સજાવટ:ગ્લાસી લુકથી કરો ઘરનું ક્લાસી ડેકોર

22 દિવસ પહેલાલેખક: દિવ્યા દેસાઇ
  • કૉપી લિંક

છેલ્લાં કેટલાક સમયથી ઘરના ડેકોરમાં ગ્લાસનો મહત્તમ ઉપયોગ કરવાનું ચલણ વધી રહ્યું છે. ગ્લાસનો ઉપયોગ ઘરને એક સારામાં સારો લુક તો આપે જ છે પણ સાથે સાથે એમાંથી બનાવેલી શેલ્ફમાં ડેકોરેટિવ પીસ પર રાખી શકાય છે. ગ્લાસનો ઉપયોગ શિયાળામાં તેમજ ઉનાળામાં એમ બંને સિઝનમાં ફાયદાકાર સાબિત થાય છે. તે શિયાળામાં વધારે ઠંડીથી બચાવે છે જ્યારે ઉનાળામાં સૂરજના પ્રખર તાપથી રક્ષણ કરે છે. જો ઘરમાં કાચની બારીઓ હોય તો સૂરજનો પ્રકાશ આખા રૂમમાં ફેલાઇ જાય છે જેના કારણે દિવસે લાઇટનો ઉપયોગ કરવાની જરૂર જ નથી પડતી. લાઇટવેટ અને લેમિનેટેડ ગ્લાસનો ઉપયોગ કેબિન, ક્યુબિકલ્સ અને પાર્ટિશન બનાવવા માટે કરી શકાય છે. આના ઉપયોગથી નાની જગ્યાને મોટી દર્શાવી શકાય છે. જો તમારો રૂમ નાનો હોય તો કાચનો મહત્તમ ઉપયોગ કરીને એને મોટો દર્શાવી શકાય છે. આ માટે ગ્લાસ વોલનો ઉપયોગ કરી શકાય છે. આની મદદથી રૂમની બહાર પણ જોઇ શકાય છે અને ગ્લાસ વોલને હળવી વસ્તુઓથી ડેકોરેટ પણ કરી શકાય છે. ફર્નિચરમાં ગ્લાસનો ઉપયોગ : જો તમે લાકડાંનાં ફર્નિચરથી બોર થઇ ગયા હોય તો ગ્લાસનો ઉપયોગ કરીને ઘરનો નવો લુક આપી શકો છો. સેન્ટર ટેબલથી માંડીને ડાઇનિંગ ટેબલ સુધી ગ્લાસનો વિકલ્પ દરેક વ્યક્તિની પહેલી પસંદગી બની ગયો છે. પાર્ટિશનનો ઉપયોગ : ઘણી વખત લિવિંગ રૂમમાં સ્પેસને ઓછી કરવા માટે ડિઝાઇનર પડા કે પછી જાળીનો ઉપયોગ પાર્ટિશન તરીકે કરવામાં આવે છે. જોકે હાલમાં પાર્ટિશન તરીકે ગ્લાસનો ઉપયોગ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. એક મોટા રૂમને ડિવાઇડ કરવા માટે ગ્લાસનો સારી રીતે ઉપયોગ કરી શકાય છે. ગ્લાસ અને સ્ટોનનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા ટેબલ અને બીજું ફર્નિચર ઘરને ટ્રેન્ડી લુક આપે છે. ગ્લાસની બુક શેલ્ફ ઘરને આકર્ષક લુક આપે છે. રંગીન ગ્લાસનો ટ્રેન્ડ : જો ઘરને નવીન રીતે સજાવવું હોય તો ગ્લાસ પેઇન્ટિંગ અને રંગીન ગ્લાસનો ઉપયોગ એમાં મદદ કરી શકે છે. ડિઝાઇનર અને આકર્ષક ક્રોકરીમાં ગ્લાસનો છૂટથી ઉપયોગ થાય છે. આ સ્ટાઇલિશ ગ્લાસવેર હાયર રેન્જમાં પણ મળે છે. ગ્લાસના પોટ અને લેમ્પનો ઉપયોગ હોમ ડેકોર માટે પણ કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...