તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બ્યૂટી:ખભા પર બ્રાની પટ્ટીનાં નિશાન પડી ગયા છે...

કાવ્યા વ્યાસ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રશ્ન : મારા ચહેરા પર ખીલના ડાઘા પડી ગયા છે. આ ડાઘા કરી રીતે દૂર કરી શકાય? એક યુવતી (વડોદરા) ઉત્તર : ત્વચા ઓઇલી હોય અને ત્વચાની અંદર રહેલી તૈલ ગ્રંથિઓ વધુ તેલ છોડે ત્યારે ખીલ થાય છે. ખીલ શરુઆતની અવસ્થામાં ચહેરા પર નાના દાણાની જેમ દેખાય છે. તેને વારંવાર અડવાથી ઇન્ફેક્શન વધી શકે છે. કેટલાક લોકો તેને ફોડી દે છે. જોકે એને ફોડવાથી ચહેરા પર ડાઘ પડી જાય છે. ખીલ ફોડવાથી બચવું જોઇએ કેમકે ખીલ ફોડવાના કારણે ચહેરા પર ડાઘ ધબ્બા થઇ જાય છે. જોકે કેટલાક ઘરગથ્થુ ઉપાયો કરીને આ ખીલને અને એના ડાઘા પણ દૂર કરી શકાય છે. પાકાં ટામેટાં સમારીને ખીલ પર બરાબર ઘસવાં. બે-ચાર કલાક એમ જ રહેવા દેવા. ત્યારબાદ હૂંફાળાં પાણીથી ચહેરો ધોઈ નાખવો. આમ, કરવાથી ચહેરા પરના ખીલ મટી જાય છે. સવારે અને રાત્રે બાવળ, લીમડો કે વડવાઈનું દાતણ કરી એના કુચાને મોં પર પાંચેક મિનિટ ઘસતા રહેવાથી મોં પરના ખીલ મટે છે. વડનાં દૂધમાં મસુરની દાળ પીસી એનો લેપ કરવાથી ખીલના કાળા ડાઘ મટે છે. ચોખાનો ઝીણો લોટ અથવા રાંધેલો ભાત દરરોજ ચહેરા પર ઘસવાથી ખીલના ડાઘ દૂર થાય છે.

પ્રશ્ન : નહાવામાં સાબુનો ઉપયોગ કરવાથી ત્વચા ખેંચાય છે. નહાવા માટે મારે બીજો ક્યો વિકલ્પ અજમાવી શકાય? એક યુવતી (સુરત) ઉત્તર : ઘણી યુવતીઓની ત્વચા અત્યંત શુષ્ક હોય છે જેના કારણે સાબુ તેમની ત્વચા માટે યોગ્ય વિકલ્પ સાબિત નથી થતો. તમે નહાવા માટે સાબુની જગ્યાએ ચણાનો લોટ અને દૂધનાં મિશ્રણનો ઉપયોગ કરી શકો છો. આ મિશ્રણ બનાવવા માટે ચણાના લોટમાં થોડું દૂધ મેળવીને પેસ્ટ તૈયાર કરો. હવે શરીર પર લગાવીને થોડા સમય માટે મૂકી દો. 15-20 મિનિટ પછી શરીરને હૂંફાળા પાણીથી સાફ કરી લો. આ ઉપાય કરવાથી સ્કીનની ડ્રાયનેસ દૂર થશે અને સાથે જ ત્વચાની રંગતમાં પણ સુધારો આવશે. આ સિવાય નહાવાનાં પાણીમાં એક ચમચી સિંધાલૂણ અને ફટકડીનાં મિશ્રણને નાખીને પછી સ્નાન કરવાથી રક્તનું પરિભ્રમણ સારું રહે છે અને શરીરનો થાક દૂર થાય છે તેમજ સ્નાયુના દુખાવામાં રાહત થાય છે.

પ્રશ્ન : મારા ખભા પર બ્રાનાં નિશાન પડી ગયા છે. આના કારણે હું ઓફ શોલ્ડર સ્ટાઇલના ડ્રેસ નથી પહેરી શકતી. આ નિશાન દૂર કરવા માટે શું કરવું જોઇએ? એક યુવતી (અમદાવાદ) ઉત્તર : ઘણીવાર સંવેદનશીલ ત્વચા પર થોડી ટાઇટ બ્રા પહેરવાથી એના નિશાન પડી જાય છે. ઘણીવાર બ્રામાં વપરાતું ઈલાસ્ટિક ત્વચાને હાનિ પહોંચાડે છે અને લાંબા ગાળે તેનાં ડાઘ શરીર પર પડી જાય છે. ઈનરવેર ખરીદતી વખતે હંમેશા કમ્ફર્ટને મહત્ત્વ આપવું જોઈએ. જે કપડાં પહેરવાથી પીડા થતી હોય તેવાં કપડાં પહેરવાનું ટાળવું જોઈએ. જે જગ્યાએ આવા ડાઘ પડવાની સાથે સાથે પીડા થતી હોય ત્યાં નિયમિત મોઇશ્ચરાઇઝર ક્રીમ લગાવો. રાત્રે સૂતી વખતે દેશી ઘીમાં ચપટી હળદર મિક્સ કરીને તે ભાગ પર સારી રીતે ઘસો. આ સિવાય આઈસ પેક પણ મૂકી શકો છો. આવા ડાઘ પર એલોવેરા જેલ લગાવવાથી પણ રાહત રહે છે અને એનાથી બળતરા થતી હોય તો પણ ઓછી થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...