શરીર પૂછે સવાલ:ડાયાબિટીસ હોય તો કેરી ખાઇ શકાય?

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રશ્ન : મારા દાદીને વર્ષોથી રોજ સવારે તાંબાના લોટામાં આખી રાત ભરી રાખેલું પાણી પીવાની ટેવ છે. શું આવું પાણી પીવાથી કોઇ ખાસ ફાયદો થાય છે? એક યુવક (સુરત) ઉત્તર : તાંબાની ધાતુને ખૂબ જ શુદ્ધ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે એમાં પાણી ભરી રાખવાથી પાણીમાં રહેલા કીટાણુ ખતમ થઈ જાય છે તેમજ તે આરોગ્ય માટે પણ ખૂબ લાભકારી છે. આર્યુવેદના નિષ્ણાતો પણ તાંબાના વાસણમાં પાણી પીવાની સલાહ આપે છે. રોજ તાંબાના વાસણમાં પાણી પીવામાં આવે તો તેનાથી શરીરમાં કોપરની કમી પૂરી થઈ જાય છે અને દિવસની શરૂઆત બહુ સારી રીતે થાય છે. તાંબાના વાસણમાં પાણી પીવાથી ડાયેરિયા, કમળો જેવી બીમારીઓથી દૂર રહી શકાય છે. અમેરિકાની એક કેન્સર સોસાયટી મુજબ તાંબાના વાસણમાં પાણી પીવાથી કેન્સર જેવા ભયાનક રોગને શરૂઆતમાં જ રોકી શકાય છે. તાંબાના વાસણમાં રોજ પાણી પીવાથી ગેસ, એસિડિટી અને કબજિયાત જેવી પરેશાનીઓ દૂર થઈ જાય છે. એનિમિયાના રોગીને તાંબાના વાસણમાં પાણી પીવાથી ખૂબ જ લાભ થાય છે. રાત્રે તાંબાના વાસણમાં પાણી મુકીને સવારે પીવાથી પાચન ક્રિયા ખૂબ સારી થાય છે. તાંબાના પાણીનો વધુમાં વધુ ફાયદો લેવા માટે પાણીને રાત્રે તાંબાના વાસણમાં ભરી દો અને સવારે ખાલી પેટે આ પાણી પીવો. તાંબાના વાસણમાં રાખવામાં આવેલ પાણી પીવાથી થાઇરોઇડ ગ્રંથિની કાર્યપ્રણાલી નિયંત્રિત રહે છે. તાંબાનું પાણી આ રોગ માટે અક્સીર ઉપાય છે. જો તમને સાંધાનો દુખાવો રહેતો હોય. પગમાં સોજો ચડી જતો હોય તો તાંબાના વાસણમાં રાખેલું પાણી તમને તેમાંથી છૂટકારો આપશે. જો તમે નિયમિતરૂપે તાંબામાં રાખેલું પાણી પીવો છો તો તમારી ત્વચાની ચમકમાં વધારો થાય છે. પ્રશ્ન : મને હાથ અને પગ પર સફેદ ડાઘ થઇ ગયા છે. મેં ઘણા ડોક્ટર્સને બતાવ્યું છે પણ કોઇ ખાસ પરિણામ નથી મળ્યું. આ સફેદ ડાઘની સારવાર કરવા માટે કોઇ ઘરગથ્થુ ઉપાય છે ખરો? એક યુવતી (સુરેન્દ્રનગર) ઉત્તર : શરીરના અલગ અલગ ભાગમાં થતા સફેદ ડાઘ જટિલ સમસ્યા છે અને આ ડાઘ સહેલાઇથી જતા નથી. મેલેનિન બનાવનારી કોશિકાઓ પર પ્રતિરોધકતાનો પ્રભાવ, અનુવાંશિકતા, વધારે પડતો તણાવ અથવા તો વિટામીન બી 12ની ઉણપ જેવા પરિબળોને કારણે સફેદ ડાઘ જેવી સમસ્યા થાય છે. આ ડાઘ દૂર કરવા માટે કેટલાક ઘરગથ્થુ ઉપાયો કરી શકાય. દિવસમાં 2-3 વાર કોપરેલથી મસાજ કરવાથી સફેદ ડાઘની સમસ્યા ઘટી શકે છે. લાલ માટીમાં પુષ્કળ પ્રમાણમાં તાંબુ જોવા મળે છે. એ મેલેનિનના નિર્માણ અને ત્વચાના રંગનુ પુન: નિર્માણ કરવામાં મદદરૂપ છે. લીમડો એક રક્તશોધક અને સંક્રમણ વિરોધી તત્ત્વોથી ભરપૂર ઔષધિ છે. લીમડાનાં પાનને છાશ સાથે વાટીને તેનો લેપ બનાવીને ત્વચા પર લગાવો. જ્યારે આ સંપૂર્ણ રીતે સૂકાઇ જાય તો તેને ધોઈ લો. આ ઉપરાંત લીમડાના તેલનો પ્રયોગ પણ કરી શકો છો. સરસિયાનાં તેલ સાથે હળદર પાવડરનો લેપ બનાવીને લગાવવો પણ લાભકારી છે. 1 વર્ષ સુધી આ પ્રયોગને સતત કરો. એપલ સિડર વિનેગારને પાણી સાથે મિક્સ કરીને સફેદ ડાઘ પર પર લગાવો. આનાથી પણ ફાયદો થઇ શકે છે. તુલસી એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી એજિંગ હોય છે. તેની પાંદડીઓ અને લીંબુનો રસ મેલાનિન બનાવવામાં કારગર હોય છે. મેલાનિનની ઉણપને લીધે જ સફેદ ડાઘ થતાં હોય છે. તેથી તુલસી અને લીંબુનો રસ ડાઘ પર લગાવી શકાય છે. જોકે આ ઘરગથ્થુ ઇલાજનું પરિણામ મળવામાં થોડો સમય લાગી શકે છે. પ્રશ્ન : મારા એક ફ્રેન્ડને હાલમાં મલ્ટિપલ માયલોમાની બીમારી થઇ છે? શું આ બીમારી બહુ ખતરનાક છે? આની સારવાર શક્ય છે ખરી? એક યુવતી (વડોદરા) ઉત્તર : મલ્ટિપલ માયલોમા બ્લડ કેન્સરનો એક પ્રકાર છે જે શરીરના પ્લાઝમા સેલ્સ પર અસર કરે છે. પ્લાઝમા શરીરની ઈમ્યૂન સિસ્ટમને બરાબર કાર્યરત રાખવાનું કામ કરે છે અને તે સામાન્ય રીતે બોનમેરોની આસપાસ હોય છે. સામાન્ય રીતે હેલ્ધી પ્લાઝમા ઈન્ફેક્શન સામે લડે છે અને એન્ટીબોડી પેદા કરે છે. જ્યારે મલ્ટિપલ માયલોમાના કિસ્સામાં કેન્સરગ્રસ્ત પ્લાઝમા સેલ્સ હેલ્ધી સેલ્સની ઉપર જમા થાય છે અને અસામાન્ય પ્રોટીન પેદા કરે છે જે ઈન્ફેક્શન સામે લડતાં નથી. આના કારણે ઈમ્યૂન સિસ્ટમ ક્ષતિગ્રસ્ત થાય છે સાથે જ હાડકાં નબળા પડે છે. જ્યારે મલ્ટિપલ માયલોમા શરીરમાં ફેલાવાનું શરૂ થાય છે ત્યારે સામાન્ય રક્તકણો, શ્વેતકણો અને પ્લેટલેટ્સ માટેની જગ્યા ઘટતી જાય છે. જેના કારણે શરીરમાં ઈન્ફેક્શન થાય છે. આ ઇન્ફેક્શનના કારણે વ્યક્તિ આંતરિક રીતે નબળી પડે છે અને તેનું સ્વાસ્થ્ય કથળતું જાય છે. મલ્ટિપલ માયલોમાનાં લક્ષણો ખૂબ ધીમે-ધીમે દેખાય છે માટે જ શરૂઆતના સ્ટેજમાં નિદાન થવું મુશ્કેલ છે. જો કે, કેટલાક ચોક્કસ ટેસ્ટ થાય છે જેની મદદથી મલ્ટિપલ માયલોમાનું નિદાન થઈ શકે. આ બીમારીમાંથી બહાર નીકળવા માટે કોઈ ચોક્કસ સારવાર હજી સુધી શોધી શકાઈ નથી. જોકે આધુનિક તબીબી વિકાસના પગલે હવે સારવારના એવા ઘણાં વિકલ્પો છે જે આ બીમારીનાં લક્ષણોમાંથી મુક્તિ અપાવાની ક્ષમતા ધરાવે છે. સ્ટેમ સેલ થેરપી, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ, ટ્રાયલ અને થેરાપી, ટ્રીટમેન્ટ પ્લાન વગેરે ડોક્ટરની સલાહ મુજબ જ કરાવા જોઈએ. જો કોઇ રોગથી મુક્તિ મેળવવી હોય તો સકારાત્મક માનસિકતા સાથે યોગ્ય રીતે સારવાર કરાવવી જોઇએ. માનસિક રીતે સકારાત્મક રહેવાથી સારું પરિણામ મળવાના ચાન્સ વધી જાય છે.

