મીઠી મૂંઝવણ:બોયફ્રેન્ડ મારા પરિવારને મળવામાં આનાકાની કરે છે...!

3 મહિનો પહેલાલેખક: મોહિની મહેતા
  • કૉપી લિંક

પ્રશ્ન : હું 28 વર્ષની યુવતી છુું. હું ગુજરાતના એક નાનકડા ગામમાંથી આવી છું અને હાલમાં અમદાવાદમાં જોબ કરી રહી છું. હું છેલ્લા પાંચ વર્ષથી નોકરી કરું છું. આ સમયગાળા દરમિયાન મને બે નિષ્ફળ પ્રેમપ્રકરણનો અનુભવ થયો છે. હું આ બંને પ્રકરણો માટે બહુ ગંભીર હતી અને પરણીને ઠરીઠામ થવા ઇચ્છતી હતી પણ એ શક્ય ન બન્યું કારણ કે મારા બંને પ્રેમીઓએ મને દગો આપ્યો અને બીજી કોઇ યુવતી સાથે લગ્ન કરી લીધાં. હવે મારા પરિવારજનો પરણી જવાનો બહુ આગ્રહ કરે છે પણ હવે મને પરણવામાં રસ જ નથી રહ્યો અને આ મુદ્દે વારંવાર પરિવાર સાથે લડાઇ થાય છે. મારો જીવનમાંથી રસ ઊડી ગયો છે અને છ મહિનામાં મારું વજન વધી ગયું છે. મને લાગે છે કે જાણે મારા જીવન પર પૂર્ણવિરામ લાગી ગયું છે. મારી આ સમસ્યાનો ઉકેલ શું છે? એક યુવતી (અમદાવાદ) ઉત્તર : તમે એવા ચક્રવ્યુહમાં ફસાયાં છો કે જો તમે સભાનતાથી બહાર નીકળવાનો પ્રયત્ન નહીં કરો તો એમાં ખોવાઇ જ જશો. સ્વાભાવિક છે કે પ્રેમમાં દગો મળે ત્યારે આખું અસ્તિત્વ હચમચી જાય છે અને મન નકારાત્મક લાગણીઓથી ઘેરાઇ જાય છે. જોકે આમાંથી સમયસર બહાર નીકળી જવામાં જ સમજદારી છે. હકીકતમાં તમારા જીવનની નકારાત્મક લાગણીઓની નેગેટિવ અસર તમારા સમગ્ર જીવન અને અસ્તિત્વ પર પડી રહી છે. આ સંજોગોમાં જીવનમાં જ્યારે બધું જ અવળું પડતું હોય એવું લાગતું હોય ત્યારે નસીબને દોષ આપ્યા કરવા કરતાં જીવવાના અભિગમમાં જ ફેરફાર કરવો જરૂરી છે. તમારા જીવનમાં જેવી બ્રેકઅપની ઘટનાઓ બની છે એવી ઘટનાઓ માત્ર તમારા જીવનમાં જ નહીં, ઘણા લોકોના જીવનમાં બનતી હોય છે. જો તમારે હકારાત્મક લાગણીનો અનુભવ કરવો હોય તો જીવનમાં ખુશ અને સક્રિય રહો. એકલા બેઠાં-બેઠાં હતાશ થવાને બદલે ઓફિસમાં અને ઘરમાં લોકોની સાથે હળીમળીને રહો. ઓફિસ અને ઘરના કામમાં એટલા વ્યસ્ત રહો જેથી નવરા બેસવાનો સમય જ ન આવે. પ્રશ્ન : મારી 15 વર્ષની દીકરીને ટૂંકા વસ્ત્રો પહેરવા બહુ ગમે છે. હું તેને જાહેરમાં વ્યવસ્થિત કપડાં પહેરવાની સલાહ આપું છું કારણ કે મને લાગે છે કે તે હજી પોતાની જાતની સંભાળ રાખવા