તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મીઠી મૂંઝવણ:દિલમાં ભાઇનો ભાઇબંધ વસી ગયો છે...

મોહિની મહેતાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રશ્ન : હું 25 વર્ષની પરિણીતા છું. મને અઢી વર્ષનો દીકરો છે. મારા સાસુ અને સસરા બંને સરકારી નોકરીમાંથી નિવૃત થયેલા છે. હું મારા દીકરાના જન્મ પહેલાં નોકરી કરતી હતી પણ છેલ્લા ત્રણેક વર્ષથી ઘરે છું કારણ કે અમે સાથે રહેતા હોવા છતાં મારા સાસુએ મારા સંતાનની જવાબદારી લેવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. તેઓ મારા દીકરાને પિયરમાં રાખવાની પણ ના પાડે છે. મારે ફરી નોકરી ચાલુ કરવી છે પણ આ મામલામાં મારા પતિ પણ મને ટેકો નથી આપી રહ્યા જેના કારણે મને બહુ હતાશા અનુભવાય છે. મારે શું પગલું ભરવું જોઈએ? એક મહિલા (વડોદરા) ઉત્તર : ધીરજ જાળવવામાં દરેક સમસ્યાનો જવાબ રહેલો હોય છે. નાનું બાળક હોવા છતાં પણ મહિલા સારી રીતે તો જ નોકરી કરી શકે જો તેને પતિ અને પરિવારનો પુરેપુરો ટેકો હોય. તમારી પરિસ્થિતિ અલગ છે. આ સંજોગોમાં ધીરજ જાળવવી એ જ સારો ઉકેલ છે. તમે પહેલાં પણ જોબ કરતા હતા એટલે પ્રોફેશનલ જીવનની પરિસ્થિતિથી વાકેફ છે. હાલમાં તમારો દીકરો નાનો છે અને ઘરે હોવાથી જે તમને થોડોઘણો સમય મળે છે એનો ઉપયોગ તમારી સ્કિલને ધારદાર બનાવવામાં અને નવીનવી વસ્તુ શીખવા માટે કરો. થોડાં સમય બાદ તમારો દીકરો શાળાએ જવા લાગશે ત્યારે તેની સંભાળ માટે તમે કોઈ હેલ્પર રાખી શકો છો. તેનાથી તમારી સાસુને કોઈ વાંધો નહીં હોય. દીકરાની વ્યવસ્થા થતાં તમે ફરી નોકરીએ પણ જઈ શકશો. પ્રશ્ન : હું અને મારો પ્રેમી છેલ્લા ત્રણ વર્ષથી રિલેશનશિપમાં છીએ. જોકે છેલ્લા કેટલાક મહિનાથીઓથી તેનું વર્તન એકદમ વિચિત્ર થઈ ગયું છે. હું જ્યારે પણ ફોન કરું ત્યારે તેનો ફોન બિઝી આવે છે. અમારી વાતચીત ચાલતી હોય ત્યારે તેને અચાનક કોઈકનો ફોન આવે અને તે ફોન કટ કરી દે છે. અમે ક્યારેક મળીએ તો મુલાકાત પહેલાં તેણે ફોનની કોલ-હિસ્ટરી ક્લિયર કરી નાખેલી. મેં તેને આ વિશે પૂછ્યું તો કહ્યું કે તેના ફોનમાં વાઇરસ ઘૂસી ગયો હોવાથી તેણે જસ્ટ ફોન ફોર્મેટ કર્યો છે. મને તે મારી સાથે છેતરપિંડી કરતો હોય એમ લાગે છે તો મારે મારી શંકાનું સમાધાન કઈ રીતે કરવું? એક યુવતી (રાજકોટ) ઉત્તર : મોબાઇલ ફોન રિલેશનશિપ્સ બાંધવામાંની સાથે તોડવામાં પણ બહુ મહત્ત્વનો રોલ ભજવે છે. જો તમે ખરેખર તેને પ્રેમ કરતાં હો તો ડિજિટલ ડિટેક્ટિવ બનવાનું બંધ કરો. વ્યક્તિ પ્રેમમાં હોય ત્યારે તેને અસલામતિની લાગણી સતાવે એ સ્વાભાવિક છે. જો તમને પણ આવી અસલામતી રહ્યા કરતી હોય તો આ સંબંધમાં આગળ વધતાં પહેલાં જરા બ્રેક મારો. તમારી જે શંકા છે એ વિશે સીધો સવાલ કરીને જ સમાધાન કરી લો. એક આંખમાં શંકા અને બીજી આંખમાં પ્રેમ એમ મિશ્ર લાગણીઓ સાથે જીવનભરનો સંબંધ બાંધવાનો નિર્ણય ન લેવાય. તમે તમારી આ લાગણી તમારા પ્રેમીને શાંત ચિત્તે સ્પષ્ટ શબ્દોમાં જણાવો અને તમારી લાગણી વિશે ચર્ચા કરો. આટલું કર્યાં પછી પણ તમને તમારા પ્રેમીનું વર્તન શંકાસ્પદ લાગે તો આ સંબંધનો અંત લાવી દેવામાં જ ભલાઇ છે. પ્રશ્ન : હું ત્રીસ વર્ષની મહિલા છું. હું હાલમાં જ પ્રેગનન્ટ થઈ છું. મારા ગુડ ન્યૂઝ સાંભળીને મારા સાસુએ મને તરત માથું ધોવાની