તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બ્યૂટી:ખાંડથી સ્ક્રબ કર્યા પછી ચહેરો સુંદર બની શકે ખરો?

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રશ્ન : મને લાંબા વાળનો બહુ શોખ છે પણ મારા વાળ બહુ ધીમે ધીમે વધે છે. વાળ ઝડપથી વધે એ માટે શું કરવું? એક યુવતી (સુરત) ઉત્તર : આજકાલ વાતાવરણમાં વધી રહેલાં પ્રદૂષણના કારણે ઘણી વ્યક્તિઓ ખરતા વાળની સમસ્યાથી પીડાઇ રહી છે. જોકે કેટલાક ઘરેલુ ઉપાયો છે જેની મદદથી વાળને પોષણ આપી શકાય છે. જો વાળને સારું પોષણ મળતું હશે તો એ ઝડપથી વધશે. એક વાસણમાં થોડા ચોખા અને ત્રણથી ચાર વાટકી પાણી નાખો. આ પાણી ઊકળવા લાગે તો તેમાં સંતરાની છાલ પણ નાંખો. ચોખાનું પાણી ઘટ્ટ થઇ જાય ત્યારે આ પાણીને ગાળી લો અને ઠંડું થવા દો. હવે આ પાણીથી વાળને સારી રીતે ધોઇ લો અને 15 મિનિટ સુધી રહેવા દો. ત્યાર પછી વાળને શેમ્પૂથી ધોઇ લો. ચોખાનાં પાણીમાં રહેલું ઇનોસિટોલ વાળને મજબૂત બનાવશે અને વાળ સિલ્કી બનશે. આ ઉપાય કરવાથી વાળ ઝડપથી વધશે. પ્રશ્ન : મને પીઠ પર વારંવાર ખીલ થઇ જાય છે. આના કારણે મારી પીઠ પર ડાઘ પડી જાય છે. હું આ સમસ્યાથી કંટાળી ગઇ છું. આ ખીલ ન થાય એ માટે શું કરવું? એક યુવતી (વડોદરા) ઉત્તર : જો પીઠ પર વારંવાર ખીલ થતા હોય તો એની પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. જોકે કેટલાક ઉપાય કરવાથી આ સમસ્યાને દૂર કરી શકાય છે. આ સમસ્યા દૂર કરવા માટે જાયફળનો પાઉડર લો અને તેમાં એક ચમચી મધ તેમજ તજનો પાઉડર મિક્સ કરો. બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરો અને તેને ખીલવાળી જગ્યા પર લગાવો પછી પાણીથી ધોઈ લો. નિયમિત રીતે આ ઉપાય કરવાથી ફાયદો થાય છે. આ સિવાય ડુંગળીમાં એન્ટિ ઈન્ફ્લેમેટરી અને એન્ટિ વાયરલ ગુણ હોય છે એટલે એનો ઉપયોગ પણ ખીલની સારવાર માટે કરી શકાય છે. બે સફેદ ડુંગળી લો અને એનો રસ કાઢો. આ રસમાં લીંબુનો રસ તેમજ મધ મિક્સ કરો. આ માસ્કને ખીલ પર લગાવો. આ માસ્કને 15થી 20 મિનિટ સુધી રાખીને ધોઇ લો. આ માસ્ક નિયમિત રીતે લગાવવાથી ખીલની સમસ્યા દૂર કરી શકાય છે.

પ્રશ્ન : મારી એક મિત્ર ચહેરાને સુંદર લુક આપવા માટે નિયમિત રીતે ખાંડની મદદથી સ્ક્રબિંગ કરે છે. આનાથી ખરેખર ફાયદો થાય છે? એક યુવતી (અમદાવાદ) ઉત્તર : ચહેરાની સુંદરતાને વધારવા માટે નિયમિત રીતે સ્ક્રબિંગ કરવું જરૂરી છે. સ્ક્રબિંગથી ત્વચા પર જામેલું તેલ અને કચરો સાફ થાય છે અને બ્લડ સરક્યુલેશન સુધરે છે. ઘરે ખાંડની મદદથી આ હોમ મેડ સ્ક્રબ બનાવી શકાય છે. આ સ્ક્રબ બનાવવા માટે એક વાટકીમાં એક એક ચમચી મધ અને ખાંડ લઇને મિક્સ કરો અને તૈયાર પેસ્ટથી ચહેરા પર પાંચ મિનિટ સુધી સ્ક્રબ કરો. જો ત્વચા ટેન થઇ ગઇ હોય તો પણ ખાંડનાં સ્ક્રબથી ફાયદો થશે. આ સ્ક્રબ બનાવવા માટે એક ચમચી ખાંડમાં 2 ચમચી લીંબુનો રસ મિક્સ કરો. આ મિશ્રણથી ચહેરા પર પાંચ મિનિટ સુધી સ્ક્રબ કરો અને પછી પાણીથી ચહેરો સાફ કરી લો. આનાથી ટેન થયેલી ત્વચા રિપેર થશે અને ચહેરા પરના ડાઘ અને પિગ્મેન્ટેશન દૂર થશે.

અન્ય સમાચારો પણ છે...