કવર સ્ટોરી:સંતાન ટ્રાફિકના નિયમો તોડે તો પોલીસને કહી શકો કે ડબલ દંડ કરે?

3 મહિનો પહેલાલેખક: એષા દાદાવાળા
  • કૉપી લિંક

સવાલ-1 રોંગ સાઇડ પર ટુ-વ્હીલર ચલાવવા બદલ કે સીટબેલ્ટ નહીં પહેરવા બદલ કે ઓવર સ્પીડિંગ બદલ તમારા સંતાનને પોલીસ પકડે છે ત્યારે તમે એમને ભૂલ બદલ ચૂપચાપ દંડ ભરવાનું કહો છો કે પોલીસને ફોન આપ એવું કહી તમારી લાગવગોનું પ્રદર્શન કરો છો? સવાલ–2 તમારા સંતાનનાં હાથમાં ટુ-વ્હીલરની ચાવી મૂકતા પહેલાં તમે ટ્રાફિકનાં નિયમો સમજાવ્યા છે ખરા? સવાલ-3 તમારી સગવડ સાચવવા અને સંતાનની ડિમાન્ડ પૂરી કરવા વગર લાયસન્સે એમના હાથમાં ટુ-વ્હીલર કે ફોર વ્હીલરની ચાવી મૂકી દીધા પછી તમને સહેજ પણ ગિલ્ટ થયું છે? સવાલ–4 ટ્રક-ટેન્કર કે કોઇપણ વાહનની અડફેટે અથવા તો ઓવર સ્પીડિંગને કારણે કોઇનો યુવાન દીકરો કે દીકરી રસ્તા પર મૃત્યુ પામે એ જાણ્યા પછી તમે ક્યારેય પણ રસ્તા પર વ્હીકલ ચલાવતા યુવાનોને જોઇ તમારી સ્પીડ ધીમી કરી છે? સવાલ–5 ટ્યુશને અથવા તો પાર્ટીમાં અથવા તો ક્યાંય પણ જતા તમારા સંતાનને પહોંચવાના સમય કરતાં થોડા વહેલાં નીકળતા શીખવ્યું છે? આ વાતનું પાલન થાય એનું ધ્યાન રાખો છો? સવાલ–6 તમે ઉતાવળે ક્યાંક જતા હોવ ત્યારે કેટલીવાર ટ્રાફિકના નિયમો તોડો છો? તમે ટ્રાફિકનાં નિયમો જાણો છો? કેટલી શિદ્દતથી પાલન કરો છો? સવાલ–7 રસ્તા પર પોલીસ ના ઊભો હોય ત્યારે પણ તમે લાલ લાઇટ જોઇ બ્રેક મારો છો? ટ્રાફિક ના નડે અને જલ્દી પહોંચાય એ માટે તમે ક્યારેય પણ બીઆરટીએસ લેનમાં કાર કે ટુ-વ્હીલર ચલાવ્યું છે? તમારા સંતાનને આવી સલાહ આપી છે? સવાલ–8 કોઇ કારણસર પોલીસ તમને પકડે ત્યારે તમે શંુ કરો છો? દંડ ભરી દો છો કે તમે પણ પોલીસ સાથે દલીલો જ કરો છો?

સવાલનાં જવાબ પ્રત્યેક મા-બાપે આપવા જોઇએ, પૂરી પ્રમાણિકતાથી આપવા જોઇએ અને સંતાનની સામે બેસીને આપવા જોઇએ. આપણે આપણાં બાળકોને દરેક પ્રકારની મેનર્સ શીખવીએ છીએ. કેવી રીતે બોલવાનું, કેવી રીતે ચાલવાનું, વાતે-વાતે થેંક યુ અને સોરી કહેવાનું, ઊંચા અવાજે નહીં બોલવાનું, અવાજ આવે એવી રીતે નહીં ખાવાનું વગેરે-વગેરે મેનર્સની વચ્ચે રસ્તા પર ટુ-વ્હીલર કે ફોર વ્હીલર ચલાવતી વખતે દાખવવાની મેનર્સ શીખવવાનું ચૂકી જઇએ છીએ. રોડ એક્સિડન્ટ. આ શબ્દ કેન્સર જેટલો જ અથવા તો એનાથી પણ વધારે ભયાવહ છે કારણ કે રોડ એક્સિડન્ટ પછી તમારી દીકરી, તમારો દીકરો કે તમારું સ્વજન ઘરે જ પાછા ફરે એવું નક્કી નથી હોતું. ક્યારેક ચાર ખભાનાં સહારે એમને સ્મશાન સુધી લઇ જવા પડે છે અને ક્યારેક દિવસોનાં દિવસો સુધી શારીરિક-માનસિક પીડાઓનાં અંધારા સાથે એમને ડીલ કરતા શીખવવું પડે છે. રોડ એક્સિડન્ટમાં ગુજરી ગયેલા સ્વજનોનો ચહેરો જોવા જેવો રહેતો નથી. એમની ચામડી પર થીજી ગયેલા લોહીનો ઘસરકો સદીઓ સુધી ભૂલી શકાતો નથી. એમનાં ઘરેથી બહાર નીકળ્યાની થોડી મિનિટો પછી આવેલો એક ફોન તમને સન્નાટાની ગલીઓમાં રખડતા મૂકી દે છે. રસ્તા પર વીંખાઇને પડેલા એમને જોઇને પાડવાની બાકી રહી ગયેલી ચીસ વર્ષો સુધી છાતીમાં ટૂંટિયું વળેલી હાલતમાં પડી રહે છે અને તમે કંઇ જ કરી શકતા નથી. આ બધા જ કરતા ટ્રાફિકનાં નિયમો પાળવા સહેલા હોય છે. આપણાં ગુજરાતીમાં એક કહેવત છે જેનાં પર વીતે એ જ જાણે! રોડ એક્સિડન્ટનાં મામલે આ કહેવત સોએ સો ટકા સાચી પડે છે. આપણે જ્યાં સુધી પેલો એક કોલ રિસિવ કરતા નથી, પોસ્ટ-મોર્ટમ રૂમની બહાર ઊભા-ઊભા સેકંડમાંથી માઇક્રોસેકંડને છૂટી પાડતા નથી, પોટલું થઇ ગયેલા શરીરને જોતા નથી ત્યાં સુધી આપણને ટ્રાફિક મેનર્સ વિશે વિચાર સુદ્ધાં નથી આવતો, કેમ? વિશ્વ બેંક દ્વારા 2021માં જાહેર કરવામાં આવેલા એક અહેવાલ પ્રમાણે ગુજરાતમાં રોજ રોડ એક્સિડન્ટમાં સરેરાશ 20 વ્યક્તિઓનાં મૃત્યુ થાય છે. સર્વે પ્રમાણે રોડ એક્સિડન્ટમાં મૃત્યુ પામનારા લોકોની યાદીમાં 22થી 35 વર્ષના યુવાનોની સંખ્યા સૌથી વધારે છે. આ આંકડાઓથી ચોક્કસ જ ચોંકી જવું જોઇએ. સુરત શહેર પોલીસ અત્યારે ટ્રાફિક સપ્તાહ ઉજવી રહી છે. સ્કૂલોમાં જઇ ટ્રાફિકનાં નિયમો શીખવી રહી છે, રસ્તા પર ઊભા રહી ટ્રાફિકનાં નિયમોનું પાલન કરાવી રહી છે પણ જ્યારે-જ્યારે ટ્રિપલ સીટ જતા ત્રણમાંથી એક યુવાનને સિગ્નલ પર ઉતરી જતા જોઉં છું, ચાર રસ્તા પર દંડ નહીં વસૂલવા માટે ટ્રાફિક પોલીસને કરગરતા યુવાનોને જોઉં છું, ત્યારે ચિંતા થઇ આવે છે. રોડ એક્સિડન્ટ ઘટે એ માટે સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપી શકે. પોલીસ રસ્તા પર ઊભા રહી દંડ ફટકારી શકે કે ટ્રાફિકનાં નિયમો સમજાવી શકે પણ બ્રેક પર પગ તો આપણે જ મૂકવો પડે. કોઇ આવે અને આપણને સીટબેલ્ટ પહેરાવી જાય એવું બનતું નથી હોતું. એ જાતે જ પહેરવો પડે છે. રોડ એક્સિડન્ટ ઓછા કરવા હોય તો એની શરૂઆત ઘરથી કરવી પડશે. જેવી રીતે ઘરનાં નિયમો હોય છે, એવી જ રીતે રસ્તાનાં નિયમો પણ હોય છે એવું સંતાનોને શીખવવું પડશે અને આપણે પણ શીખવું પડશે. જો તમે ઇચ્છતા હો કે રસ્તા પર તમારું સંતાન સલામત રહે તો બીજાનાં સંતાનને સલામત રાખવાની જવાબદારી તમારે પણ લેવી પડશે. તમારા સંતાનને બીજા સંસ્કારોની જેમ ટ્રાફિકનાં સંસ્કારો પણ આપવા પડશે. પોલીસના દંડમાંથી છટકવા જ્યારે સંતાન ફોન કરીને કહે કે પોલીસ સાથે વાત કરો ત્યારે ઓળખાણોની દુહાઇઓ આપવાને બદલે સોરી કહેવું પડશે અને સાથે ઉમેરવું પડશે કે મારા સંતાને નિયમનો ભંગ કર્યો હોય તો એને એવો કડક દંડ કરો કે બીજી વખત એને નિયમ ભંગ કરવાનો વિચાર ન આવે! રસ્તા પર ચૂરો થઇ ગયેલા સ્વજન અને વાહનને ફાટેલી આંખોએ જોવા કરતા ટ્રાફિકના નિયમો પાળવા અને પળાવવા વધારે સહેલાં છે, વિચારી જોજો! dadawalaesha@

અન્ય સમાચારો પણ છે...