સંબંધનાં ફૂલ:બદલી શકો તો બદલી નાખો....

21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રેરણા અને પ્રભાવથી બચવાનું હવે શક્ય નથી. પહેલાં સોબતનું ધ્યાન રાખીને પ્રભાવને નિયંત્રિત કરી શકાતો હતો પણ હવે સોબતના પણ અનેક નામ છે

સોશિયલ મીડિયા પર એવી અનેક પોસ્ટ જોવા મળે છે જે સવાલ કરીને જાણે પડકાર આપી રહી હોય એમ લાગે છે. બીજી રીતે જોઇએ તો એ જીવનને વધારે સારી રીતે જીવવા માટે મદદ કરે છે. ‘શું તમે નથી ઇચ્છતા કે તમારું જીવન વધારે ગુણવત્તાવાળું બને?’ અથવા તો ‘એક વર્ષમાં તમારું નવું રૂપ જીવવા ઇચ્છો છો?’ આવા સવાલોનો જવાબ જાત પાસે માગવામાં આવે અથવા તો એ માટેના પ્રયાસ કરવામાં આવે તો જીવન ખરેખર વધારે સારું બની શકે છે. આ પ્રયાસોમાં સવારે વહેલા ઉઠીને નવીન ઊર્જાનો અહેસાસ કરવાથી માંડીને સમય બચાવવા માટેના વિકલ્પોની પસંદગી સુધીના ઉપાયો શામેલ છે. આ રીતે જીવનને વધારે વિનમ્રતાથી અને સકારાત્મક રીતે જીવી શકાય છે. આવી પોસ્ટ શાંતિથી થોડું વિચારવાનો મોકો મળે છે અને તેનું પરિણામ કોઇક તો માર્ગ દર્શાવે છે અથવા વધારે નહીં તો થોડું વિચાર કરતાં તો કરી જ દે છે. એમાં સવાલો જ એવા હોય છે કે જવાબ આપનારે કોઇક દિશામાં તો વિચારવું જ પડે એથી જ તો કહે છે કે કાં તો પોતાની જાતને અથવા અન્યને સવાલો સતત પૂછતાં રહેવું જોઇએ. જેમ કે, તમે તમારી સફળતાનું શ્રેય કોને આપો છો એવું પૂછવાને બદલે એ જાણવાનો પ્રયત્ન કરો કે સફળતા માટે સૌથી વધારે મહત્ત્વનું શું છે? આ સવાલનો જવાબ માણસને પોતાની કદર કરવાની તક આપશે. એને પોતાનું મહત્ત્વ સમજવામાં મદદ મળશે અને સ્પષ્ટ છે કે એ પોતાના વિશે હકારાત્મક રીતે જ વિચારશે. એટલું જ નહીં, મનમાં રમતા અનેક સવાલોનો જવાબ પણ મળી જશે. જો કોઇને પૂછવામાં આવે કે તમારી ચિંતા કે સમસ્યાનો જો કોઇ ઉકેલ હોત તો તમારા મતે એ શું હોત? આ પ્રકારનો સવાલ માણસને ઉકેલની દિશામાં વિચારવા માટે વાળશે અથવા એને એ અનુભવ કરાવશે કે જો સમસ્યા મારી છે, તો એનો ઉકેલ પણ મારી પાસે ચોક્કસ હોવો જોઇએ. સાચો સવાલ ભલાઇ વિશે વિચારવાનો પણ મોકો આપે છે. એક વાર જાતને સવાલ કરો કે તમે જેને ઓળખતા પણ નથી, જેમણે તમારા માટે કંઇ નથી કર્યું તેમના પ્રત્યે તમારું વર્તન કેવું હશે? સવાલ એવા માર્ગ હોય છે જેના પર ચાલવા માટે વ્યક્તિ લાચાર હોય છે. તો સારો માર્ગ પસંદ કરવામાં આવે તે પણ ભલાઇનું જ કામ હશે! કેટલીક પોસ્ટ એવી હોય છે જે તમને કોઇ પણ મુદ્દા પર ગંભીરતાથી વિચારવા માટે મજબૂત કરે છે. એક પોસ્ટમાં સૂચન હતું કે ‘તમારી ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતાને જ તમારું ધન સમજો. હવે એ તમારા પર નિર્ભર છે કે તમે એને ક્યાં ખર્ચ કરો છો.’ આ એક તર્કસંગત હકીકત છે. ધનને જેમ વ્યક્તિ સમજી અને વિચારીને યોગ્ય રીતે ખર્ચ કરે છે તેવી જ રીતે ધ્યાન પણ યોગ્ય જગ્યાએ જ કેન્દ્રિત કરવું જોઇએ. એક બીજી પોસ્ટમાં સૂચન હતું કે ‘તમારા જીવનને એ ચિકિત્સકની નજરે જુઓ જે રોગનું કારણ શોધી રહ્યો હોય.’ આમ, તમારે તમારા જીવનની સમસ્યાનો ઉકેલ શોધવો હોય તો તમારે તમારા જીવનની દરેક બાબતોનું ઝીણવટથી આકલન કરવું જોઇએ. તમે રોજ નિયમિત રીતે પ્રયાસ કરીને નાના-નાના પગલાં લઇને એક મોટા બદલાવ તરફ આગળ વધી શકો છો. યોગ્ય ખાન-પાન અને નિયમિત રીતે વ્યાયામ કરીને શરીરનેને સુદૃઢ બનાવો. સારી નીંદર લઇને મગજના સ્વાસ્થ્યની જાળવણી કરો અને મનની તંદુરસ્તી પર ધ્યાન આપો. પ્રેરણા અને પ્રભાવથી બચવાનું હવે શક્ય નથી. પહેલાં સોબતનું ધ્યાન રાખીને પ્રભાવને નિયંત્રિત કરી શકાતો હતો પણ હવે સોબતના અનેક નામ છે અને એના અનેક પરિણામ શક્ય છે. જે સોબત આગળ લઇ જાય અને વધારે સારી રીતે વિચારવામાં મદદ કરે એ જ છે યોગ્ય સોબત.

અન્ય સમાચારો પણ છે...