પ્રશ્ન : મને છેલ્લા ત્રણ વર્ષથી ડાયાબિટીસ છે. મને કેરી બહુ ભાવે છે. શું ડાયાબિટીસ હોય તો કેરી ખાઇ શકાય? એક મહિલા (અમદાવાદ) ઉત્તર : કેરીમાં શુગર હોય છે એ વાત સાવ ખોટી નથી. એક સ્ટ્રોબેરી કરતાં એક કેરીમાં 3 ગણી વધારે શુગર હોય છે પણ એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઘણો ઓછો છે. જો કેલરી અને શુગરને ધ્યાનમાં રાખીને તમે કેરી નથી ખાતા તો એમાંથી મળતા અઢળક ન્યુટ્રિશનથી પણ વંચિત રહી જાઓ છો. ડાયાબિટીસ હોય તો તમારે પ્રોસેસ ફૂડથી દૂર રહેવું જોઇએ. કેરી કુદરતી ખોરાક છે અને ડાયાબિટીસનો દર્દી સમજીવિચારીને એનું સેવન કરી શકે છે. કેરીને ક્યારેય જમવા સાથે ન ખાવી, કારણ કે જમવામાં તો તમે કેલરી ખાઈ જ રહ્યા છો એની સાથે કેરીની કેલરીનું કોમ્બિનેશન ન કરવું. રાતે કેરી ન ખાવી. ઘણા લોકો એવા હોય છે કે ખાવા બેસે તો 3-4 કેરી એકસાથે ખાઈ જાય છે. દરરોજ એક કેરી ખાવી યોગ્ય છે. જો તમે ઇન્સ્યુલિનનાં ઇન્જેક્શન લેતા હો અથવા તમારી બહુ વધારે હોય તો કેરી ખાતાં પહેલાં ડોક્ટરની સલાહ જરૂરી છે. દરેક વસ્તુ નિયત પ્રમાણમાં ખાવામાં આવે તો કોઇ સમસ્યા નથી થતી. જ્યારે અતિરેક થાય છે ત્યારે જ બધી સમસ્યાઓ થવાની શરૂઆત થાય છે.

અન્ય સમાચારો પણ છે...