શરીર પૂછે સવાલ:શું ઓપરેશનથી વર્જિનિટી પાછી મેળવી શકાય?

વનિતા વોરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રશ્ન : હું વર્જિનિટી ગુમાવી ચૂકી છું. જોકે હવે હું લગ્ન પછી નવેસરથી જીવનથી શરૂઆત કરવા ઇચ્છું છું. મેં સાંભળ્યું છે કે વર્જિનિટી ઓપરેશનથી પાછી મેળવી શકાય છે. શું આ વાત સાચી છે? એક યુવતી (અમદાવાદ) ઉત્તર : વર્જિનિટી મેળવવા માટે હાઇમેનોપ્લાસ્ટી નામની કોસ્મેટિક પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવે છે. હકીકતમાં આ સર્જરીમાં તૂટેલા હાઇમેન એટલે કે યોનિપટલનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે. આ સર્જરી એટલી જટિલ નથી. જોકે અન્ય કોઇ સર્જરી પછી મેડિકલ સમસ્યા થવાની શક્યતા હોય છે એટલી જ શક્યતા આ સર્જરી પછી છે. આમ, વર્જિનિટી પાછી મેળવવા માટે ઓપરેશન કરાવવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. બાળકી જ્યારે ગર્ભમાં હોય છે ત્યારે આ હાઇમેન બનવાની શરૂઆત થઈ જાય છે. સામાન્ય રીતે એવી માન્યતા છે કે જેનું હાઇમેન અખંડ હોય તે યુવતી વર્જિન હોય છે પણ એનો મતલબ એ નથી કે જે તૂટેલું હાઇમેન જાતીય જીવન માણ્યું હોવાની નિશાની છે. ઘણીવાર વધારે પડતી કસરત કરવાથી, સાયકલ ચલાવવાથી કે પછી બીજી કોઇ પ્રવૃત્તિથી હાઇમેન તૂટી શકે છે. આમ, આ મુદ્દાને વધારે પડતું મહત્ત્વ આપવાની ખાસ જરૂર નથી.

પ્રશ્ન : હું એક પરિણીત યુવક છું. મને થોડાક સમયથી એવું લાગે છે કે મારી ઇન્દ્રિય નાની થઈ ગઈ છે. ઉત્તેજના વખતે પણ એ નાની જ દેખાય છે. શું હું નપુંસક થઇ ગયો છું? મેં તો ડરથી સિગારેટ અને ગુટખા પણ છોડી દીધા છે. એક યુવક (મહેમદાબાદ) ઉત્તર : સૌથી પહેલાં તો તમારા મનમાંથી તમે નપુંસક થઈ ગયા છો એ વિચાર કાઢી નાખો. તમે મનથી શું વિચારો છો એ સેક્સલાઇફમાં ખૂબ જ મોટો ભાગ ભજવે છે. સિગારેટ અને ગુટકા ખાવાનું બંધ કરીને તમે બહુ સારું પગલું ભર્યું છે. ઘણી વાર વ્યસન છોડતી વખતે દેખાતાં વિડ્રોઅલ સિમ્પ્ટમ્સને કારણે પણ આવી તકલીફ જોવા મળે છે. તમારી તકલીફનું સાચું નિદાન થવું જરૂરી છે. મનમાં જે નપુંસકતાનો ડર ઘૂસી ગયો છે એ દૂર કરવા માટે ડોક્ટરની સલાહ લઇને એક-બે વાર વાયેગ્રાનો પ્રયોગ કરી જુઓ. ડોક્ટરની સલાહ પ્રમાણે દવા લીધા પછી હસ્તમૈથુન અથવા સમાગમ કરી જુઓ. એનાથી ઉત્તેજનામાં નોંધપાત્ર વધારો થશે. અત્યારે સૌથી અગત્યનું છે કે તમારો આત્મવિશ્વાસ પાછો આવે. એક વાર તમે સફળ જાતીય સંબંધ બાંધી શકશો તો મનની અડધી ચિંતા અને સ્ટ્રેસ ઘટી જશે. સેક્સલાઇફનો સૌથી મોટો દુશ્મન સ્ટ્રેસ છે. વ્યક્તિના જાતીય જીવન પર ખાનપાનની પણ અસર પડે છે. તમારા આહારમાં થોડો ફેરફાર કરો. દિવસમાં બે વાર એક ગ્લાસ ગાયના દૂધની અંદર એક ચમચી ગાયનું ઘી મેળવીને પીવાનું રાખો. આ સાથે અડદની દાળને બાફી એને ગાયના ઘીમાં લસણ, હિંગનો વઘાર કરીને અઠવાડિયામાં બેથી ત્રણ વાર ખાવાનું રાખો. પ્રશ્ન : મારા નજીકના ભવિષ્યમાં લગ્ન છે. હું આ લગ્નથી ખુશ છું પણ મને ફર્સ્ટ નાઇટથી બહુ ડર