જોબન છલકે:લગ્નના નામે છળકપટનો ખેલ!

એક મહિનો પહેલાલેખક: મોસમ મલકાણી
  • કૉપી લિંક

હજી બે મહિના પહેલાં જ મહેન્દ્ર અને માનવીનાં લગ્ન થયાં હતાં અને તેઓ પોતાનું નવું ઘર સેટ કરવામાં ગળાડૂબ હતા. લગ્ન પછી માનવી બહુ જ ખુશખુશાલ હતી. એક દિવસ તે નવરાશની પળોમાં ન્યૂઝપેપર વાંચી રહી હતી ત્યારે એક ન્યૂઝમાં પોતાની ખાસ મિત્ર સીમાનું નામ વાંચીને તેને બહુ આંચકો લાગ્યો. ન્યૂઝ પ્રમાણે શહેરના માલેતુજાર પરિવારમાં પત્નીને બીજાની બેડરૂમ પાર્ટનર બનવાનું દબાણ કરાતું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. આ મામલામાં પતિ પોતાની પત્નીને અન્ય સાથે બેડરૂમ શેર કરવા દબાણ કરતા હોવાની ફરિયાદ શહેરના પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જોકે, આ મામલામાં પત્નીએ આ વાતનો વિરોધ કરતાં આખરે તેને પિયર કાઢી મૂકવામાં આવી હતી. માનવી માટે ચોંકાવનારી વાત એ હતી કે આ ફરિયાદ નોંધાવનાર યુવતી તેની કોલેજકાળની ખાસ મિત્ર સીમા હતી જેણે તેમના જ ક્લાસમેટ એવા ગર્ભશ્રીમંત પરિવારના સમીર સાથે લવમેરેજ કર્યા હતા. આ સમાચાર વાંચીને માનવી જાણે ભૂતકાળમાં સરી પડી. માનવી અને સીમા કોલેજમાં એકબીજાની ખાસ અંતરંગ બહેનપણીઓ હતી. બંને યુવતીઓ ભણવામાં હોંશિયાર હતી અને તેમનું લક્ષ્ય ભણીગણીને જીવનમાં આગળ વધવાનું હતું. જોકે કોલેજના બીજા વર્ષમાં તેમનાં ક્લાસમાં સમીરનું આગમન થતાં જ સમીકરણો બદલાઇ ગયાં હતાં. એક સમયે સમયસર કોલેજ પહોંચીને બધા લેક્ચરમાં ધ્યાનપૂર્વક ભણનારી સીમા ગાપચી મારવા લાગી. તેનું ધ્યાન ભણવાના બદલે સમીર સાથે પ્રેમનું ચક્કર ચલાવવામાં વધારે રહેતું હતું. સમીર ગર્ભશ્રીમંત પરિવારનો યુવક હોવાના કારણે તે ટાઇમપાસ માટે કોલેજ આવતો હતો અને દેખાવડી સીમા તેની પ્રેમજાળમાં ફસાઇ ગઇ હતી. માનવીએ એક-બે વખત સીમાને સમજાવાનો પ્રયાસ કર્યો પણ સીમા જાણે કંઇ સાંભળવાના મૂડમાં નહોતી. આ જ માહોલમાં કોલેજનું ફાઇનલ યર શરૂ થઇ ગયું. ફાઇનલ યરમાં ડિસેમ્બર મહિનામાં ન્યૂ યર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું. આ પાર્ટી શહેરના છેવાડે આ‌વેલા ફાર્મહાઉસમાં રાખવામાં આવી હતી. માનવીને આ પાર્ટીમાં જવામાં કોઇ જ રસ નહોતો પણ સીમા મન ભરીને સમીરની કંપની માણવા ઇચ્છતી હતી. સીમાના પરિવારજનો તેને એકલીને પાર્ટીમાં મોકલવા તૈયાર નહોતા એટલે તેણે દબાણ કરીને માનવીને પણ પાર્ટીમાં જવા મનાવી લીધી. પાર્ટીમાં પહોંચીને સીમાએ પોતાનો સાચો રંગ બતાવ્યો અને