તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કવર સ્ટોરી:વસ્ત્ર : સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચેની સરહદ

5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ટૂંકા વસ્ત્રો પહેરવા એ તમારી સ્વતંત્રતા છે પણ એને ક્યાં પહેરવા એ તમારી વિવેકબુદ્ધિ છે, તમારા સંસ્કાર છે અને તમારી સમજણ છે?

- એષા દાદાવાળા

"ભારતીય સંસ્કૃતિની ગરિમા જળવાય એવા વસ્ત્રો પહેરીને જ મંદિર સંકુલમાં પ્રવેશ કરવા વિનંતી. ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશવું નહીં.’ અંબાજી મંદિરનાં પરિસરમાં આવું બોર્ડ લગાવાયું છે. તિરૂપતિ અને શામળાજી મંદિરમાં પણ આવા બોર્ડ લાગ્યા છે. દેશનાં ઘણાં મંદિરોએ ટૂંકા કપડાં પહેરીને જવા પર પ્રતિબંધ મૂકવો પડ્યો છે. મંદિરમાં ચોક્કસ પ્રકારનાં કપડાં નહીં પહેરવા માટેનાં આવા નિયમો સામે સોશિયલ મીડિયા પર ખાસ્સી એવી ચર્ચાઓ થઇ રહી છે. ઘણાં લોકો એવી દુહાઇઓ આપી રહ્યા છે કે ભગવાન તો અત્ર તત્ર સર્વત્ર છે, એનાંથી શેની શરમ! ભારતીય સંસ્કૃતિ માત્ર વસ્ત્રોથી જ સચવાય છે ઘણાં આવા સવાલો પણ પૂછી રહ્યા છે. મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને કેમ ન જવાય એ મુદ્દે દલીલ કરી રહેલા સૌને મારે એક જ વાત કહેવી છે કે મંદિરમાં તો જ જાઓ જો તમને ઇશ્વરમાં શ્રદ્ધા હોય. દેખાડો કરવા માટે મંદિરમાં જવાની જરૂર નથી. મારો એક સવાલ છે તમે ન્હાયા વિના મંદિરે જાઓ છો? તમે જમી લીધા પછી ઇશ્વરને ભોગ ધરાવો છો? કદાચ ના. આવું તમે એટલા માટે નથી કરતા કારણ કે તમને ઇશ્વરમાં શ્રદ્ધા અને સન્માન છે. તમે સ્પષ્ટપણે માનો છો કે ઇશ્વરને મળવા જવું હોય તો સ્વચ્છ અને પવિત્ર થઇને જ જવું જોઇએ અને એટલે જ ટૂંકા કપડાં, બર્મુડો, કેપ્રી, ઓફ શોલ્ડર, લો નેક કે શરીરનાં મરોડદાર અંગ ઉપાંગોનાં વળાંકો અને એની સાઇઝ ખબર પાડતા હોય એવા કપડા પહેરીને મંદિરે ન જ જવું જોઇએ.

વસ્ત્રોને મામલે આપણે ત્યાં વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. મુંબઇની સરકારી કચેરીઓથી લઇને અનેક ઓફિસોએ સુરુચિભંગ થાય એવા વસ્ત્રો પહેરવા પર મનાઇ ફરમાવી છે. આવી મનાઇઓ લાદવી પડે એ જ શરમજનક વાત છે. સ્ત્રીને ખબર હોવી જોઇએ કે બિકીની બીચ પર પહેરાય અથવા તો સેક્સુઅલ એક્ટિવિટી વખતે બેડરૂમમાં! પણ જો બિકીની પહેરીને શોપિંગ કરવા જવામાં સ્ત્રીને પોતાની સ્વતંત્રતા દેખાતી હોય તો એણે મનનાં ડોક્ટર પાસે સારવાર લેવી જોઇએ. તમારું ફિગર 36, 26, 36 છે તો એને બતાવવું જોઇએ બિલકુલ બતાવવું જોઇએ પણ ક્યાં એનું ભાન તમને હોવું જોઇએ. ટૂંકા વસ્ત્રો પહેરવા એ તમારી સ્વતંત્રતા છે પણ એને ક્યાં પહેરવા એ તમારી વિવેકબુદ્ધિ છે, તમારા સંસ્કાર છે અને તમારી સમજણ છે. આ વાત પુરૂષોને પણ એટલી જ લાગુ પડે છે. વસ્ત્રો તમારી પર્સનાલિટી નક્કી કરે છે. સામેની વ્યક્તિ તમારા કપડાં દ્વારા પણ તમને જજ કરતી હોય છે. તમારું સન્માન જાળવવાનું છે, તમને સમકક્ષ ગણવાનાં છે, તમને જોઇને સીટીઓ મારવાની છે, હલ્કી કોમેન્ટ કરવાની છે કે તમારા ખભે હાથ મૂકીને વાત કરવાની છે સામેવાળાને આવું નક્કી કરવામાં તમારાં વસ્ત્રો પણ મદદ કરતા હોય છે. કાંજીવરમની સાડી પહેરેલી રેખાને આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી રેખાજી કહીને સંબોધે છે પણ મહામહેનતે કેળવેલા પોતાનાં ફિગરનાં પેટભરીને દર્શન કરાવતી રાખી સાવંતને કોઇ રાખીજી કહીને સંબોધતું નથી. રિલાયન્સનાં જાહેર ફંકશનમાં નીતા અંબાણી બિકીની પહેરીને આવે કે મુકેશ અંબાણી ફૂલ ફૂલવાળો બર્મુડો પહેરીને આવે તો એમનાં પ્રત્યે માન નહીં જ રહે.

