હળવાશ:'જે પણ ખાવા-પીવાનો ટેસ્ટ હોય, એ પ્રમાણે જ લોહીનું ગ્રુપ નક્કી થાય'

જિગીશા ત્રિવેદીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

લા, આ સ્વીટુને બાપડીને ખરો એક્સિડન્ટ થયો નંઇ? પગમાં સાત-સાત ક્રેકો આઈ બાપડીને બોલો.’ કલાકાકીએ ચોક્કસ માહિતી સાથે ન્યૂઝ વહેતા મૂક્યાં... ‘હાથ પગ ભાંગે એ પોહાય, પણ લોહી ના ચડાવવું પડે બસ..!’ લીનાબહેને મુદ્દાની વાત કરતાં હોય એમ બહાર મૂકીને કહ્યું... આ વાત સાંભળી એટલે હંસામાસીએ સાદો ઉકેલ આપ્યો, ‘એ તો કોઈનું બી મેચ થતું હોય એ ચડાઈ દેવાય...એમાં સું ?’ ‘મેચ થાય એટલે સું એ ખબર છે તમને? કે એમનેમ ઘા એ ઘા જવા જ દો છો...!’ કંકુકાકીએ એમનાં અધૂરા જ્ઞાન વિષે પ્રહાર કર્યો એટલે કલાકાકી કહે, ‘એ તો એના ફેમિલીમાં કોઈનું બી મેચ થાય જ. આટલી નાની વાત સમજમાં નથી આવતી?’ ‘હા.. એના માસીની ઉંમર નાની છે ને થોડી હેલ્ધી બી છે, એટલે એનું પણ ચડાવી દેવાય...!’ હંસામાસીએ વિકલ્પ સૂચવ્યો, પણ લીનાબહેનને આ વાત ખાસ પસંદ ન પડી એટલે તેઓ તરત વાંધો ઉઠાવતા કહે, ‘ના બા.. એનું લોહી તે ચડાવાતું હસે? એને ઓલરેડી ગળ્યું ખાવાની ટેવ છે...લગભગ દર તીજે દા’ડે શીરા ને પૂરણપોળી ઝાપટે છે.. અને હવારે પાછો કારેલાનો રસ પીએ ગોંડી.. અને એક વાત કઉ, હું તો એને ઘેર જમવા ગયેલી છું. મને ખબર છે કે એની રસોઈ પણ બઉ ટેસ્ટી નંઇ હોતી યાર...હવે યાર...આવું મિક્સ લોહી તો આપણને સંુ, કોઈને કામ ના લાગે યાર. ગમ્મે તેમ તો ય આપડો ને એનો ટેસ્ટ તો મળતો જ આવવો જોઈએ ને.’ આ સાંભળીને મારા ડોળા લગભગ બહાર નીકળી ગયા, ત્યાં તો લીનાબહેને બીજો આઘાત આપ્યો, ‘આ બ્લડ ટેસ્ટમાં સું કરે છે ત્યારે બીજું? આ બ્લડ ટેસ્ટ એટલે જ તો કરતાં હોય ને યાર...કે ખબર પડે કે આલવાવાળાનું અને લેવાવાળાનું લોહી એક હરખા ટેસ્ટનું છે કે નઇ...’ ‘અરે...એ તો બ્લડ ગ્રુપ...’ મેં સાચી માહિતી આપવાનું શરૂ કર્યું ત્યાં તો લીનાબહેન જેનું નામ...તરત વાત કાપી, ‘એ જ તો...ગળ્યો, ખાટો, ખારો, તીખો, તૂરો અથવા તો કડવો... જે બી ખાવાપીવાનો ટેસ્ટ હોય એ પ્રમાણે જ લોહીનું ગ્રુપ નક્કી થાય.’ ‘અરે...બ્લડ ગ્રુપ તો એ...બી...’ મેં વળી હિંમત કરી પણ પાછી લીનાબહેને મને હાથના ઝાટકા સાથે અટકાવી, ‘એ તો બધા મેડિકલ નામો રાખે એ લોકો...