લાગે છે. મારે શું ધ્યાન રાખવું જોઇએ? એક યુવક (સુરત) ઉત્તર : લગ્ન વખતે માત્ર યુવતીઓને ચિંતા નથી થતી, યુવકોને પણ થાય છે. આ બહુ સ્વાભાવિક લાગણી છે. જ્યાં સુધી જાતીય સંબંધની વાત છે ત્યાં સુધી તમે સેક્સ વિશે વિચારી રહ્યા હોવ પરંતુ સામેવાળી વ્યક્તિની ઈચ્છા શું છે તે જાણવું ખૂબ જ જરૂરી છે. બની શકે છે કે, પહેલી રાત્રે તે સેક્સ માટે તૈયાર ના હોય અને તમે બંને થાકી ગયા હો. શક્ય છે કે પહેલીવાર તમે સમય કરતા પહેલાં ક્લાઇમેક્સ પર પહોંચી જાઓ. સમય અને પ્રેક્ટિસ સાથે બધું બરાબર થઇ જશે. તમારે લગ્ન પહેલાં ફિમેલ ઓર્ગેઝમ વિશે કેટલીક જાણકારી મેળવી લેવી જોઇએ. માન્યતા છે કે ફર્સ્ટ નાઇટના દિવસે જાતીય સંબંધ બાંધવો જરૂરી છે પણ આ સત્ય નથી. સત્ય તો તે છે કે ઘણા લોકો ફર્સ્ટ નાઇટમાં સેક્સ કરતા નથી. આમ તમારા પ્લાન પ્રમાણે બધું ના થાય તો નિરાશ થવાની જરૂર નથી. પ્રશ્ન : હું કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરું છું. દિવસમાં એકથી વધુ વખત માસ્ટરબેશન કરવાથી તંદુરસ્તી પર અસર પડી શકે? મેં આ અંગે મારા મિત્રો સાથે વાતચીત અને ઇન્ટરનેટ પર પણ રિસર્ચ કર્યું હતું, પણ સંતોષકારક જવાબ મળ્યો નહીં. મને પૂરતી દાઢી ન આવવી તે પણ તેનું જ એક લક્ષણ હોઈ શકે? એક યુવક (રાજકોટ) ઉત્તર : દરેક પ્રશ્નોના જવાબ તમારા મિત્રો અને ઇન્ટરનેટ પર મળી રહે તે જરૂરી નથી. તમારો પ્રશ્ન એવો છે કે જેના માટે યોગ્ય વ્યક્તિ એક ડોક્ટર કે સેક્સોલોજિસ્ટ હોઈ શકે. કોઈ પણ ખચકાટ રાખ્યા વિના તમે કોઈ ડોક્ટર કે સેક્સોલોજિસ્ટનો સંપર્ક સાધો. આ ઉંમરે માસ્ટરબેશનની આદત પડે તે સ્વાભાવિક છે, પણ એનો અર્થ એ નથી કે કોઈ પણ સ્ત્રોત પાસેથી જાણકારી મેળવવાનો પ્રયત્ન કરો. રહી વાત પૂરતી દાઢી ન આવવાની, તો તેમાં પણ હોર્મોન્સની વધ-ઘટ જવાબદાર હોય છે, જેનું યોગ્ય નિદાન અને ઉપચાર કોઈ સારો તબીબ કે પછી સેક્સોલોજિસ્ટ જ કરી શકે. ઘણી વખત ખોટી માહિતી સમસ્યામાં વધારો કરે છે એટલે તબીબી સલાહ લેવી ઇચ્છનીય છે. પ્રશ્ન : મારા લગ્નને આઠ વર્ષ થઇ ગયા છે. અમારા જીવનમાં નવીનતા લાવવા હું મારી પત્નીને જાતીય સંબંધો બાંધવામાં નવા પ્રયોગો કરવાનું સૂચન કરું તો એ એમાં બિલકુલ રસ નથી લેતી. તેને બીબાંઢાળ જાતીય જીવનમાં જ રસ છે જેના કારણે છેલ્લાં ઘણા સમયથી અમારા સંબંધોમાં સમસ્યા ઉભી થઇ છે. આ પરિસ્થિતિ પર કઇ રીતે કાબૂ મેળવું? એક યુવક (વડોદરા) ઉત્તર : તમે પહેલાં મનમાં મુંઝાવાને બદલે તમારી પત્નીને તમારી લાગણીને સ્પષ્ટ શબ્દોમાં જણાવો. જો આમ છતાં તેને શરમ અને સંકોચ નડતા હોય તો તમે પણ એ ક્યાં કારણોસર આવું વર્તન કરી રહી છે એ સમજવાનો પ્રયાસ કરો. પત્નીનાં મનમાં જે દુવિધાઓ હોય એ દૂર કરો. જાતીય જીવન અંગે યોગ્ય સમજ કેળવવા માટે અનુભવી અને સેન્સિબલ સેક્સોલોજિસ્ટનું કોઇ પુસ્તક સાથે વાંચો. જરૂર પડે તો સેક્સોલોજિસ્ટની સલાહ પણ લઇ શકાય. જો તમે પણ અકળાઇ જવાના બદલે તમારી તરફથી હકારાત્મક પ્રયાસ કરશો તો પરિસ્થિતિમાં ચોક્કસ ફેરફાર થશે.