કવર સ્ટોરી:બ્રેક-અપ એ સર્કસનો ખેલ નથી!

એષા દાદાવાળાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આપણે બ્રેક-અપનો મલાજો શીખવો પડશે. આપણે સમજવું પડશે કે માણસ મરી જાય ત્યારે એનાં મૃત્યુનો ખરખરો કરવા જઇ શકાય પણ સંબંધ મરી જાય ત્યારે એનો ખરખરો કરવા ન જઇ શકાય...

અમે અમારા સંબંધો પર બહુ વિચાર કર્યો. ખૂબ બધું વિચાર્યા પછી અમને એવું લાગી રહ્યું છે કે અમે એકસાથે આગળ વધી શકીએ એમ નથી એટલે અમે આ સંબંધને પૂરો કરવાનો નિર્ણય લીધો છે. મેલિન્ડાથી છૂટા પડ્યા પછી બિલ ગેટ્સે આવી ટ્વીટ કરી. એક સંબંધની આ એક અદભૂત એક્ઝિટ નોટ હતી. જેમાં કોઇ એલિગેશન્સ નહોતા, કોઇ ફરિયાદો નહોતી...માત્ર સમજદારી હતી. બિલ ગેટ્સની આ ટ્વીટ પછી બધાએ ભેગા મળી એમનાં તૂટી ગયેલા સંબંધોનું પિષ્ટપેષણ કર્યું. કોઇકે કહ્યું બે વચ્ચે અણબનાવ એ હદે વધી ગયો હતો કે એમની પાસે અલગ થવા સિવાય બીજો કોઇ રસ્તો જ નહોતો. કોઇકે એવું પણ કહ્યું કે બિલ ગેટ્સને તો બીજી કોઇ મહિલા સાથે અફેર હતું. કોઇકને મેલિન્ડાને મળનારી મસમોટી એલિમનીની રકમમાં રસ પડ્યો. આપણે જેફ બેઝોસ વખતે પણ આવું જ કરેલું. આપણે દરેક તૂટતા સંબંધ સાથે આવું જ કરતા હોઇએ છીએ. તૂટતો સંબંધ એ કોઇ સર્કસનો ખેલ નથી. તૂટતો સંબંધ એ મેળામાં મૂકાયેલી કોઇ ચકડોળ નથી કે હર કોઇ આવી એનાં પારણામાં ઝૂલી જાય. તૂટતો સંબંધ એ મલ્ટિપ્લેક્સનાં સ્ક્રીન એક, બે કે ત્રણ પર લાગેલી કોઇ ફિલ્મ પણ નથી. આ એ સંબંધ છે જેને બચાવવા લાગણીઓ મદદે આવી નથી. આ એ સંબંધ છે જેનું અસ્તિત્વ પહેલાની જેમ અનિવાર્ય નથી રહ્યું. તારા વિના જીવી નહીં શકું આ આખા વાક્યમાંથી ‘નહીં’ નીકળી ગયું છે. આ સંબંધ ન તો ફેવિકોલથી સાંધી શકાયો છે, ન તો સેલોટેપથી જોડી શકાયો છે, ન તો સ્ટેપલરથી ભેગો કરી શકાયો છે. બ્રેઇન ડેડ થયેલા માણસનાં વેન્ટિલેટરની સ્વિચ બંધ કરવાની આવે ત્યારે એની ચર્ચાઓ ન હોય. સ્વિચ બંધ થયા બાદ આંસુઓ હોય, સ્તબ્ધતા હોય અને મૌન હોય. બે વ્યક્તિ જ્યારે એકબીજાથી છૂટા પડવાનો નિર્ણય કરે છે ત્યારે એમનાં દર્દ વિશે વિચારવું જોઇએ. છૂટા પડવાનાં એમનાં કારણો વિશે નહીં જ. આપણે ત્યાં જેટલા વાજતે ગાજતે લગ્ન કરવામાં આવે છે એટલો જ શોરબકોર માણસો છૂટા પડે ત્યારે પણ થાય છે. લગ્નમાં આપણે ડેકોરેશન વિશે, આણાંમા મૂકેલા દાગીના વિશે, પીરસાતી વાનગીઓ વિશે, છોકરીનાં સાસુએ પહેરેલી સાડી વિશે વાતો કરીએ છીએ. છૂટાછેડા વખતે ‘સાસુ બહુ જબરી હતી’, ‘ભાઇને કોઇ બહેન નિયમિત મળવા આવતા હતા’, ‘બહેનની તો કેરિયર પૂરી કરી નાંખી’, ‘દિકરાઓ સાથે પણ લાગણી નહોતી’, ‘એ તો હતી જ એવી, રસોઇ પણ નહોતી કરતી’...વગેરે વગેરે ચર્ચાઓ કરીએ છીએ. બ્રેક-અપ એ બે જણ વચ્ચે ઘટતી સાવ અંગત ઘટના છે અને એ અંગત જ રહેવી જોઇએ. બે જણ એકમેકથી કંટાળી ગયા હોય એવું બની શકે. સાથે ચાલવાનું નક્કી કર્યા પછી એક જણ પાછળ રહી ગયું હોય એવું પણ બને. વેવલેન્થ મેચ ન થાય, અપેક્ષાઓ અધૂરી રહી જાય, ઉદ્દેશ્ય બદલાઇ ગયા હોય, રસ્તા અલગ પડી ગયા હોય કે બે જણ વચ્ચે કોઇ ત્રીજાનો પ્રવેશ થયો હોય...