મનાઈ ફરમાવી દીધી છું. હવે મને સાત મહિના પછી જ માથું ધોવાની પરવાનગી મળશે. આ વાત જાણીને હું અડધી ડિપ્રેસ થઈ ગઈ છું. મને તો અઠવાડિયામાં બે વાર માથું ધોવાની આદત છે તો આ હાલમાં હું પાંચ મહિના સુધી કઈ રીતે માથું ધોયા વગર રહી શકીશ. મારે મારા ઘરનો આ રિવાજ બદલી નાખવો છે પણ હું તેમની લાગણીને દુભવવા પણ નથી માગતી. મારે કેવું વલણ અપનાવવું જોઈએ? એક યુવતી (વેરાવળ) ઉત્તર : ગર્ભાવસ્થામાં માથું ન ધોવાય એ બહુ જૂની પરંપરા છે અને ઘણાં પરિવારોમાં આ પરંપરાને માતાજીના આશિષ સાથે જોડી દેવામાં આવી હોવાના કારણે આધુનિક પુત્રવધુઓ પણ કચવાટ વગર પાલન કરતી હોય છે. જોકે આ નિર્ણય વ્યક્તિગત અને પર્સનલ હાઇજિન સાથે જોડાયેલો હોવાના કારણે અનેક સગર્ભાઓ કચવાટ સાથે પણ નિયમ નિભાવતી હોય છે અથવા તો પરિવારથી ચુપચાપ પોતાનું ધાર્યું કરી લેતી હોય છે. હકીકતમાં ગર્ભાવસ્થા કોઈ રોગ નથી જેમાં જાત-જાતની પરેજી પાળવી પડે. જે સ્ત્રી ગર્ભાવસ્થામાં હોય તેણે પહેલાં તે જે રીતે એક નોર્મલ લાઇફ જીવતી હતી એ જ રીતે જીવવી જોઈએ. જેમ કે રોજબરોજનું કામ કરવું. તેમ જ તે માથું પણ ધોઈ શકે છે. માથું ન ધોવા પાછળ કોઈ સાયન્ટિફિક કારણ નથી. વિજ્ઞાન અને શ્રદ્ધા બે સાવ જુદા વિષય છે. બન્નેનું અનુસરણ કરવાવાળો વર્ગ પણ અલગ જ છે. શ્રદ્ધા બહુ મોટી વસ્તુ છે. જો શ્રદ્ધા હોય તો મુશ્કેલીવાળું કામ આરામથી થઈ જાય અને જો ન હોય તો શ્રદ્ધા અંધશ્રદ્ધામાં ફેરવાતાં વાર નથી લાગતી. તમારે તમારા ઘરના વડીલો સાથે બેસીને આ વાતની ચર્ચા કરવી જોઈએ અને વાતચીત અને તાલમેલ દ્વારા એકબીજાની લાગણી દુભાય નહીં એવો ઉકેલ લાવવો જોઈએ બાકી પેઢીઓથી આવતી પરંપરા માત્ર વિરોધ કરીને બદલવાનું શક્ય નથી.

પ્રશ્ન : મારી ઉંમર 24 વર્ષની છે અને હવે મારા પરિવારજનો લગ્ન માટે સક્રિય બન્યા છે. હાલમાં મારા માટે છોકરાઓ જોવાનું ચાલી રહ્યું છે. મેં લગભગ આઠથી નવ છોકરા જોયા છે પણ મને દરેકમાં કંઈકને કંઈક ખામી દેખાય છે. હકીકતમાં મારા મનમાં મારા ભાઈનો ખાસ ફ્રેન્ડ વસેલો છે પણ આ વાત પરિવારમાં કહેવાની મારામાં હિંમત નથી. અમે બંને એકબીજાના સંપર્કમાં છીએ પણ હું હજી મારી લાગણી જણાવી નથી શકી. હું તેને સામેથી પ્રપોઝ કરું? જો તે ના પાડી દેશો તો? મારા ભાઈને ખબર પડી જશે તો? મને કંઈ ખબર નથી પડતી. એક યુવતી (સુરત) ઉત્તર : પ્રેમ કરવો અને એને સંતાડતા ફરવું એ છાશ લેવા જવી અને દોણી સંતાડવા જેવું કહેવાય. મને લાગે છે કે તમે નાહકના મૂંઝાઓ છો. જો તમને રિજેક્શનનો ડર ન હોય તો-તો ‌ચિંતાને બહુ કારણ છે જ નહીં. તમારી વચ્ચે પહેલેથી દોસ્તી છે અને એ વિશે તમારો ભાઈ જાણે જ છે. ભાઈનો દોસ્ત હોવા છતાં તમે તેની સાથે ક્યારેક વૉટ્સઍપ ચૅટ કરતા આવ્યા છો એ વાત પણ તમારો ભાઈ જાણતો તો હશે જને! તમે ભાઈને ન કીધું હોય અને પેલા દોસ્તે પણ ન કહ્યું હોય તો એનો મતલબ એ થયો કે તે પણ તેના દોસ્તથી છુપાઈને તેની બહેન સાથે દોસ્તી રાખવા માગે છે. આવા સંજોગોમાં તમે તેને પ્રપોઝ કરો અને તે ના પાડે તોય તે સીધું જઈને ભાઈને ફરિયાદ કરે એવી સંભાવના તો સાવ જ ઓછી. તમે ભાઈને તો ન જ ખબર પડવી જોઈએ એવો આગ્રહ શું કામ રાખો છો? જો તમે તમારા ભાઈને આ વાતની જાણ કરશો તો કદાચ તમને મદદ પણ મળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...