મૂડ એન્ડ માઇન્ડ:કમ્પેશન ફટિગ

ડો. સ્પંદન ઠાકર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સતત પોતાની આંખ સામે ભજવાતાં ટ્રોમાને જોઇજોઇને વ્યક્તિ ક્યારેક સેકન્ડરી ટ્રોમાનો ભાગ બની જાય છે

આયુષી ફ્રન્ટ લાઇન વર્કર છે. છેલ્લા આઠેક મહિનાથી સતત કોરોના વોર્ડમાં દર્દીઓની ખડેપગે સેવા કરતી આવી છે. રાત-દિવસ જોયાં વગર હૃદયપૂર્વક એ પોતાની ફરજ બજાવતી રહી છે. દર્દીઓ એનાં વાણી-વર્તનથી ખુશ હતા, પણ છેલ્લાં ત્રણ-ચાર અઠવાડિયાંથી તેનો સ્વભાવ ચીડિયો બનવા લાગ્યો હતો. તેની ઊંઘ ઓછી અને અનિયમિત થઇ ગઇ હતી. દર્દીનાં સગાં કંઇક પૂછે તો તે ખૂબ ઝડપથી અકળાઇ જતી હતી. પોતાની જાતની દરકાર પણ ઓછી થઇ ગઇ હતી. નાની નાની વાતમાં અકળાઇ જવું, ગુસ્સો કરવો, દર્દીની નાની વાતના જવાબમાં અડધો કલાકનું ભાષણ સંભળાવી દેવું અને ક્યારેક સાવ સૂનમૂન બેસી રહેવું. આયુષીનું વ્યક્તિત્વ સાવ બદલાઇ ગયું હતું. જ્યારે ઘરના સભ્યોએ આયુષીમાં આવેલા આ પરિવર્તન વિશે જાણ્યું ત્યારે તેમણે હિંમત કરીને તેને સામે બેસાડીને પૂછપરછ કરવાની કોશિશ કરી. થોડી વાર સુધી તો આયુષી સાંભળતી રહી પણ પછી એ મમ્મીને ગળે વળગીને રડવા લાગી. એનું હૈયું ઠલવાઇ ગયું ત્યારે મમ્મીએ પૂછ્યું, ‘શું થયું બેટા? તું તો ખૂબ હિંમતવાળી છે. કેટલા લોકોના જીવ બચાવવામાં તારું યોગદાન છે. તને અચાનક શું થઇ ગયું?’ આયુષીએ બોલવાનું શરૂ કર્યું. કેટલાક મહિનાઓથી હોસ્પિટલમાં ભજવાતાં દૃશ્યો આયુષીનાં માનસપટલ પર અંકિત થઇ ગયાં હતાં. દર્દીઓની પીડા, એમનાં સગાંવહાલાઓનાં આક્રંદ, આ મહામારીનાં કારણે દિન પ્રતિ દિન આકાર પામતી ઘટનાઓ આ બધાંનો ભાર ધીમે ધીમે તેની માનસિક અને શારીરિક અવસ્થા પર હાવી થઇ ગયો. કેટલાય દિવસોથી આયુષી સૂતી ન હતી. તીવ્ર સેવાભાવના પ્રવાહમાં તે પોતાની આ પરિસ્થિતિનો અંદાજ રાખી શકી નહીં. માનસશાસ્ત્રમાં આ પરિસ્થિતિને ‘કમ્પેશન ફટિગ’ કહે છે. કોઇ પણ વ્યક્તિ જ્યારે વારંવાર થતા ટ્રોમેટિક વાતાવરણનો ભાગ બને છે ત્યારે કમ્પેશન ફટિગ સર્જાવાની શક્યતા રહે છે. આવી વ્યક્તિઓમાં ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, હેલ્થ વર્કર્સ, જર્નલિસ્ટ્સ, સેવાભાવી કાર્યકર્તાઓ તેમ જ એન.જી.ઓ.માં કામ કરતા સમાજસેવકોનો સમાવેશ થાય છે. સતત આંખ સામે ભજવાતાં ટ્રોમાને જોઇજોઇને આ બધાં પણ ક્યારેક સેકન્ડરી ટ્રોમાનો ભાગ બની જાય છે. જ્યારે આવું વારંવાર બને છે ત્યારે તે વ્યક્તિ ખુદના વ્યક્તિત્વને ખોઇ બેસે છે અને સમાજમાં જોવા મળતી નિરાશાજનક પરિસ્થિતિમાં ડૂબી જાય છે. આ વાતની ખબર તેને પોતાને પણ હોતી નથી. આવી દરેક વ્યક્તિને દર્દીઓ અને સમાજ તરફથી હૂંફની જરૂર રહે છે. જો સમાજ તેમને સાચવી લેશે તો તેઓ સમાજને વધુ સારી રીતે સંભાળી લેશે. મૂડમંત્ર ઃ મકાનનો પાયો મજબૂત હોય તો આખું મકાન મજબૂત રહે છે. હેલ્થ સિસ્ટમના પાયામાં રહેલા ફ્રન્ટ લાઇનર્સની માનસિક અને શારીરિક સ્વસ્થતા આપણા બધાં માટે ખૂબ જ અગત્યની છે. drspandanthaker@gmail.com

અન્ય સમાચારો પણ છે...