી. કરિયરમાં આગળ વધવાની ચાહનામાં લોકો દિવસ-રાત તેની પાછળ ભાગે છે. પરિણામે તેની અસર તેમની સેક્સ લાઇફ પર પડે છે. ડોક્ટર્સ પણ કહે છે કે સેક્સ એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. લાંબો સમય સુધી સેક્સ ન કરવાના કારણે સ્વાસ્થ્યને નુકસાન થાય છે. તેથી ડોક્ટર્સ પણ નિયમિત સેક્સ કરવાની સલાહ આપતા હોય છે. લોકો હવે મિકેનિકલી સમાગમમાં રાચે છે પણ તેઓ ભૂલી જાય છે કે શરીરની આ એક સૌથી મહત્ત્વની જરૂરીયાત છે. એ શરીરની માનસિક અને શારીરિક ગતિને જાળવે છે. કપલ્સ જ્યારે રેગ્યુલર સમાગમ કરે છે તો તેમનું શરીર રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરે છે. એક સર્વેના સાયકોલોજિકલ રિપોર્ટમાં પ્રકાશિત થયેલાં રિસર્ચ અનુસાર અઠવાડિયામાં એકથી બે વખત સમાગમ કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ મળે છે. અન્ય વ્યક્તિઓની સરખામણીમાં જે લોકોએ અઠવાડિયામાં બેથી ત્રણ વખત સમાગમ કર્યો હતો તેમની રોગપ્રતિકારક શક્તિમાં અન્ય કપલ્સની તુલનામાં 30 ટકાનો વધારો જોવા મળ્યો હતો. રેગ્યુલર સમાગમ કરવાથી શરીરને કાર્ડિયોવસ્ક્યુલર લાભ પણ થતા જોવા મળે છે. હૃદયને કસરત મળી રહે તે પ્રકારની શારીરિક પ્રવૃત્તિઓ તમારા સ્વાસ્થ્ય માટે સારી છે. તમારે તમારા હૃદયને સ્વસ્થ રાખવા માટે અઠવાડિયામાં ત્રણથી પાંચ વખત કસરત કરવી જરૂરી છે. હાર્ડ વર્કઆઉટની જેમ જાતીય રીતે ઉત્તેજિત થવાથી હૃદયના ધબકારાની ગતિ વધે છે. સંભોગ દરમિયાન દર મિનિટે ધબકારા વધે છે. તે એક રીતે શારીરિક કસરતમાં સામેલ છે. જેનાથી શરીરને અને મનને એમ બંનેને આનંદ અને વ્યાયામ મળે છે. આનાથી ફિટનેસ જળવાય છે. સમાગમ પીડાદાયક પણ હોય છે પણ ઘણી વખત તે પીડામાંથી રાહત પણ આપે છે. તેના માટે સમાગમ કેવી રીતે પીડામાંથી રાહત આપે છે તે સમજવું જરૂરી છે. સેક્સ એ એન્ડોર્ફિન્સના સ્રાવને ઉત્તેજિત કરી શકે છે. એ શરીરને કુદરતી પીડામાં રાહત આપે છે. શારીરિક પીડા અંગે પ્રકાશિત થયેલા અન્ય સંશોધનમાં જાણવા મળ્યું છે કે સ્ત્રીઓ માટે જે સમાગમ શરૂઆતમાં પીડા આપનારો હોય છે તે પછીથી રાહત અને આનંદ આપનાર બની જતો હોય છે. સ્ત્રીને ઉત્તેજના વિના થતા સમાગમમાં પીડા થતી હોય છે પરંતુ જ્યારે તે ઉત્તેજિત હોય તો સમાગમનો પૂરતો આનંદ માણે છે. સમાગમનો આ સંપૂર્ણ આનંદ વ્યક્તિના મૂડને પણ સુધારે છે અને હકારાત્મક લાગણીનો અનુભવ કરાવે છે. રેગ્યુલર સમાગમ કરવાથી નિયમિત રીતે સારી ઊંઘ આવે છે અને સાથે સમાગમ ઊંઘની ગુણવત્તા સુધારે પણ છે. સેક્સ દરમિયાન અનુભવાતી ઉત્તેજના દરમિયાન મગજમાં ઓક્સિટોસિન, ડોપામાઇન અને એન્ડોર્ફિન સહિત અનેક રસાયણો મુક્ત થાય છે. આ બધા હોર્મોન્સ ભેગા થવાથી તમને ઊંઘ આવે છે. medha.pandya@gmail.com

અન્ય સમાચારો પણ છે...