તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડેટિંગ ડાયરી:નાનપણનો પ્રેમ બન્યો જીવનભરનો સાથ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમારે અલગ કોલેજમાં એડમિશન લેવું પડ્યું. એ વખતે મને લાગ્યું, જાણે હું સાવ એકલી પડી ગઇ છું

અમે ત્યારે બારમા ધોરણમાં અભ્યાસ કરતાં હતાં. હા, અમે એટલે કે મારા પતિ અને હું… અમે નાનપણથી જ સાથે ભણ્યાં અને સાથે જ મોટાં થયાં. સમય જતાં ક્યારે અમારી ફ્રેન્ડશિપ પ્રેમમાં પરિણમી, તેનો અમને બંનેમાંથી કોઇને ખ્યાલ નહોતો. મને મારા પ્રેમનો ખ્યાલ ત્યારે આવ્યો જ્યારે કોલેજમાં અમારા બંનેના વિષય અલગ અલગ હોવાથી અમારે અલગ કોલેજમાં એડમિશન લેવું પડ્યું. એ વખતે મને લાગ્યું, જાણે હું સાવ એકલી પડી ગઇ છું. એમ તો કોલેજનું આખું ગ્રૂપ હતું, પણ તેમની સાથે એવી રીતે વાતો કરવાની મજા આવતી નહીં. કોણ જાણે કેમ, પણ મને લાગતું કે કંઇક ખૂટે છે. જોકે મેં મારા તરફથી મન મક્કમ રાખ્યું કેમ કે એ સમયે કોઇ યુવતી સામે ચાલીને કોઇ યુવાનને પ્રપોઝ કરે એટલી ફ્રીડમ નહોતી. આખરે એક દિવસ એમણે મને કહ્યું, ‘હું મારી કોલેજનું એક વર્ષ પૂરું કરીને તારી કોલેજમાં એડમિશન લઇ લઉં છું.’ મેં પૂછ્યું, ‘કેમ?’ તો જવાબ મળ્યો, ‘ત્યાં મને કોઇ તારા જેવી ફ્રેન્ડ નથી મળતી.’ અને એક વર્ષ પછી એમણે વિષયો ચેન્જ કરીને મારી કોલેજમાં એડમિશન લીધું. એ પછી અમે ફરી સાથે થઇ ગયાં. એક વર્ષના આ સમયે એમને કદાચ પ્રેમનું મહત્ત્વ સમજાવી દીધું હતું. એક દિવસ કોલેજની કેન્ટીનમાં અમે બેઠાં હતાં ત્યારે એમણે મારો હાથ એમના હાથમાં લઇ કહ્યું, ‘મારે તને એક વાત કહેવી છે, પણ કેવી રીતે કહું તે સમજાતું નથી. મને બીજા લોકોની જેમ ફેરવી-તોળીને વાત કરતા નથી ફાવતું. હું તને પ્રેમ કરું છું અને તારા વિના જીવી નહીં શકું. તારો શું જવાબ છે?’ મને સમજાયું નહીં કે તાત્કાલિક જવાબ શું આપવો? પણ હું શરમથી નીચું જોઇ ગઇ. ત્યારે એ બોલ્યા કે, ‘છોકરી જ્યારે શરમાઇને નીચું જોઇ જાય એનો અર્થ કે એની પણ સંમતિ છે.’ આ સાંભળી હું મારો હાથ છોડાવી ત્યાંથી નીકળી ગઇ. ઘરે આવી મોટી બહેનને વાત કરી, ત્યારે દીદીએ કહ્યું, તમારાં બંનેની વાતની બંનેનાં ઘરનાંને ખબર છે... પછી મમ્મીએ કહ્યુંૃ કે હવે ઝડપથી કોલેજ પૂરી કરો એટલે તમારાં બંનેની સગાઇ કરી દઇએ. એ દિવસે સાંજે હું મારી અગાશીમાં ગઇ ત્યારે એ પણ એમની અગાશીમાં ઊભા હતા. એમના હાથમાં ગુલાબ હતું, જે એ મારા માટે લાવ્યા હતા. એમણે મને એ ગુલાબ આપ્યું અને આજે પણ એ ગુલાબ મારી ડાયરીમાં મેં સાચવી રાખ્યું છે. મારા પ્રથમ પ્રેમનું પ્રતીક એ ગુલાબ અમારા જીવનભરના સાથનું સાક્ષી બની રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...