તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લઘુનવલ: જંગલી:વહુના ચિત્કારે બીજા રૂમમાં પડખાં ઘસતાં ચંદાબહેનને બેઠાં કરી દીધાં...!

4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લગ્ન પહેલાં અરેનને વહુના ઓરડે જતો ભાળ્યાંની ક્ષણે ભયનું બીજ રોપાઇ ચૂક્યું હતું કે અરેનમાં ખરેખર એના બાપના લક્ષણ હોય તો?

- કિન્નરી શ્રોફ

પ્રકરણ -3
‘કહેવું પડે ચંદાબહેન, એકના એક દીકરાના લગ્ન લેવામાં તમે કોઇ કસર નથી રાખી! મોભાદાર લગ્નો તો ઘણા જોયા અને સાંભળ્યા, પણ તમારાં ભપકામાં જે ભાવ છે એ અનન્ય છે!’
કોઇ જાણીતું વળી બોલી જતું, ‘તમે વેઠ્યું એ તમારા દીકરા-વહુએ વેઠવાનું ન થાય એવા અમારા આશીર્વાદ રહેવાના જ!’
સાંભળીને ચંદાબહેન ભીતરમાં જ શોષવાતા. લોકો તો મારી સેવાના સંદર્ભમાં કહેતા હોય છે, મેં શું વેઠ્યું એની કોઇને હજુ જાણ જ ક્યાં છે!
ગળે નિશ્વાસ આવી અટકી જતો, પતિના શબ્દો પડઘાઇ ઉઠતા: અરેનમાં મારુ લોહી વહે છે!
કમકમી જવાયું. નવા વરસે વહુ પહેલી વાર સાસરે રોકાઇ એ રાતે અરેનને વહુના ઓરડે જતો ભાળ્યાંની ક્ષણે ઉંડેઉંડે ભયનું બીજ રોપાઇ ચૂક્યું હતું કે અરેનમાં ખરેખર એના બાપના લક્ષણ હોય તો એનો અંજામ પણ ક્યાંક દુષ્યંત જેવો જ તો...રે રામ!

કાંપતા હૈયાને એમણે સાંત્વનાની લાકડીથી ઠપકાર્યુ હતું કે તું તારા સંસ્કાર-ઉછેર પર ભરોસો રાખ, મારી બાઇ! દીકરો પોતાના બાપ જેવો ન બને એ માટે તું કંઇ ઓછી સાવધ રહી છે? જુવાન થતો દીકરો ખરાબ સોબતમાં ન ફસાય એની તકેદારી તો ઘણી માતાઓ રાખતી હશે, તેં તો અરેન ખોટી આદતનો શિકાર ન બને એનું પણ ધ્યાન રાખ્યું છે. એનો રૂમ ગોઠવવાને બહાને સસ્તી ચોપડીઓ કે ગંદા ફોટા નથી છૂપાવ્યાને એની ખબરદારી રાખી છે. એના મોબાઇલમાં પણ ખાંખાંખોળા કરી અરેન ગમે તેવું કન્ટેન્ટ નથી જોતો એની ખાતરી મેળવી છે. અરેને કદી મને વહેમનો મોકો નહોતો આપ્યો. એ દીકરો ઘરમાં વહુના પહેલા જ દહાડે સંયમ ચૂક્યો. આખરે લોહી બોલ્યું કે પછી મારા વહેવારે દબાતી રહેલી એની પુરુષસહજ વૃત્તિ સ્પ્રિંગની જેમ છટકી? આ મુદ્દે ચંદાબહેન ટટ્ટાર થઇ જતા. આ સંભવ ખરું! એ રાતે તો અરેન મારી ડાહી વહુનાં શાણપણને માની પાછો વળી ગયો, પણ પછી દર શનિ-રવિ વ્યારાની મુલાકાતે ગયા વિના નથી રહ્યો! સમજાતું નથી કે એને કેમ વારવો અને એટલે પોતે મન મનાવતા કે જુવાન હૈયાને બહુ ટોકવા પણ સારા નહી!

વિચારોના વમળ વચ્ચે ચંદાબહેન પોતાની જાતને વેવિશાળ-લગ્નનાં કામોમાં જોતરી દેતાં. એ પ્રસંગો પણ હવે પાર પડતા જાય છે. કાલે સવારે દીકરાની જાન નીકળવાની છે. વળતા રાત થશે. મહેમાનો માટે ઉતારાની અલગ વ્યવસ્થા છે એટલે ઘરમાં વહુનાં સ્વાગત પછી સૌ ઉતારે જશે, હું મારા રૂમમાં અને દીકરા-વહુ મેડીનાં એમનાં શણગારેલા સોહાગખંડમાં... ‘આજે તો આપણી સુહાગરાત, મારી રાણી!’ વળી પતિનો જ અવાજ. મોડીરાતે રુમમાં આવી ચંદ્રલેખાબહેન પલંગ પર બેઠાં જ કે ભૂતકાળનું અનુસંધાન થઇ ગયું. ‘વૈદબાપા, તમારી દીકરી તો ફાવી!’ ત્રીસેક વરસ અગાઉની વાત. નવસારીના હવેલી મહોલ્લામાં રહેતા વૈદ ઉત્તમભાઇની એકનીએક દીકરીનું સગપણ સુરતના વૈષ્ણવ સમાજના પ્રતિષ્ઠિત મહેતા કુટુંબના વારસદાર સાથે થયાના ખબર સાંભળી વધાઇ દેનારા ત્યારે તો બહુ વહાલાં લાગ્યાં હતાં ચંદાને. મહોલ્લાની સરખેસરખી વયની છોકરીઓ તો દુષ્યંતને જોઇને મીઠી ઇર્ષાથી બળી મરી હતી. ચંદા, આટલા રુપાળા તો ફિલ્મના હીરો પણ નથી હોતા! જોજે, સુહાગરાતે એમને સાવ નિકટ ભાળી હોશ ન ગૂમાવી દેતી! એ કલ્પનાની ગુદગુદી વાસ્તવમાં સુહાગસેજ પર બેઠી ત્યારે પણ બરકરાર હતી. હૈયું એવું તો ધડક ધડક થતું હતું! છ મહિના જેટલું અમારું વેવિશાળ રહ્યું એમાં એકલા મળવાનો જોગ ગોઠવાય એવું બન્યું નહોતું ને એ જમાનો પણ જુદો! દુષ્યંતે કહ્યુ હોત તો પણ પોતે ન જાત. મારા બાપા વૈદ, ગામમાં એમનું મોટું નામ. પોતાના જ્ઞાનની એમણે દુકાન માંડી હોત તો ઘણું કમાયા હોત, પણ એ તો ધન્વંતરીના આદર્શોને વરેલા. એલોપથી ભણેલા જ્યાં અટવાય ત્યાં એમના ઓસડિયાં કારગત નીવડતા. લગ્ન પહેલાં દુષ્યંતને એકાંતમાં મળવામાં હું હલકી પડું ને મારા બાપાની લાખ રૂપિયાની આબરુ વગોવાય એવું તો કેમ થવા દેવાય!

એટલે સુહાગસેજ પર સોહાગણના શણગાર ભેગો શમણાંનો સૂંડલો પણ છલકવા તૈયાર હતો અને એ ક્ષણ પણ આવી પહોંચી.
પરણીને અમે સુરતનાં ઘરે રાત રોકાયાં નહોતાં. મંત્રીસાહેબના આગમનને કારણે દુષ્યંતે ફરજ પર હાજર થવું પડે એમ હતું એટલે વરબૈરી સોનગઢનાં ક્વાર્ટર પર પહોંચ્યાં હતાં. દુષ્યંત રસ્તામાં જ રોમેન્ટિક થવા માંડેલા. ઘરનાંથી છટકવાની એમની ચાલાકી ત્યારે તો મુગ્ધતાભરી લાગી હતી. આભમાં ચંદ્ર ઉગવાના ટાણે અમે બંગલા જેવા ક્વાર્ટરમાં પહોંચ્યા ત્યારે ઢોલિયો પણ તૈયાર હતો. સ્ટાફ પર દુષ્યંતનો કડપ હતો. ‘તું રૂમમાં જા ચંદા. હું રજાના કામ સમજીને થોડીવારમાં આવ્યો.’
એ થોડી ક્ષણોમાં કંઇકેટલાં અરમાન હૈયે હિલોળાં લેવા લાગ્યા ત્યાં દરવાજો ખૂલ્યો અને બંધ થયો. પછી જે થયું એ ચીસ પડાવી દે એવાં દુ:સ્વપ્ન જેવું હતું. આવી જ ચીસ બીજી રાત્રે અરેનના રૂમમાં ગૂંજી ને વહુના એ ચિત્કારે નીચેની રૂમમાં પડખાં ઘસતાં ચંદાબહેનને બેઠાં કરી દીધાં. ફરી એ જ અવસર, ફરી એવી જ ચીસ!
એમણે કપાળ કૂટયું કે ત્યારે તો દીકરો પણ બાપ જેવો જ નીકળ્યો...જંગલી!
(ક્રમશ:)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો