તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કવર સ્ટોરી:બ્રેકઅપ મેનેજમેન્ટ : દુઆ આસાન છે, દવા અઘરી છે

એષા દાદાવાળા7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બ્રેકઅપને મેનેજ કરવા મોટાભાગનાં લોકો રિબાઉન્સ રિલેશનશિપનો સહારો લે છે. જે ક્યારેક તકલીફો ઓછી કરવાને બદલે વધારી દેતી હોય છે...

નાઉ યુ કેન સ્ટાર્ટ અ બેટર લાઇફ’, ‘મને તો પહેલેથી જ લાગતું હતું કે આ તારા માટે યોગ્ય પાત્ર ન્હોતું, જે થયું એ સારું થયું...!’ ‘તને એનાં માટે જેટલો પ્રેમ હતો એટલો જ પ્રેમ જો એને તારા માટે હોત તો એ તને આમ છોડીને જ ના જાત...!’ ‘એ તને ડિઝર્વ જ ન્હોતી કરતી…!’ ‘એવું માની લેવાનું કે પસંદગીમાં ભૂલ થઇ ગઇ!’ વગેરે...વગેરે…જેવી આદર્શ સલાહોને ડૂચો મારીને ફેંકી દો. તમારા આવાં ફાલતુ વાક્યો અને સલાહો એમનાં તૂટેલા દિલને સાંધવાને બદલે એમનાં ડિપ્રેશનને વધારી દેશે. તમે એને કહેશો કે તને બીજી મળી જશે પણ એણે આવી અનેક ‘બીજીઓને’ ઇગ્નોર કરી જ પેલા બેનની પસંદગી કરી હતી. એને બીજીની નહીં, પહેલીની જરૂર છે. જેનું દિલ તૂટ્યું છે એના પર તમારી આ આદર્શ, સૂફિયાણી વાતો કોઇ જ કામ કરી શકવાની નથી. જેનું દિલ તૂટ્યું છે એણે એના સગ્ગા કાને સપનાંઓનાં તૂટવાનો અવાજ સાંભળ્યો છે. પોતાની સગ્ગી આંખે એણે જીવનભરનાં વિશ્વાસને કકડભૂસ થઇને તૂટતા જોયો છે. જેને અસીમ પ્રેમ કર્યો હતો જેની આસપાસ પોતાની આખી દુનિયા ફરતી હતી એ વ્યક્તિ અચાનક એનાં જીવનમાંથી ચાલી ગઇ છે. એક સૂરજનો ગોળો ફટાક દઇને ફૂટી ગયો છે અને અચાનક આવી ચડેલા અંધારા સાથે મેનેજ કરવાનું એને અઘરું થઇ પડ્યું છે. આવા સમયે તમારી સલાહોની એને બિલકુલ જરૂર નથી. પ્રેમ મેનેજ કરવો સહેલો હોય શકે છે પણ બ્રેકઅપ મેનેજ કરવું જરાપણ સહેલું નથી હોતું. બ્રેકઅપનાં દિવસો દરમિયાનનો એક-એક દિવસ એક આખેઆખી સદી જેટલો મોટો, ભદ્દો અને જાડો હોય છે. બ્રેકઅપ એ એક સીરિયસ સમસ્યા છે. જે હેન્ડલ વીથ કેર હતી, હેન્ડલ વીથ કેર છે અને હેન્ડલ વીથ કેર રહેવાની છે. હૃદયમાં છેક અંદર થયેલા કોઇપણ ઘા સોફ્રામાઇસીનથી રૂઝાતા નથી હોતા. એનાં માટેની કોઇ પેઇનકિલર પણ હોતી નથી. એને જીવવા પડે છે અને જીરવવા પડે છે. બ્રેકઅપ પોતાની સાથે ડિપ્રેશન લઇને આવે છે. આવા સમયે તમને કશું ગમતું નથી હોતું. જીવવાનું મન નથી થતું. સાંજ જીરવવી મુશ્કેલ થઇ જાય છે. બ્રેકઅપ ઘણીવાર રિજેક્શનની લાગણીઓને એવી ગાઢ કરી મૂકે છે કે આપઘાત સુધી લઇ જઇ શકે છે અને એટલે જ આવા સમયે એની સાથેની વ્યક્તિઓની ભૂમિકા મહત્ત્વની થઇ જાય છે. બ્રેકઅપમાંથી પસાર થઇ રહેલી વ્યક્તિને, એનાં ડિપ્રેશનને અને એની લાગણીઓને ક્યારેય પણ અંડરએસ્ટિમેટ ન કરવી જોઇએ. બ્રેકઅપમાંથી બહાર નીકળવાની એક થિયરી છે. ફોકસ અથવા તો ધ્યાનભંગ. મોટાભાગનાં યંગસ્ટર્સ બ્રેકઅપને મેનેજ કરવા માટે ધ્યાનભંગનો રસ્તો અપનાવે છે એટલે કે રિબાઉન્ડરિલેશનશિપમાં જતા રહે છે. રિબાઉન્ડરિલેશનશિપ એટલે એક રિલેશનશિપમાંથી બહાર નીકળવા માટે બીજી રિલેશનશિપનો સહારો લેવો. મોટાભાગનાં કિસ્સાઓમાં આ થિયરી તકલીફો ઓછી કરવાને બદલે વધારી દેતી હોય છે. કોફી વિથ કરણમાં આલિયા ભટ્ટ અને દીપિકા પાદુકોણ સાથે આવ્યાં ત્યારે કરણે દીપિકાને પૂછેલું, ‘રણબીર કપૂર હવે આલિયા સાથે છે. તું આ વાતને કઇ રીતે લે છે?’ દીપિકાએ હસતાં-હસતાં જવાબ આપ્યો ‘મેં સ્વીકારી લીધું છે કે મારું બ્રેકઅપ થઇ ગયું હતું. હવે મારી સાથે રણવીરસિંહ છે અને સ્વીકાર એ સૌથી મોટી દવા છે.’ સ્વીકાર બરાબર છે. વહેલાં-મોડાં બ્રેકઅપને સ્વીકારવું જ પડે છે પણ આ પ્રક્રિયા ખૂબ લેન્ધી હોય છે. આ પ્રક્રિયા આંખોને લાલ રાખે છે. છાતીમાં ઘેરાઇ ગયેલા કાળા-ડિબાંગ વાદળો સહેલાઇથી ખાલી નથી થતાં હોતાં. સ્વીકાર તો બરાબર પણ રણવીર સિંહને કારણે દીપિકા માટે બ્રેકઅપ સહેલું થઇ ગયું. રણબીર કપૂરમાંથી બહાર નીકળ્યા પછી દીપિકાને રણવીરસિંહ મળ્યો, જેણે રણબીર સાથેની તમામ વાતો જાણ્યા પછી પણ દીપિકાને રણબીર કરતા વધુ પ્રેમ કર્યો. એની સાથે લગ્ન કર્યા પણ દરેક રણબીરનાં ગમ ભૂલાવવા માટે દરેકને રણવીર મળતો હોતો નથી એ પણ એટલી જ સાચી વાત છે. આ રિબાઉન્ડથિયરીને આપણે સમજવી જોઇશે. જ્યારે શરદી થાય છે ત્યારે કોઇપણ પ્રકારની દવા લીધા વિના બે-ત્રણ દિવસમાં મટી જાય છે પણ જો કોરોના થાય છે તો ફેબી ફ્લૂ જોઇશે, ડોક્ટર જોઇશે અને કદાચ વેન્ટિલેટર પણ જોઇશે. બ્રેકઅપ કોરોના જેટલું ભયંકર અને ખતરનાક છે. સાઇિક્યાટ્રિસ્ટ ડો. મુકુલ ચોક્સી કહે છે કે ‘મોટાભાગના લોકો બ્રેકઅપમાંથી બહાર નીકળવા માટે જાણતાં-અજાણતાં એક ખભો શોધતા હોય છે. જો તમે મરજીથી બ્રેકઅપ નથી કર્યું અને તૂટી ગયેલા સંબંધમાં ઇચ્છાઓ, સપનાંઓ અધૂરા રહી ગયા છે તો તમે સહારો શોધો જ છો. ઘણાં બ્રેકઅપની સાઇડ ઇફેક્ટમાંથી બચવા અને બ્રેકઅપને સરળ બનાવવા માટે બ્રેકઅપ કરતા પહેલા અથવા દરમિયાન બીજો વિકલ્પ વિચારી લેતા હોય છે. ભૂલથી નબળો ખભો પસંદ થઇ જાય ત્યારે તકલીફો વધી પણ જતી હોય છે.’ રિબાઉન્ડરિલેશનશિપ એ બહુ ખતરનાક ચીજ છે. આ એક પ્રકારનું રિપ્લેસમેન્ટ છે અને રિપ્લેસમેન્ટ ટકાઉ નથી હોતું. જે લોકો પોતાની મરજીથી બ્રેકઅપ કરે છે એવા લોકો મોટેભાગે રિબાઉન્ડરિલેશનશિપમાં જતા નથી હોતા. બ્રેકઅપ બાદ ખભો શોધવો અને ખભો બનવું આ બંને પ્રક્રિયા જીવલેણ છે. રિબાઉન્ડરિલેશનશિપથી બે મતલબ સરતા હોય છે. એક તો બ્રેકઅપ સહેલું બને છે અને બીજું જેમને છોડ્યા છે અથવા તો જેમણે તરછોડ્યા છે એમને ‘બતાવી’ દેવા પણ કામમાં આવે છે. જ્યારે દીકરા કે દીકરીનું બ્રેકઅપ થાય ત્યારે એની આગળ શિખામણોનાં પુલ બાંધવા કરતા એને સ્નેહ આપજો. એને બ્રેકઅપમાંથી બહાર નીકળવામાં મદદ કરજો. બ્રેકઅપમાંથી બહાર નીકળવાની સૌથી અકસીર દવા છે સમય. તમારા સંતાનનો આ સમય પસાર કરી આપવામાં તમે એમની મદદ કરજો. બ્રેકઅપને મેનેજ કરવાની જેટલી જવાબદારી એમની છે એટલી જ એક મા-બાપ તરીકે એ બ્રેકઅપને સહેલું બનાવવાની ફરજ તમારી પણ છે. રિબાઉન્ડરિલેશનશિપ બ્રેકઅપને સહ્ય ચોક્કસ બનાવે છે. અચાનક આવી ગયેલા વેક્યૂમને પૂરવામાં મદદ પણ કરે છે પણ દરેકને બ્રેકઅપ પછી રણવીર સિંહ મળી જ જાય એવું બનવું નથી હોતું એટલું ધ્યાનમાં રાખજો. dadawalaesha@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો