તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંબંધનાં ફૂલ:પરિવર્તન એ જ જીવન છે...

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જો અંધકારને દૂર કરવા માટે કંઇ પરિવર્તન લાવવાની હિંમત જાળવી રાખી હોય તો અંધકાર ક્યાંય કાયમ માટે રહેતો નથી અને પ્રકાશનું કિરણ ફેલાય છે

તમે ઉદાસ હો, તો તમારે પરિવર્તનની જરૂર છે. આ વાત વાંચવા કે સાંભળવામાં જેટલી સખત છે, સમજવામાં એટલી જ સરળ છે. જીવનના દરેક પાસાં માટે આ વાત સાચી છે. કહેવાય છે કે જો તમે જીવનથી ખુશ ન હો, તો તમે એવી હિંમત કરો કે એ સમયને બદલી શકો. પ્રયત્ન કર્યાં સિવાય પરિવર્તન નથી આવતું અથવા એમ પણ કહી શકાય કે, ‘પરિવર્તન કર્યા વિના કોઇ પરિવર્તન નથી થતું.’ વળી, પરિવર્તન જ માત્ર શા માટે? આપણે ઘણી વાર કોઇ વ્યક્તિ, કોઇ સ્થિતિ, કોઇ વાતને કારણે દુ:ખી થઇ જઇએ છીએ, ત્યારે આમાં શું બદલી શકીએ? આપણે આપણી નજર બદલી શકીએ, દૃશ્ય બદલી શકીએ અને દૃષ્ટિકોણ પણ. જ્યાં ઉદાસી છે, એ તરફ જોવાની નજર બદલો, દૃશ્ય બદલાશે. એ વાત યાદ રાખવાની જરૂર છે કે ‘જો કંઇ નહીં બદલાય તો કંઇ નહીં બદલાય.’ આ વાત, આ સમજણ માત્ર કર્મ કરવાની છે. ઘણી વાર વડીલો કોઇને ઉદાસ કે પરેશાન જુએ તો કહેતાં હોય છે કે, ‘જાઓ, થોડી વાર ક્યાંક ફરી આવો. કોઇને મળો, મન ખુશ થઇ જશે.’ જીવનની દરેક પરિસ્થિતિને આ જ વાત લાગુ પડે છે. ઘણી વાર પરિવર્તનનો અર્થ કોઇ પરેશાની અંગે વાત કરવાનો, એના વિશે ચર્ચા કરવાનો પણ હોય છે. પરિવર્તનનો હેતુ એ છે કે શક્ય એટલું સહન કરવાની ના કહી, તેમાંથી બહાર નીકળો અને સ્થિતિને બદલવાનો પ્રયત્ન કરો. પરિવર્તનને જીવન કહેવામાં આવે છે. એમાં જ વણાયેલાં છે, તમામ ઉત્સાહ, ઊર્જા અને આનંદ. સહેજ પણ મન ઉદાસ થાય તો પરિવર્તનનો પ્રકાશ લાવવો જરૂરી છે. અંધકારમાં રહેવાનું કોને ગમે છે? અંધકારમાં માત્ર પ્રકાશને પરિભાષિત કરો તે જ સારું. એવું થવું પણ જોઇએ અને એ માટે પ્રકાશ પણ આપણે જ લાવવાનો છે. બીજી વાત એ પણ છે કે જો અંધકારને દૂર કરવા માટે કંઇ પરિવર્તન લાવવાની હિંમત જાળવી રાખી હોય તો અંધકાર ક્યાંય કાયમ માટે રહેતો નથી. જ્યારે પણ લાગે કે ઉદાસી મન પર છવાઇ રહી છે અથવા મન ઉદાસ બની રહ્યું છે, કંઇ ગમતું નથી, ત્યારે સ્મિતને ચહેરા પર રમતું કરો. અલબત્ત, આમ કરવું સરળ નથી. એ માટે થોડો પ્રયત્ન તો કરવો પડશે. ઉદાસીને પણ ખબર છે કે આ એનું કાયમી સ્થાન નથી. એ કાયમ કોઇના મનમાં કે અંતરમાં સ્થાન બનાવીને રહી શકતી નથી. એક દિવસ તો એવો આવે છે, જ્યારે ઉદાસી દૂર કરી મન પ્રસન્નતા અનુભવે છે. પરિવર્તનની હિંમત આશાનો ઉજાસ છે. તમને પરિવર્તન શું કામ જોઈએ છે? શું તમને આજે જીવન વિશે વિચારવાનો સમય મળે છે ખરો? તમારા જીવનની ભાગદોડમાંથી થોડાક પણ શ્વાસ લો છો ખરા? જો આ સવાલોનો જવાબ ના હોય તો તમારે વિચારવાની જરૂર છે. પરિવર્તન એ જ જીવન છે પણ આ પરિવર્તન અનુભવવા માટે તમારી આજુબાજુ જુઓ. કદાચ તમને વૃક્ષ, આકાશ, દૂરના પર્વત અને ગામડાંમાં રહેતા હો તો પાણીના ધોધ, બગીચાનાં ફૂલો દેખાશે. અરે તમારે ઘરે તુલસીનું કુંડું હોય તો તુલસીના છોડને પ્રેમથી જોયો છો? આ અભિગમ નવી દૃષ્ટિ આપશે અને એની મદદથી તમે પરિવર્તનને અને નવતર જીવનને માણી શકશો.

અન્ય સમાચારો પણ છે...