લઘુનવલ:‘બટ નાઉ નો મોર, આ વીકમાં કંઇ પણ કરીને વૈદેહીને હું ઘરબહાર કરવાની!’

22 દિવસ પહેલાલેખક: કિન્નરી શ્રોફ
  • કૉપી લિંક
  • રસ્તા પર આવી જવાની શક્યતાએ આસિતાને હચમચાવી દીધી. વૈદેહીના શબ્દો પડઘાયા: એક દિવસ આપણાં પલડાં ઇશ્વર સરખા કરશે!

(પ્રકરણ:7) આજે મારી પ્રેગનન્સીને પોણા બે મહિના થયા, અજ્જુ! આ સુખ તમારી સાથે કઇ રીતે વહેંચુ? ના, હું શ્વસું છું એનો અર્થ જ એ કે તમે પણ ક્યાંક તો છો જ... જ્યાં હો ત્યાંથી ઝટ પાછા વળો, અજ્જુ, નહીં તો અમે બેઉ તમારાથી કિટ્ટા થઇ જશું... ના, બે નહી ત્રણ! ત્રીજો તમારો લાડલો યશવીર. સવારે ઉઠતા, સ્કૂલેથી આવતા એનો પહેલો સવાલ આ જ હોય..અજ્જુ આવ્યો? એ હિજરાય છે, હો અજ્જુ. ગયા અઠવાડિયે માંદો ય રહ્યો. આવવામાં એટલું ય મોડું ન કરતા અજ્જુ કે અમારો આશમિનાર ધ્વસ્ત થઇ જાય. અને વૈદેહી રડી પડી. *** નણંદને ઘરમાંથી કેમ કાઢવી? વળી આસિતાની ભીતર ઘમ્મરવલોણું શરૂ થઇ ગયું છે. બળેવના દિવસે નણંદ-નણદોઇ બાબત પતિની ચેતવણીની કળ વળે ત્યાં અજ્જુના એક્સિડન્ટની દુર્ઘટનાએ આસિતા પોતે સહેમી ગયેલી પણ છેવટે તો એણે નણંદને કદી પોતાની ગણી ન્હોતી, અને પારકાનું દુ:ખ કેટલા દહાડા કનડે? એમાંથી મુક્ત થતા જ આસિતાનો મૂળભૂત સ્વભાવ માથુ ઉંચકવા લાગેલો. એમાં વળી વૈદેહી ગર્ભવતી હોવાના ખબરે સુવાવડ પોતે કરવી પડશે એની ફાળ પડી. અરે, વૈદેહીના સાસુ તો બિચારા પહેલા દિવસથી એને ઇડર લઇ જવા તૈયાર, પણ હાર્દિકભાઇસાહેબ માનવા જોઇએને! જાણે વરજીમાં આટલો ભગિનીભાવ ક્યાં છૂપાયો હતો! બટ નાઉ નો મોર. આજકાલ કરતા વૈદેહીની પ્રેગનન્સીને પોણા બે મહિના થયા. આ વીકમાં કંઇ પણ કરીને વૈદેહીને હું ઘરબહાર કરવાની! આ દિશામાં વિચારતાં આસિતાના દિમાગમાં પ્લાન ઝબક્યો. *** વૈદેહીના સાસુને મિસકોલ મારી આસિતા ડાઇનિંગ હોલ તરફ વળી. હાર્દિક-વૈદેહી-યશ ડિનર માટે ગોઠવાઇ ચૂકેલાં, રસોઇઘરના સ્ટાફે પ્લેટ્સ સજાવી દીધેલી. આજે તો સ્પેશ્યલ ડિશિસ બનાવડાવી છે...’ આસિતાના ટહુકા સામે વૈદેહીએ અધિરાઇ ઉછાળી, ‘જલ્દી સર્વ કરો ભાભી, ભૂખ લાગી છે.’ હાર્દિક જોકે ગંભીર જ રહ્યો. એનું કારણ અલગ હતું. બહેન પર તૂટેલા પહાડ જેવા દુ:ખની તાણ ખરી, પણ નિરાધાર બનેલ બેનની, એના આવનારા સંતાનની કાળજી રાખવા પોતે કટિબધ્ધ હતો એટલે અત્યારે એની પજવણી નહોતી. હાર્દિકની પરેશાનીનું કારણ હતી ઇલેક્ટ્રિક બાઇકને લગતી દુર્ઘટનાઓ! પાછલા અઠવાડિયામાં દેશભરમાં અલગઅલગ જગ્યાએ બાઇક આપોઆપ સળગી ઉઠવાના કુલ ચૌદ જેટલા બનાવ નોંધાયા હતા. ત્રણ કિસ્સામાં તો ચાલક ગંભીરપણે દાઝ્યા પણ છે. સમાચારમાં હજુ સુધી નહીં ઝળકેલી બાતમી એ છે કે આ તમામ બાઇકસ કહો કે સ્કુટર ક્રિશ્ના કંપનીના છે! અલબત્ત, કંપનીએ ડેમેજ ક્ન્ટ્રોલના પ્રયાસો હાથ ધર્યા છે, પણ આ બધું ક્યાં સુધી મીડિયાથી છૂપું રહેશે ને ખબર જાહેર થતા જ કિશ્નામાં કડાકો આવ્યો તો મારે તો બારે વહાણ ડૂબવા જેવું થશે... આની ચિંતામાં ભોજન કોને ભાવે? ‘જુઓ, આજે તમને બહુ ભાવતું કાઠિયાવાડી મેનુ રાખ્યું છે...’ પત્નીના સાદે હાર્દિકને ઝબકાવ્યો. અમસ્તી ડોક ધુણાવી ત્યાં ડાઇનિંગ ટેબલ પર પડેલો આસિતાનો મોબાઇલ રણક્યો. ‘અરે વાહ, તારા સાસુનો ફોન!’ જાણે ગોદાવરી આંટીએ મિસકોલના જવાબમાં નહીં, પણ સામેથી ફોન કર્યો હોય એવું દાખવી આસિતાએ કોલ રિસિવ કર્યો, ‘કેમ છો, આંટી! આ તમારી વહુની થાળી કરી કે તમારો ફોન આવ્યો!’ સામેવાળાને બોલવાનો મોકો આપ્યા વિના આસિતાએ પોતે જે જણાવવું હતું એ મુદ્દો લઇ લીધો, ‘તમે પણ ચાલો જમવા! આજે કાઠિયાવાડની વાનગીઓ છે...તીખો અને તમતમતો વેંગણનો ઓળો, પપૈયાની છીણ તો વૈદેહીની ફેવરિટ...’ આટલું બોલી એમાં સામેથી ધાર્યો પ્રત્યાઘાત આવ્યો, ‘રોક, વૈદેહીને કોળિયો ભરતા રોક!’ એમના ચીસ જેવા સ્વરે વૈદેહી-હાર્દિક ડઘાયા. ‘શું થયું, આંટી?’ આસિતાએ અણસમજુની જેમ પૂછતા ગોદાવરીબહેનનો ગુસ્સો ફાટ્યો, ‘હજુય પૂછે છે, શું થયું! અરે, ગર્ભવતી સ્ત્રીને વેંગણ-પપૈયું ગરમ પડે, આ દિવસોમાં તો બચ્ચું પડી ય જાય, એ તને નથી સમજાતું? કોણ કહે તું એક દીકરાની મા છે?’ વૈદેહીએ ભડકીને થાળી દૂર કરી. આસિતાએ સાદ ગળગળો કર્યો, ‘સોરી, આંટી, પણ મારા વખતે તો હાર્દિકના મમ્મી હતા એટલે એ જ જોઇ લેતા, સાસુમા જેટલો સૂઝકો મને ન જ પડે! આ દિવસોમાં ઘરમાં કોઇ વડીલ જોઇએ.’ ‘એમને કહે, તમે આવી જાઓ થોડા દિવસ.’ પતિ આવું જ કંઇક કહેશે એની ખાતરી હતી, એટલે ઇનકારનું કારણ તૈયાર હતું, ‘આંટી તો આવી જાય, પણ પછી અંકલ ત્યાં એક્લા ન પડે? અને બેઉ આવે તો છ-સાત મહિના ઘર ઓછું રેઢું મૂકાય! આટલુ તો એ લોકો દીકરાને ત્યાં નથી રોકાણા... ’ ‘તારી વાત સાચી છે, આસિતાવહુ.’ ગોદાવરીબહેને આસિતાની ગણતરી સીધા અર્થમાં જ લીધી, ‘અમે તો નહીં આવી શકીએ, પણ તમે વૈદેહીને મૂકી જાવ... હું એની સંભાળ રાખીશ. હવે તો ઇડરમાં પણ અદ્યતન મેટરનિટી હોમ્સ છે, એટલે સુવાવડમાં ય વાંધો નહીં આવે.’ વૈદેહીને તો આમેય સાસરે જવાનો વાંધો નહોતો. અજ્જુના ખબર મળશે એમ માની સુરત રોકાયેલી. ભાઇનો પણ ખૂબ આગ્રહ હતો, પણ આજના બનાવ પછી વડીલની છત્રછાયા જરૂરી બની ગઇ છે... ‘ભલે, મા, હું એક બે દિવસમાં ઇડર આવી જાઉં છું...’ હા...શ! આસિતાએ અનુભવેલો હરખ પતિની અનુભવી નજરથી છૂપો ન રહ્યો. વૈદેહી-યશવીરના નીકળ્યા બાદ એણે હળવેથી આસિતાનો મોબાઇલ ચેક કર્યો. એની આશંકા સાચી ઠરી. ગોદાવરીબાએ એમ જ ફોન ન્હોતો જોડ્યો, પત્નીના મિસકોલના જવાબમાં એકદમ પરફેક્ટ ટાઇમે રિંગ રણકાવી હતી! ‘સો ઇટ વોઝ પ્લાન્ડ!’ હાર્દિકે વધુ કંઇ ન કહેતા એટલુ જ કહ્યું...તું નહીં સુધરે! બસ, આટલું જ? આસિતાનો શ્વાસ હેઠે બેઠો: ઠીક છે ને, પતિદેવે જે માનવું હોય એ માને! મારે નણંદ જવાની એ પૂરતું છે! અને બીજી સવારે શુભ મૂરતમાં વૈદેહી આયા-ડ્રાઇવરના સથવારે કારમાં ઇડર જવા નીકળી કે સુરતમાં પહેલી બાઇક સળગી. *** ‘આવ, વહુબેટા!’ વૈદેહીને આવકારતા માવતર ભાવવિભોર બન્યા. વૈદેહીની નજર મેડી પર ગઇ. ત્યાંની બારીમાંથી અજ્જુ હાથ હલાવતો લાગ્યો. વૈદેહીને એકાએક સઘળું ગમતીલું લાગવા માંડ્યુ. *** રોહિણી રાજગુરુ. વૈદેહી ઇડર પહોંચ્યાની ત્રીજી બપોરે આસિતાનો ફોન રણક્યો. સામા છેડે અમારા શૉરૂમના ઉદ્ઘાટનમાં આવેલી ટીવી એક્ટ્રેસ છે એની ખુશીમાં ઝૂમતા કોલ રિસીવ કર્યો. રોહિણીને મારું ચાર લાખનું પટોળું બહુ ગમેલું... ક્યાંથી લીધું એવું જ કંઇક જાણવું હશે! એ સિવાય તો રોહિણીને વળી મારું શું કામ હોય! પણ ના, વાત ભળતી જ નીકળી. હાય-હલો પતાવી રોહિણી મૂળ મુદ્દે આવી, ‘આસિતાજી, મે હમણાં જ એક ગુજરાતી મૂવી સાઇન કરી છે, એના શૂટિંગ માટે યુનિટ ડુમસ રોકાયું છે, મોટાભાગનું શૂટ કાંઠા વિસ્તારમાં થશે. મહિનાનું શેડ્યુલ છે, મને ટીવી શૂટમાંથી સામટી રજા નહીં મળે, એટલે આવતી-જતી રહીશ...’ ‘ઓકે’ ‘તમને તકલીફ એટલા માટે આપી ભાભી કે આઉટડોર શૂટિંગમાં થોડા લોકલ કલાકારો લઇએ તો બજેટ જળવાઇ જાય... આવો જ એક નાનકડો રોલ છે.’ આટલું સાંભળતા આસિતા હવામાં ઉડવા લાગી. હું ગમે તેવા રોલ માટે તૈયાર છું એવું કહેવું હતું ત્યાં... ‘મારા એક કોલેજ ફ્રેન્ડની ભૂમિકા છે.’ ઓ...હ, આ તો કોઇ જેન્ટ્સ આર્ટિસ્ટ માટે એ પૂછતી લાગે છે! ‘યુ નો, સુરત આવ્યા એટલે મે મારી લાસ્ટ વિઝિટનો એક્સપિરિયન્સ ડાયરેક્ટર સાહેબ જોડે શેર કર્યો, ત્યારના ફોટોગ્રાફ્સ દેખાડ્યા, એમાં એક જુવાન એમને ગમ્યો, આપણા ગ્રુપ ફોટામાં એના પર સર્કલ કરી તમને વૉટ્સએપ કર્યુ છે, એનો કોન્ટેક્ટ કરાવી આપશો?’ અને રોહિણીએ મોકલેલો ફોટો જોતા આસિતાના હોઠ વંકાયા: આ તો અજ્જુ! ફંક્શનમાં એને-વૈદેહીને આટલા સાઇડટ્રેક રાખ્યા, ફોટામાં ય બેકગ્રાઉન્ડમાં રહેલો અજ્જુ જ દિગ્દર્શકની આંખે ચડ્યો એની બળતરા પણ થઇ. ‘મારા ખ્યાલથી એ તમારો ડ્રાઇવર કે એમ્પલોઇ હતો... યુ નો, અત્યારે અમે દરિયે શૂટ માટે જ બેઠા છીએ, ઇફ હી કેન જોઇન...’ ‘નો, હી કાન્ટ.’ અજ્જુ અમારો જમાઇ છે એવું કહીએ તો ભૂંડા ઠરીએ, એટલે એનો ફોડ પાડ્યા વિના આસિતા બોલી ગઇ, ‘િબકોઝ હી ઇઝ નો મોર.’ હેં! સામા છેડે રોહિણી આંચકો ખાઇ ગઇ. આવો જુવાનજોધ આદમી આગમાં ભૂંજાઇ ગયાનું જાણી દુ:ખ થયું. દિગ્દર્શક નિમેષ શાહને કહેતા એણે ય હળવો આઘાત અનુભવ્યો. ત્યારે, એમની બેઠક નજીક ઉભેલા કોસ્ટગાર્ડના કર્મચારી સતીશના ચિત્તમાં જુદી જ ઝણઝણાટી થતી હતી. દરિયામાં શૂટિંગ માટે યુનિટે કોસ્ટગાર્ડ ટીમને તેડાવી હતી. મેડમનો ફોન ચાલુ હતો ત્યારે પોતે એમની બાજુમાં જ હતો. ફોટામાં દેખાડેલો જુવાન દેખાવડો હતો જ, ફોન પતાવી મેડમે કહ્યુ કે આ જુવાન મૃત્યુ પામ્યો છે, પણ મને કેમ એવું લાગે છે કે એને મેં હમણાં જ ક્યાંક જોયો છે... પણ ક્યાં? ક્યારે? કે પછી આ મારી ભ્રમણા જ હશે? ફોટામાં જોયેલા માણસને રૂબરૂ મળ્યા હોઇએ એવો ભાસ ઘણીવાર થતો જ હોય છે ને, આ પણ એવું જ હશે? કોને ખબર! શૂટિંગનો કોલ આવતા સતીશે વિચાર સમેટી લીધા. *** ‘બોલો, રોહિણીને મોટી રકમનો ચાંલ્લો આપણે કર્યો, પણ તમને શૂટિંગમાં તેડાવાને બદલે મેડમની નજર અજ્જુ પર ઠરી! વાહ રે.’ રાતે ઘરે આવેલા પતિ સમક્ષ દાઝ ઠાલવતી આસિતાથી ત્રાસ થતો હોય એમ હાર્દિક બરડ્યો, ‘ઇનફ, આસિતા! તારું ધ્યાન, તારી એનર્જી અજ્જુ-વૈદેહીને ભાંડવામાં જ વપરાય જાય છે એટલે આજુબાજુ બીજું શું થઇ રહ્યું છે એની તને ગતાગમ જ નથી પડતી.’ હાર્દિકે ફરી આજે અવાજ ઉંચો કર્યો! આસિતા સમસમી ગઇ, ‘બેન-બનેવીનું તો કેવું ચચરે છે તમને! બોલો તો, એવો તે કયો પહાડ તૂટી પડ્યો?’ ‘પહાડ? અરે, હિમાલય તૂટ્યો... આસિતા, બરબાદ થઇ ગયા આપણે!’ દિવસોથી હાર્દિકની ભીતર ગંઠાયેલો આક્રોશ, વેદના ફાટી પડી. ઇલેક્ટ્રિક બાઇક સળગવાના સુરતમાં બે કિસ્સા બન્યા પછી કિશ્ના બ્રાન્ડનું તલકાદીપણું જગજાહેર બન્યું. કંપનીએ બેટરી મેન્યુફેક્ચરર પર દોષનો ટોપલો ઢોળી હાથ ખંખેરી નાખતા ગ્રાહકોનો રોષ ફાટ્યો એમાં હાર્દિક જેવા ડિસ્ટ્રિબ્યુટર્સનો મરો હતો. ગ્રાહકો તરફથી રિપ્લેસમેન્ટનું દબાણ, કંપનીની માલ લેવા તૈયાર નહીં અને પૈસાની ઉઘરાણી બન્ને બાજુથી... આમાં હાર્દિક જેવા ધંધામાં નવા વેપારી માટે સર્વાઇવ થવું અસંભવ હતું. બાઇકના શૉરૂમ માટે રમકડાની ફેક્ટરી ગિરવે મૂકેલી એટલે બાવાના બેઉ બગડવા જેવો ઘાટ હતો. રસ્તા પર આવી જવાની શક્યતાએ આસિતાને હચમચાવી દીધી. વૈદેહીના શબ્દો પડઘાયા: એક દિવસ આપણાં પલડાં ઇશ્વર સરખા કરશે! ગઇકાલના શબ્દો આજે હકીકત બન્યા એ વાસ્તવિકતા કેમ જીરવાશે? (ક્રમશ:)

અન્ય સમાચારો પણ છે...