માટે બહુ નાની છે. હું તેને ના પાડું છું એ તેને બિલકુલ નથી ગમતું અને તે સામે દલીલબાજી કરે છે. મારે તેને કઇ રીતે સમજાવવી? એક મહિલા (રાજકોટ) ઉત્તર : ટીનેજર દીકરીની મમ્મી તરીકે તમારી મૂંઝવણ વાજબી છે, પણ એને ડીલ કરવાનો તમારો અપ્રોચ થોડોક નકારાત્મક છે. તમે દીકરી સાથે જે કંઈ પણ કરો છો એ બધું જ એ ડરીને માની તો લે છે પણ લાંબા ગાળે એનાથી નુકસાન થાય છે. એટલું ચોક્કસ યાદ રાખજો કે ડર ભરાવીને તમે દીકરીને સમજદાર નહીં બનાવી શકો. ટીનેજનો સમય એવો છે જેમાં તેને દેખાદેખી બહુ આકર્ષે છે. ડરપોક અને આત્મવિશ્વાસનો અભાવ તેને બીજા લોકોનું આંધળું અનુકરણ કરવા પ્રેરે છે. અંદરથી ડરપોક સ્વભાવની વ્યક્તિ તમારાથી છુપાઈને એ બધું જ કરશે જે તમે કરવાની ના પાડી છે. એ અનકેલ્ક્યુલેટેડ રિસ્ક છે અને એમાં ખોટું થવાના ચાન્સિસ ઔર વધી જાય છે. એના બદલે તમારે તેને આત્મવિશ્વાસથી ભરપૂર બનાવવાની કોશિશ કરવી જોઈએ.

પ્રશ્ન : હું 30 વરસની અપરિણીત મહિલા છું. મને એક પુરુષ સાથે પ્રેમ છે. અમારા આ પ્રેમની વાત અમારા સગા-સંબંધી તેમજ મિત્રો જાણે છે. જોકે છેલ્લા કેટલાક સમયથી હું કન્ફ્યુઝ છું કારણ કે જ્યારે પણ હું તેને મારા મમ્મી-પપ્પાને મળવાનું કરું છું તો એ ટાળે છે. તેનો ઇરાદો શું છે એ હું સમજી શકતી નથી. આ સંજોગોમાં મારે શું કરવું જોઇએ? એક મહિલા (સુરત) ઉત્તર : જ્યારે પ્રેમી પ્રેમસંબંધ પછી પણ લગ્ન કરવાની ઉતાવળ ન કરે અથવા તો પ્રેમિકાના પરિવારને મળવાનું ટાળે ત્યારે પ્રેમિકાને તેના ઇરાદાઓ પર શંકા થાય એ સ્વાભાવિક છે. જ્યારે પ્રેમી આ પ્રકારનું વર્તન કરે છે ત્યારે એની પાછળ બે પરિસ્થિતિ જવાબદાર હોય છે. પહેલી પરિસ્થિતિ તો એ છે કે એ પુરુષનો ઇરાદો તમારી સાથે લગ્ન કરવાનો નથી. તે તમારી લાગણીઓ સાથે ચેડાં કરી રહ્યો છે. તેને માટે તમે માત્ર ટાઈમપાસનું જ સાધન હો એમ લાગે છે. જો એવું હોય તો આ પુરુષને છોડી દેવામાં જ તમારી ભલાઈ છે અને પડતો મૂકી બીજો કોઈ યોગ્ય જીવનસાથી શોધી પરણી જાઓ. તેની પાછળ સમય વેડફવાનો કોઈ અર્થ નથી. બીજી પરિસ્થિતિ એ છે કે શક્ય છે કે તમારો પ્રેમી હજી રિલેશનશિપની જવાબદારી ઉપાડવા તૈયાર ન હોય. તેને તમારી કંપની ગમતી હોય પણ તે લગ્ન જેવા બંધનમાં બંધાવા ઇચ્છતો ન હોય અથવા તો તમારી સાથેની રિલેશનશિપને કારણે તેના પરિવારમાં કોઇ વિરોધ પ્રવર્તી રહ્યો હોય. આ સંજોગોમાં હતાશ કે ગુસ્સો થવાને બદલે એક વખત શાંતિથી બેસીને તમારા પ્રેમી સાથે આખી પરિસ્થિતિની ચર્ચા કરીને એના મનની વાત જાણવાનો પ્રયાસ કરો. આ સંજોગોમાં શાંતિ અને ધીરજથી કામ લેવાથી જ પરિસ્થિતિનો ઉકેલ મેળવી શકાશે. જો તમને એમ લાગે કે તમારા સંબંધનું કોઇ ભવિષ્ય નથી તો આ મામલે વધારે ચર્ચા કરીને પરાણે સંબંધ બાંધવાને બદલે સલુકાઇથી અલગ પડી જવામાં જ સમજદારી રહેલી છે. પ્રશ્ન : હું 45 વર્ષની મહિલા છું અને મારા પતિની વય 53 વર્ષની છે. મારી સમસ્યા એ છે કે છેલ્લા ત્રણથી ચાર મહિનાથી મારા પતિને જાતીય જીવનમાં રસ નથી રહ્યો. આના કારણે હું ભારે અસંતોષ અનુભવું છું. હું તેમને મારી અકળામણ ઘણી વખત કહી ચૂકી છે પણ તેમને આ વાતની ગંભીરતાનો અહેસાસ જ નથી. આ સંજોગોમાં મારે શું કરવું જોઇએ? એક મહિલા (વડોદરા) ઉત્તર : જો પતિપત્નીની વચ્ચે જાતીય સંબંધને લઈને કટુતા કે અસહકારની ભાવના હોય તો લાંબા ગાળે એનું પરિણામ ભયાનક આવે છે. આ સ્થિતિમાં ઘણી વખત પરિસ્થિતિ ડિવોર્સ સુધી પહોંચી જાય છે અને માનસિક તાણના ગાળામાંથી પસાર થવું પડે છે. આ મામલે પતિ અને પત્ની વચ્ચે વચ્ચે તાલમેલ હોય તો સોનામાં સુગંધ ભળી જાય છે પણ જો પાર્ટનર જાતીય સંબંધ ન રાખવા ઇચ્છે તો તેની ઇચ્છાને માન આપો કારણ કે તેની પાછળ કોઈ કારણ અચૂક હશે. મહિલાઓમાં મોટાભાગે માસિકધર્મ કે મેનોપોઝ સમયગાળાના કેટલાક દિવસોમાં કામેચ્છા ખૂબ ઓછી થઈ જાય છે. તેથી તે દિવસોમાં સહવાસ માટે જીદ ન કરો. તે જ રીતે જો પતિ કોઈ કારણોસર તાણમાં રહેવાના કારણે અનિચ્છા વ્યક્ત કરે છે તો તેને માન આપો. સેક્સ કોઈ એકનો એકાધિકાર નથી હોતો. પતિ-પત્ની બંનેની એકબીજાને સંતુષ્ટ કરવાની ફરજ બને છે. જીવનની વ્યસ્તતા અને બિનજરૂરી તાણને યૌન સંબંધની વચ્ચે ન આવવા દો. સહવાસ ક્રિયાને માત્ર શારીરિક જરૂરિયાત સમજો. તેની સાથે લાગણીઓ પણ જોડાયેલી હોય છે અને તે શરીરથી વધારે માનસિક જરૂરિયાત છે. તમારી વચ્ચે માનસિક તાલમેલ સાધો જેથી બંને એકબીજાની લાગણી અને વાતો સારી રીતે સમજી શકે. આ રીતે જ તમારી સમસ્યાનો ઉકેલ આવી શકશે.

અન્ય સમાચારો પણ છે...