કારણ કોઇ પણ હોય પણ એનાથી આપણાં સામાન્ય જ્ઞાનમાં કોઇ વધારો થવાનો નથી. દસ વર્ષ, વીસ વર્ષ કે પાંત્રીસ વર્ષ સાથે રહ્યા એટલે સાથે જ રહેવાનું એવી કોઇ બળજબરી હોય શકે નહીં. સંતાનો છે એટલે છૂટા ન પડી શકાય એવી બેડી પણ બાંધી શકાય નહીં. હાથમાંથી કાચની બરણી છૂટી જાય ત્યારે અવાજ આવે પણ વિખેરાઇ ગયેલા કાચના ટુકડાને ભેગા કરવા જઇએ તો હથેળીઓ લોહીલોહાણ થઇ જાય. ધારો કે ટુકડા ભેગા કરી લઇએ તો પણ એમાંથી ફરી પાછી એવીને એવી જ બરણી બનાવી શકાય નહીં. એટલે આ ટુકડાઓ વાગે નહીં એટલી કાળજી લઇ ઝાડુથી વાળી સૂંપડીમાં ભરી કચરાપેટીમાં નાંખી દેવા જ હિતાવહ છે. સંબંધનું પણ એવું જ છે. લગ્ન મંડપમાં થાય છે પણ ડિવોર્સ કોર્ટમાં લેવા પડે છે. મહારાજનાં મંત્રોચ્ચાર વચ્ચે શરૂ થયેલા લગ્ન વકીલોની દલીલો, મિલકતોની વહેંચણી વચ્ચે પૂરા થતા હોય છે. સડી ગયેલા સંબંધ કરતાં પણ મરી ગયેલી અપેક્ષાઓ, કોહવાઇ ગયેલી ઇચ્છાઓ વધારે બદબૂ મારતી હોય છે. રોમાંચિત કરી મૂકતો સ્પર્શ છાતીમાં નહોરની જેમ ભોંકાતો રહે છે. જે માણસ સાથે એક ઘરમાં, ત્રણ ચાર પાંચ દીવાલોની વચ્ચે થોડા વર્ષો સાથે જીવાયું હતું એ વર્ષોને હવે ભૂંસી નાંખવાનાં છે. કશું પણ ‘વર્કઆઉટ’ નહીં કરી શક્યાની નિષ્ફળતા કોરી ખાતી હોય છે. સંતાનોને હવે હિસ્સામાં મળવાનું છે. આદતો બદલવાની છે. આ સહેલું નથી હોતું. માણસ હોસ્પિટલમાં, ઘરમાં, ઓરડામાં, એકલો કે ચાર માણસની વચ્ચે એક જ વાર ગુજરી જતો હોય છે... પણ લગ્ન ક્યારેક રસોડામાં, ક્યારેક બેડરૂમમાં, ક્યારેક ડ્રોઇંગરૂમમાં, ક્યારેક કરચલીવાળી ચાદરો પર, ક્યારેક બાથરૂમમાં, ક્યારેક હોટલનાં કમરામાં અસંખ્યવાર તૂટતા હોય છે. સવારનાં ગુડમોર્નિંગથી લઇને રાતની ગુડનાઇટ કિસ વચ્ચે પથરાયેલા લગ્નને મરી ગયેલી લાગણીઓની ચિતા પર સૂવડાવી બાળી નાંખવાનાં હોય છે અને છાતીનાં કોઇ એક ખૂણે સાવ એકલાં ચૂપચાપ એનો માતમ મનાવવાનો હોય છે. મેલિન્ડા જ્યારે પરણી હશે ત્યારે કેન્દ્ર સ્થાને બિલ ગેટ્સ માટેની લાગણી હશે. બિલ ગેટ્સ પણ મેલિન્ડા માટેનાં પ્રેમને કેન્દ્ર સ્થાને રાખીને જ પરણ્યા હશે. એમનાં માટે ન તો પૈસા અગત્યનાં હશે ન તો લાઇફ સ્ટાઇલ. તો પછી એ લોકો જ્યારે છૂટા પડે છે ત્યારે આપણે કેમ પૈસાની, લાઇફ સ્ટાઇલની ચર્ચા કરીએ છીએ? આપણે કેમ એમની લાગણીઓ વિશે વિચારતા નથી? દરેક બ્રેક-અપ આપણાં માટે ગોસિપ કેમ બની જાય છે? દરેક બ્રેક-અપને આપણે સનસનીખેજ કેમ બનાવી દઇએ છીએ? આપણે બ્રેક-અપનો મલાજો શીખવો પડશે. આપણે સમજવું પડશે કે માણસ મરી જાય ત્યારે એનાં મૃત્યુનો ખરખરો કરવા જઇ શકાય પણ સંબંધ મરી જાય ત્યારે એનો ખરખરો કરવા ન જઇ શકાય. આપણે એ પણ સમજવું પડશે કે માણસ મરી જાય ત્યારે ‘શું થયેલું?’ એવું પૂછી શકાય પણ સંબંધ મરી જાય ત્યારે ‘શું થયેલું’ એવું પૂછવાનો અધિકાર આપણે ધરાવતા નથી. dadawalaesha@gmail.com

અન્ય સમાચારો પણ છે...