આપણે ત્યાં ઘણીવાર એવી ચર્ચાઓ થતી હોય છે કે સ્ત્રીઓએ ટૂંકા વસ્ત્રો ન પહેરવા જોઇએ. સ્ત્રીનાં ટૂંકા વસ્ત્રો એ પુરૂષોને અપાતું આમંત્રણ નથી જ. સ્ત્રી ટૂંકા વસ્ત્રો ન પહેરી શકે એવા ઓર્થોડોક્સ રહેવાની જરૂર નથી પણ સ્ત્રીને એવી ખબર હોવી જોઇએ કે એ ટૂંકા વસ્ત્રો એણે ક્યાં અને કોની સાથે પહેરવાનાં છે. પાર્ટીમાં નશો કર્યા પછી જાત પરનો કાબૂ જતો રહેવાનો હોય તો એ પાર્ટીમાં બ્રાની સાઇઝનું ટોપ પહેરીને ન જવું એ સમજદારી છે. દરેક મા બાપે પોતાનાં દીકરા-દીકરીને ક્યારે ક્યાં શું પહેરવું એની સમજણ પણ આપવી જોઇએ. સોળ-સત્તર વર્ષની દીકરીએ ક્યારે અને કોની હાજરીમાં સ્પેગેટી, ઓફ શોલ્ડર કે શોર્ટસ પહેરવા જોઇએ એની સમજણ એની માને પણ હોવી જોઇએ. અફકોર્સ આપણે આધુનિક સમાજમાં જીવીએ છીએ. આપણે સ્વતંત્ર છીએ. પણ આપણે સ્વચ્છંદ તો નથી જ! ઘરમાં જે પહેરો એ ઓફિસમાં પહેરી શકો નહીં અને ઓફિસમાં જે પહેરો એ ઘરમાં પહેરીને બેસો તો મૂર્ખા ગણાવ. વિચારી જોજો, આવતીકાલથી બોસ ફૂલોવાળું રંગબેરંગી શર્ટ પહેરીને ઓર્ડર આપવા માંડશે તો તમે એને સિરિયસલી લેશો? આઇ.પી.એસ.નો ઇન્ટરવ્યૂ ક્રેક કરવા જતી વખતે ટૂંકું સ્કર્ટ, સ્તનોનાં ઊભાર દેખાતા હોય એવા કપડાં પહેરીને જવાનું પસંદ કરશો? ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં કાણાંવાળું ગંજી કે ફૂલ ફૂલવાળાં બ્લેઝર પહેરીને જશો? જો ના…તો મંદિરમાં પણ ટૂંકા કપડાં પહેરીને ન જવાય. દરેક જગ્યાનું એક ડેકોરમ હોય છે. દરેક જગ્યાનું એક સન્માન હોય છે. દરેક વ્યક્તિનું દરેક હોદ્દાનું પણ એક સન્માન હોય છે. મોરારીબાપુ કે પ્રધાનમંત્રીને મળવા જવાનું હોય ત્યારે સ્પેગેટીવાળું બ્રાની સાઇઝનું ટોપ કે ટૂંકુ સ્કર્ટ પહેરીને જાવ તો એ પ્રતિભાનું તમે કરેલું અપમાન છે.

નાગાબાવાઓ વસ્ત્ર વિના ફરે છે કારણ કે એમણે વસ્ત્ર ત્યજી દીધા છે. લંગોટધારી સાધુઓને લંગોટ સાથે મંદિરમાં પ્રવેશ મળે છે કારણ કે એમના માટે એ એક જ વસ્ત્ર છે. દર્શન કરવા જવું એ તમારી ચોઇસ છે. ઇશ્વર તમારા ઘરે દોરડું નાંખી તમને મંદિર બોલાવતો નથી. તમે દર્શન કરવા નહીં જાવ તો એને માઠું નહીં લાગે. મોટેભાગે આપણે ઇશ્વર પાસે જઇએ છીએ ત્યારે ખાલી હાથે જઇએ છીએ. બહુ બહુ તો પ્રસાદ લઇ જઇએ છીએ પણ એ પ્રસાદ ઇશ્વરને ધરાવવા કરતા પોતાને ખાવાની આતુરતા વધારે હોય છે. હું એવું માનું છું કે ઇશ્વર પાસે જઇએ ત્યારે ખાલી હાથે તો ન જ જવું જોઇએ. સુદામા અકિંચન હતા પણ કૃષ્ણને મળવા ગયા ત્યારે તાંદુલ લઇને ગયેલા. તમે ભલે તાંદુલ લઇને નહીં જાવ પણ ઇશ્વર માટેનાં સન્માનની એક પોટલી ચોક્કસ લઇ જજો. ફરી એકવાર કહું છું કે તમારા ટૂંકા વસ્ત્રો તમારી સ્વતંત્રતા તો છે જ પણ એ તમારી વિવેકબુદ્ધિ પ્રમાણે પણ હોવા જોઇએ ! dadawalaesha@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો