મીઠી મૂંઝવણ:બોયફ્રેન્ડની મમ્મીને હું નથી ગમતી...

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોહિની મહેતા

પ્રશ્ન : મારા પતિનું અફેર તેની ઓફિસની જ એક યુવતી સાથે ચાલી રહ્યું છે. મારા પતિએ આ વાત સ્વીકારી છે પણ હું અમારા બાળકો માટે શાંત બેઠી છું. મને લાગે છે કે સમયની સાથે સાથે આ અફેરનો અંત આવી જશે. હવે મારા પતિ ઘરની જવાબદારીઓ પ્રત્યે પણ બેજવાબદાર બની રહ્યા છે. તેઓ નિયમિત રીતે ઘરખર્ચના કે પછી બાળકોની સ્કૂલ ફીના પૈસા નથી આપતા. શું મારે મારા પતિના આવા વર્તનની ફરિયાદ મારાં સાસુ-સસરાને કરવી જોઇએ? એક યુવતી (સુરત) ઉત્તર : તમારી સમસ્યા સમજી શકાય એવી છે. આ વાત પરિવારની સુખ શાંતિ પર સીધી અસર કરે છે. પતિનાં અફેરને સૌથી પહેલાં તો તમારી રીતે હેન્ડલ કરવાનો પ્રયાસ કરો. પહેલાં પતિને સારી રીતે સમજાવો અને એનાથી બાળકો પર થતી નકારાત્મક અસર વિશે સમજાવો. તમારા બહુ પ્રયાસ પછી પણ જો તેઓ સમજવા તૈયાર ન હોય ત્યારે જ પરિવારની બહારની વ્યક્તિઓની મદદ લેવા વિશે વિચારો. સૌથી પહેલાં સાસુ-સસરાની મદદ લેવાને બદલે પહેલાં કોમન ફ્રેન્ડ્સની મદદ લો. પુરુષો પરિવાર કરતાં મિત્રોની વાત વધારે સારી રીતે સાંભળે છે. જો મિત્રોની સમજાવટ પણ કામ ન લાગે તો પછી સાસુ-સસરાની મદદ લેવાનો વિચાર કરવો જોઇએ. તમે એને સમજાવો કે તેમના દીકરાને સમજાવાની જવાબદારી તેમની પણ છે. જો તમારા સાસુ-સસરા તમારા પતિને સમજાવી નહીં શકે તો પછી બીજું કોઇ સમજાવી નહીં શકે. આટલા પ્રયાસો પછી પણ પતિ અફેર પર પૂર્ણવિરામ મૂકવા તૈયાર ન હોય તો સમજી જેવું જોઇએ કે તમારા પતિનાં જીવનમાં હવે તમારું કોઇ મહત્ત્વ નથી અને તેણે પોતાના જીવન માટે અલગ રસ્તો પસંદ કરી લીધો છે. આ સંજોગોમાં તમારે અને બાળકોએ પતિ પર આત્મનિર્ભર ન રહેવું પડે એવા વિકલ્પોની શોધ શરૂ કરી દેવી જોઇએ. પ્રશ્ન : હું એક છોકરાને છેલ્લાં ચાર વર્ષથી પસંદ કરું છું, પણ એના પરિવારનું વાતાવરણ બહુ જૂનવાણી છે. ચિંતાની વાત તો એ છે કે એની મમ્મીને હું ખાસ પસંદ નથી અને હું જ્યારે પણ તેની ઘરે જાઉં ત્યારે તે મને બહુ ઇગ્નોર કરે છે. મારા ફ્રેન્ડ માટે તેની મમ્મી બહુ ખાસ છે અને મને લાગે છે કે જો તેની મમ્મી નહીં માને તો તે મને પણ છોડી દેતા અચકાશે નહીં. આ સંજોગોમાં હું કઇ રીતે મારા ફ્રેન્ડની મમ્મીને ખુશ કરી શકું? શું આવું કરવું જરૂરી છે? એક યુવતી (વડોદરા) ઉત્તર : લગ્ન એક ખાસ સંબંધ છે. એમાં બે વિભિન્ન બેકગ્રાઉન્ડ, પરંપરા અને વિચારધારા ધરાવતા પરિવારો વચ્ચે જોડાણ થાય છે. કોઈકને ઇમ્પ્રેસ કરવાના ચક્કરમાં આપણે આપણાં મૂળ વ્યક્તિત્વને પરિવર્તિત ન કરવું જોઈએ. ધારો કે તમે કદાચ બદલાવાનો ડોળ કરશો તોય એ લાંબાગાળે તમને અને તમારા સંબંધોને જ નુકસાન પહોંચાડશે. જોકે, લગ્ન અને પસંદગીના મામલામાં મોટા ભાગે પહેલી આઇસ વોલ તૂટવી બહુ મહત્ત્વની હોય છે. જો એક વખત એ તૂટી જાય તો એ પછી સંબંધો ખૂબ સરળ થઈ જતા હોય છે. તમે જે વ્યક્તિ સાથે જિંદગી આખી જીવવાનો વિચાર કરી રહ્યા છો તેને જન્મ આપનારી આ વ્યક્તિ સાથે તમારે સંબંધ સુધારવાનો છે એમ વિચારો. આવો ખોટો વટ રાખવાથી સંબંધ મજબૂત ન થાય પછી એ સંબંધ સાસુ-વહુનો હોય કે મા-દીકરીનો. પતિના પરિવારને પોતીકો બનાવીને અપનાવવાની તૈયારી હોય તો જ આગળ વધો. પ્રશ્ન : મારા એક મિત્રને નાની નાની વાતમાં પણ સેક્સ અંગે વાતો અને મજાક કરવાની ટેવ છે. હું એને મારો સારો મિત્ર માનું છું. એ જ્યારે આવી વાતો કરે ત્યારે મને એના પર ગુસ્સો આવે છે અને મૈત્રી તોડી નાખવાની ઇચ્છા થાય છે. જોકે મારો એ સારો મિત્ર છે અને મને અનેક રીતે મદદરૂપ થાય છે. મારે એની સાથે મૈત્રી રાખવી જોઇએ? એક યુવતી (રાજકોટ) ઉત્તર : તમારા મિત્રને તમારી સાથે સેક્સની વાતો કરે છે. એનો અર્થ એ થયો કે એની માનસિકતા માત્ર સેક્સ સિવાય અન્ય કોઇ બાબતને મહત્ત્વ નથી આપતી. તમને જો એની આવી વાતો ન ગમતી હોય તો સારું તો એ જ રહેશે કે તમે એની સાથેની મૈત્રી તોડી નાખો, પરંતુ તમે કહો છો કે એ તમારો સારો મિત્ર છે અને તમને અનેક રીતે મદદરૂપ થાય છે. તો એની સાથે મૈત્રી તોડી નાખવાને બદલે આ સંબંધ થોડો ઓછો કરી નાખો. તમે રોજ વાતો કરતાં હો કે મળતાં હો તો થોડો સમય વાતો કરવા અને મળવાનું ઓછું કરી દો. આમ કરશો એટલે સ્વાભાવિક રીતે જ એને સવાલ થશે કે તમારામાં આ પરિવર્તન કેમ આવ્યું અને એ તમને પૂછ્યા વિના નહીં રહે. એ જ્યારે પૂછે ત્યારે તમારે જણાવી દેવાનું કે જો સ્વસ્થ અને નિર્દોષ મૈત્રી રાખવી હોય તો જ વાતો કરવી કે મળવું. એ સમજી જશે. પ્રશ્ન : મારી ઉંમર 27 વર્ષની છે. જન્મ્યો ત્યારે તો નોર્મલ જ હતો. હું જ્યારે તેર વર્ષનો હતો ત્યારે અકસ્માતને કારણે મારે એક ટેસ્ટિઝ કઢાવી નાખવી પડેલી. આ વાતને કારણે વષોર્થી હું ખૂબ જ ડિસ્ટર્બ રહેતો આવ્યો છું. હેવી દવાઓને કારણે ને ગમ ભુલાવવા માટે સિગારેટ ફૂંકવાની આદતને કારણે હવે હું પિતા બની શકું એવી હાલતમાં નથી રહ્યો. ત્રણથી ચાર વર્ષથી મારે એક ગર્લફ્રેન્ડ હતી પણ હું તેની સાથે લગ્ન કરવા તૈયાર નથી કારણ કે હું તેનું જીવન ખરાબ કરવા નથી ઇચ્છતો. મેં તેને હકીકત નથી કહી અને એના કારણે તે ડિપ્રેશનમાં આવી ગઇ છે. હાલમાં મારી હાલત કફોડી છે. મને પણ અંદરથી એકલતા લાગે છે, પણ મારી આ ખોટ માટે તે કેવી રીતે રિએક્ટ કરશે એની કલ્પના પણ નથી થઈ શકતી. મારે શું કરવું જોઇએ?એક યુવક (સુરત) ઉત્તર : તમે તમારા ખોટા ડરને લીધે જાતને મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકી દીધી છે. એક ટેસ્ટિઝ હોવા માત્રથી તમે બાળક પેદા કરવા સક્ષમ નથી રહેતા, એ તમારી ખોટી માન્યતા છે. સાયન્સ કહે છે કે એક ટેસ્ટિઝથી ઓછા સ્પર્મ બને, પણ બને તો ખરા જ. તમે સિગારેટો ફૂંકીને હાથે કરીને જ તમારી ફર્ટિલિટી ઘટાડી છે. હવે જો કોઈ માર્ગ કાઢવો હોય તો પહેલાં તમારાં જે પણ વ્યસન હોય એ બંધ કરો. જ્યાં સુધી સંબંધોની વાત હોય ત્યાં સુધી સાચો પ્રેમ હોય ત્યારે સામેવાળી વ્યક્તિની હજાર ખામીઓ પણ આપણને વહાલી લાગતી હોય છે. આપણા સ્વભાવ, ગમા-અણગમા, આદતો ને એવી બધી બાબતોમાં આપણી જેટલી ખામીઓ હોય છે એની સામે શારીરિક ખામી તો કંઈ જ નથી. તમે એનો સ્વસ્થતાથી સ્વીકાર કરશો તો કોઈક રસ્તો પણ જરૂર નીકળી આવશે.