તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મૂડ એન્ડ માઇન્ડ:ઉપદેશ કરતાં પણ આચરણ મહત્ત્વનું...

ડો. સ્પંદન ઠાકરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેખા તો રોજ રોજ પ્રત્યેક વાતમાં પોતાનાં મનમાં ધરબાયેલા અફસોસને વાણી દ્વારા વ્યક્ત કરતી રહેતી હતી...

ત્રીસ વર્ષની રેખાને કોઇ પણ પ્રશ્ન પૂછો તો જવાબમાં આવું જ સાંભળવા મળે : ‘મેં એવાં તો કેવા પાપ કર્યાં હશે કે મારાં લગ્ન આ માણસ સાથે થયાં? મારા પપ્પાએ આંખ બંધ કરીને મને ઊંડા કૂવામાં ધકેલી દીધી, નહીંતર મારા માટે કેવા સારાં સારાં માગાં આવતા હતા?’ આવી ફરિયાદ આ દેશની લગભગ બધી જ પત્નીઓનાં મનમાં રહ્યા કરતી હોય છે. કોઇક એને વાચા આપે છે, કોઇક નથી આપતી...પણ રેખા તો રોજ રોજ પ્રત્યેક વાતમાં પોતાનાં મનમાં ધરબાયેલા અફસોસને વાણી દ્વારા પણ વ્યક્ત કરતી રહેતી હતી અને વર્તન દ્વારા પણ. પતિ હરેશભાઇનું જીવવું પણ હરામ થઇ ગયું હતું. આખરે થાકીને એક દિવસ હરેશભાઇ રેખાને લઇને મારી પાસે આવ્યા. પ્રથમ કલાકમાં જ એકદ વાત સ્પષ્ટ થઇ ગઇ કે આ દર્દીને દવાઓની જરૂર ન હતી, જરૂર હતી કાઉન્સેલિંગની. એને મેં લાખ વાર સમજાવ્યું કે એનો પતિ એક સમજદાર, સંસ્કારી અને પ્રેમાળ પુરુષ છે, પણ આ વાત સ્વીકારે તો રેખા શાની? મેં મિનિમમ માત્રામાં મેડિસિન્સ લખી આપી. સમયે-સમયે હરેશભાઇના ફોન આવતા રહ્યા. સારવારની અસર માંડ દસ ટકા જેવી થઇ હતી. મહિને એકાદવાર રેખા એનાં પતિની સાથે જરાક હસીને બોલી લેતી હતી, બાકી પરિસ્થિતિ એની એ જ. રેખાનાં મગજમાં ઘર કરી ગયેલી આ માન્યતા દૂર કરવી ખૂબ અઘરું કામ બની ગયું હતું. કશુંક અણધાર્યું અને જોરદાર બને તો જ...! અને એવું બન્યું પણ ખરું. વીસેક દિવસ સુધી હરેશભાઇનો એક પણ ફોન ન આવ્યો. મને ચિંતા થઇ આવી. મામલો વધુ બગડી ગયો હશે? પછી અચાનક એનો ફોન આવ્યો. હરેશભાઇના અવાજમાં પહાડ પરથી પડતાં વરસાદી ઝરણાંનો થનગનાટ મારા કાનમાં ઠલવાયો ‘સાહેબ, ચમત્કાર! તમે માનશો? મારું બધું જ દુ:ખ એક ઘટનાથી દૂર થઇ ગયું. રેખાને કોરોના થયો હતો. ખૂબ ભારે, જીવલેણ ગણી શકાય એવો કોરોના.’ મારી છાતી આશંકાથી થડકી ઉઠી. રેખાનું મૃત્યુ થયું હશે? હરેશ કાયમ માટે પત્નીનાં ત્રાસમાંથી છૂટી ગયો હશે?પણ મને આ પુરુષ આ પ્રકારનો લાગતો નહોતો જે પત્નીનાં મૃત્યુમાંથી પોતાનું સુખ શોધે. ‘સાહેબ, રેખાને પંદર દિવસ પ્રાઇવેટ હોસ્પિટલમાં રાખવી પડી. ત્યાં પણ એનો કકળાટ ચાલુ હતો. ડોક્ટરો અને બાકીનો સ્ટાફ કંટાળી ગયો. આખરે મેં વિનંતી કરી કે મને એની સાથે રહેવાની છૂટ આપો. ડોક્ટરો નવાઇ પામી ગયા કે આવી ઘનચક્કર પત્નીને બચાવવા માટે પોતાની જિંદગીને જોખમમાં નાખવા માટે કોણ તૈયાર થયો? મેં રેખાની ખૂબ સેવા કરી. એની ગાળો સાંભળી લીધી. એનાં મળ-મૂત્ર પણ મેં સાફ કર્યા. આખરે સાવિત્રીનું પુરુષ જાત પરનું યુગો જૂનું ઋણ ઉતારીને આ સત્યવાન પોતાની પત્નીને મૃત્યુના જડબામાંથી પાછી લઇ આવ્યો. બસ, હવે રેખા ખૂબ જ ખુશ છે. એ વારંવાર કહે છેકે જગતમાં એનો પતિ સર્વશ્રેષ્ઠ છે.’ મૂડમંત્ર ઃ અધમણ જેટલા ઉપદેશ કરતા નવટાંક જેટલું આચરણ ચડી જાય છે. drspandanthaker@gmail.com

અન્ય સમાચારો પણ છે...