તે માનવીને પડતી મૂકીને સમીર સાથે ગાયબ થઇ ગઇ. માનવી માંડ-માંડ બીજી ફ્રેન્ડ સાથે ઘરે પાછી આવી પણ સીમાનો કોઇ જ પતો નહોતો. બીજા દિવસે સીમાનાં શરીર પરનાં લવ-બાઇટ્સનાં નિશાન જોતા જ માનવીને આખા મામલાની ગંધ આવી ગઇ. તેના પર્સમાં રહેલું કોન્ડોમનું ખાલે પેકેટ ચાડી ખાતું હતું કે સીમા પ્લાનિંગ કરીને ‘ગુમ’ થઇ ગઇ હતી. સીમાનું આ રૂપ જોઇને માનવીને ભારે આંચકો લાગ્યો અને તેણે સીમા સાથેની મિત્રતા તોડી નાખી હતી. હવે આ સમાચાર વાંચીને માનવીને ફરીથી સીમાની યાદ આવી ગઇ હતી. માનવીએ ઘરકામથી પરવાર્યા પછી કોમન ફ્રેન્ડ પાસેથી સીમાનો નંબર લઇને ફોન કર્યો તો પહેલાં તો સીમા બહુ ખુશ થઇ. માનવીએ જ્યારે ન્યૂઝપેપરમાં આવેલા સમાચાર વિશે સવાલ કર્યો ત્યારે સીમા ધ્રૂસકે-ધ્રૂસકે રોવા લાગી. પોતાની આપવીતી જણાવતાં સીમાએ કહ્યું કે, ‘કોલેજકાળ દરમિયાન હું સમીર સાથે બહુ ખુશ હતી અને અમે અનેક વખત લક્ષ્મણરેખા ઓળંગી હતી. ગ્રેજ્યુએશન પછી અમે લગ્ન કરી લીધાં હતાં. એ સમયે હું બહુ ખુશ હતી પણ લગ્ન પછી મને તેના પરિવારની કાળી હકીકતની ખબર પડી. તેના ‘વગદાર’ પિતા પોતાનું કામ કઢાવવા અને નવા નવા કોન્ટ્રાક્ટ મેળવવા માટે પરિવારની મહિલાઓને બીજા પુરુષો સાથે રાત ગાળવા માટે મજબૂર કરતા હતા. મેં આ વાતનો બહુ વિરોધ કર્યો પણ જ્યારે મારા પતિએ પણ મને સાથ ન આપ્યો ત્યારે મને ભારે આંચકો લાગ્યો. મેં જ્યારે આ કાળું કામ કરવાની ના પાડી ત્યારે સમીરે લગ્ન પહેલાંની અમારી અંતરંગ વિડિયો ક્લિપ્સ વાઇરલ કરીને મારા પરિવારને બદનામ કરી દેવાની ધમકી આપતા હું કમને તૈયાર થઇ. મારો પોતાનો જ પતિ મને ક્લબમાં એક વગદાર અધિકારી પાસે રૂમમાં લઇ ગયો અને મને મૂકીને ચાલ્યો ગયો. એ અધિકારીએ પહેલાં તો મારા અંગ-ઉપાંગો સાથે અડપલાં કરીને માનસિક વાસના સંતોષી અને પછી મારી સાડીનો પાલવ પકડીને પોતાની તરફ ખેંચી કે તરત...મારી સહનશક્તિની હદ આવી ગઇ અને તેને હું લાત મારીને બહાર નીકળી ગઇ. હું ફરીથી આ સ્થિતિમાં મૂકાવા નહોતી ઇચ્છતી એટલે ત્યાંથી નીકળીને હું તરત પોલીસ સ્ટેશન ગઇ અને ફરિયાદ નોંધાવી.’ સીમાની વાત સાંભળીને મીતા તો સ્તબ્ધ બની ગઇ. તેને અહેસાસ થઈ ગયો કે અભ્યાસ કરવાના સમય દરમિયાન આંધળો પ્રેમ કરવાની સીમાએ આકરી કિંમત ચૂકવી છે. જોકે સીમાએ ભૂલનાં વમળમાં વધારેને વધારે ફસાવાને બદલે યોગ્ય સમયે કાયદાની મદદ લઇને નવેસરથી જીવન શરૂ કરવાનો યોગ્ય નિર્ણય લઇ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...