એટલે આપણને સહેજ જુદું લાગે...બીજા કોઈ મોર નહી મૂકતા એ લોકો...હમજ્યા તમે...!’ ‘તો આ રીપોર્ટમાં જે આવે, જેનાથી કયો રોગ થયો છે એ ખબર પડે. એ પણ એક જાતનો બ્લડ ટેસ્ટ જ કહેવાય ને?’ કલાકાકીએ નિર્દોષ ભાવે એક્સપર્ટને પ્રશ્ન કર્યો એટલે લીનાબહેને જ્ઞાન વહેંચ્યું, ‘ના ના ના... ત્યાં જ તમારી ભૂલ થાય છે બહેન.એને તો લોહીના રીપોટ કરાવ્યા કહેવાય...હા, તમે એને ટેસ્ટ કહેતા હોય તો અલગ વાત છે. બાકી એ બ્લડ ટેસ્ટ તો આખી અલગ જ વસ્તુ છે. એ રીપોટ તો મેડીકલવાળા કરે.. હું તો આ એક્સિડન્ટ થયો હોય ને બહુ બધું લોહી વહી ગયું હોય ત્યારે જે ખાલી લોહી ચડાવવાનું હોય, એની જ વાત કરું છું.’ પછી ઉતાવળે શ્વાસ લઈને પાછું ચાલુ કર્યું, ‘અરે, એમાં તો એક હરખા મગજવાળા ન હોય ને, તો બી લોચો પડે...કારણ કે લોહી મગજમાં બી ફરતું જ હોય. હવે જો જબરા લોકોનાં મગજમાં ફરેલું લોહી આપડાને ચડાઈ ડે, તો તો અઘરું પડી જાય ને યાર...! કાં તો કોઈ બાઘા ચકા જેવાનું લોહી ચડાવી દે તો પણ નુકસાન... કારણ કે એનું એ લોહી આપણાં મગજમાં પણ ફરે.. એટલે આપડે પણ એવા જ થઈ જઈએ..’ ‘પણ એ લોહી તો થોડું જ હોય ને...?’ હંસામાસીએ ભોળા ભાવે પૂછ્યું.. ‘અરે યાર... આપડે કાકડી ટેસ્ટ કરવાનું ભૂલી જઈએ, ને એમાં એક કાકડી કડવી આવી હોય તો આખું સાક નકામું થઈ જાય કે નંઇ? આ લોહીનું બી એક્ઝેટ એવું જ યાર...! કિડની-બિડની કે લીવરની વાત અલગ છે...એની તો જગ્યા ફિક્સ હોય. આપડે કેરીની પેટીમાંથી સડેલી કે ખરાબ કેરી કાઢી નાખીએ છીએ તો પછી બીજી કેરીઓને કોઈ તરત અસર નથી થતી કારણ કે એ કેરીની જગ્યા ફિક્સ હોય છે. એવી જ રીતે પેટમાં બીજું બધંુ તો એની જગ્યાએ ફિક્સ ગોઠવાએલું હોય... એ કંઇ આખા શરીરમાં ના ફરે.. જ્યારે લોહી તો આખા શરીરમાં ફરે...એટલે ખરેખરું ધ્યાન તો લોહીમાં જ રાખવાનું હોય. સો વાતની એક વાત માંદા પડવું હારું, પણ એક્સિડન્ટ નઇ હારો.. .અને એમાં બી હાથ-પગ ભાંગે તો વાંધો નઇ પણ લોહી તો ના જ વહી જવું જોઈએ. એક તો ઢગલો વહી ગયું હોય ને પાછું ટેસ્ટ માટે ય નાની શીશી ભરીને લઈ જાય...એટલે નકરું નુકસાન.’ લીનાબહેને જ્ઞાનવર્ધક વ્યાખ્યાન પતાવ્યું.

અન્ય સમાચારો પણ છે...