જોબન છલકે:સાથીદારને પ્રેમથી પોતાના ન કરી શકાય?

એક મહિનો પહેલાલેખક: મોસમ મલકાણી
  • કૉપી લિંક

રાજ અને નીલાંગીએ લવમેરેજ કર્યાં હતાં. બંનેનો લવ કોલેજકાળથી જ પાંગર્યો હતો અને રાજની જોબ લાગતાં તેમણે લગ્ન કરવાનો નિર્ણય લીધો. હા, બંનેની જ્ઞાતિ અલગ હતી, એ વાત જુદી હતી, પણ પ્રેમ ક્યાં નાત-જાત જોઇને થાય છે? સ્વાભાવિક રીતે જ સમાજ અને પરિવારનો વિરોધ થોડોઘણો થયો, પણ રાજ અને નીલાંગી મક્કમ હતાં. વળી, રાજનાં મમ્મી પણ એકના એક દીકરાના સપોર્ટમાં હતાં. પરિણામે બંનેનાં લગ્ન થઇ ગયાં. સમય વીતવા લાગ્યો અને બંનેનું સુખમય દાંપત્યજીવન વીતી રહ્યું હતું. ઘરમાં સૌ ખુશ હતાં. રાજ અને નીલાંગી પણ ખુશ હતાં. જોકે પ્રેમને કસોટી તો આપવી જ પડે છે. ધીમે ધીમે પરિવારમાં ગુસપુસ થવા લાગી. લગ્નને પાંચ વર્ષ વીતી જવા છતાં હજી સંતાનસુખ પ્રાપ્ત થયું નહોતું. એમાં રાજ કે નીલાંગીનો કોઇ દોષ નહોતો, પણ સમાજને આ વાતો કોણ સમજાવવા જાય? દિવસો વીતતા ગયા. દસ વર્ષ વીતી ગયાં, પણ નીલાંગીનો ખોળો હજી ખાલી જ હતો. એવામાં કોરોના મહામારી આવી અને રાજની જોબ ગઇ. રાજ થોડો સમય તો ઘરે રહ્યો, પણ એણે જોબ શોધવાનું ચાલુ રાખ્યું. આખરે છ-સાત મહિના પછી એને મુંબઇની એક આઇટી કંપનીમાં જોબ મળી. કોરોનાનો હાઉ થોડો ઓછો થતાં રાજ અને નીલાંગી મુંબઇ ગયાં. ત્યાં એમના કોઇ પરિચિતની મદદથી ભાડાનું મકાન લીધું અને સેટ થવાનો પ્રયત્ન કરવા લાગ્યાં. નીલાંગીએ વિચાર્યું કે પોતે પણ કંઇક કામ કરી ઘરમાં મદદરૂપ થાય. એણે ઘરમાં બેસી ઓનલાઇન ટ્યૂશન ક્લાસીસનું કામ શરૂ કર્યું. બંને પોતપોતાની રીતે ઘર અને સંસાર ચલાવતાં હતાં. એમાં રાજને એના પરિચિતે કેટલાક મિત્રોનો પરિચય કરાવ્યો અને એ લોકો સાથે રહીને રાજમાં કેટલીક કુટેવો આવી. નીલાંગીએ પોતાની રીતે રાજને સમજાવ્યો, પણ એક વાર કોઇ કુટેવ પડી જાય, તો એનાથી છૂટવાનું માનવમાત્ર માટે ધારે એટલું સરળ નથી હોતું. રાજ પ્રયત્ન કરતો, પોતાની કુટેવ છોડવાનો, પણ હવે બંને વચ્ચે કંઇ ને કંઇ એવું બનતું કે રાજ ફરી પોતે જે માર્ગે ન જવાનું નક્કી કર્યું હોય, તેના પર જ નીકળી જતો. દિવસે દિવસે બંને વચ્ચે પ્રેમનું પ્રમાણ ઘટવા લાગ્યું ને ઝઘડા વધતા ગયા. આખરે એક દિવસ નીલાંગીએ પોતાનાં માતા-પિતાને વાત કરી. બંનેનાં માતા-પિતાએ મળીને રાજ અને નીલાંગી વચ્ચેનો મતભેદ દૂર કરવા અનેક પ્રયત્નો કર્યાં, પણ હવે નીલાંગીની એક જ જીદ હતી કે મારે રાજ સાથે નથી રહેવું. મારે ડિવોર્સ લેવા છે. આખરે બંનેના પરિવારે નક્કી કર્યું અને કોર્ટમાં ડિવોર્સ માટે અરજી કરી દીધી. રાજને આ વાતથી ખૂબ દુ:ખ થયું. એ વિચારતો હતો કે જે નીલાંગી પોતાના સાથ માટે સમાજ સામે બળવો પોકાર્યો હતો, એ નીલાંગી આજે પોતાને છોડી દેવા માટે આટલી તત્પર થઇ ગઇ? એ વારંવાર ડિપ્રેશનમાં સરી જતો. અંતે બંનેનાં ડિવોર્સ થઇ ગયાં અને નીલાંગીએ સારી એવી રકમની એની પાસેથી માગણી કરી. રાજ આજેય વિચારે છે કે આ એ જ નીલાંગી છે, જે એનાથી એક પળ માટે પણ દૂર થવા નહોતી ઇચ્છતી? બંનેનાં અંગત સંબંધો વણસવામાં પોતાની કુટેવોનો વાંક ગણાય છે, પણ શું નીલાંગીનો કોઇ જ વાંક નહીં? એણે આજીવન સાથે રહેવાનું વચન આપ્યું હતું, એ વચન માત્ર કહેવા પૂરતું જ હતું? એના માટે પ્રેમ એક રમત જ હતો? રાજ પોતાનો દોષ છે એ સ્વીકારે છે, પણ એનો એક સવાલ એ પણ છે કે માત્ર મારો જ દોષ કેમ ગણાય છે? શું નીલાંગીનો કોઇ દોષ નથી? તાળી માત્ર એક હાથે તો પડતી નથી. રાજની વાત વિચારવા જેવી છે. અનહદ પ્રેમ કરનારી વ્યક્તિ પોતાના સાથીદારને તેની કુટેવોને કારણે છોડવાનો વિચાર કરે એ સમજી શકાય, પણ એ માટે શરતો મૂકે એ કઇ રીતે યોગ્ય ગણાય? પ્રેમથી પણ વ્યક્તિને સાચા માર્ગે લાવી શકાય છે. તે માટે પોતાના પ્રેમની શક્તિમાં પૂરતો વિશ્વાસ હોવો જોઇએ. સાથીદારને સાથ આપવાને બદલે એને તરછોડી દેવાની અને અલગ થઇ જવાની જીદ કેટલી હદે ઉચિત કહેવાય? વાત સંબંધોના મામલે ગહન વિચાર માગી લે એવી તો છે જ.

અન્ય સમાચારો પણ છે...