તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વુમન ઇન ન્યૂઝ:‘મેટરનલ મેસેજિંગ પ્રોગ્રામ’નું ભગીરથ કામ કરનાર મહિલા

મીતા શાહ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અર્પણાએ ટેક્નોલોજીની મદદથી પ્રસૂતાઓનો અને નવજાત બાળકોનો મૃત્યુદર ઘટાડવાનું બીડું ઝડપ્યું છે અને નક્કર કામ કરી રહ્યાં છે

ડોક્ટર અર્પણા હેગડે. મુંબઇનાં આ યુરોગાયનેકોલોજિસ્ટને ‘ફોર્ચ્યુન’ની દુનિયાના 50 ગ્રેટેસ્ટ લીડર્સની યાદીમાં સ્થાન મળ્યું છે. અર્પણાએ વૈશ્વિક સ્તરે હેલ્થવર્કર્સને ટ્રેનિંગ આપવાનું અને સૌથી મોટા મોબાઇલ બેઝ્ડ ‘મેટરનલ મેસેજિંગ પ્રોગ્રામ’નાં અમલીકરણનું મોટું કામ કર્યું છે. તેમના આ પ્રયાસોના કારણે તેમને આ બહુમાન આપવામાં આવ્યું છે. આ પ્રોગ્રામની મદદથી વૈશ્વિક સ્તરે નવજાત બાળકો તેમજ પ્રસૂતાઓનાં મૃત્યુદરને ઘટાડવાનું મિશન હાથ ધરવામાં આવ્યું છે. આમ, અર્પણાએ હેલ્થકેર અને હેલ્થટેકનો સમન્વય કરી એક મોટો બદલાવ લાવવાની દિશામાં કામ કરવાનું શરૂ કર્યું છે. સ્વાસ્થ્ય સુધારણાની દિશામાં પ્રયાસ ડો. અર્પણા હેગડે જાણીતાં યુરોગાયનેકોલોજિસ્ટ અને રિસર્ચર છે. તેમણે ARMMAN (એડવાન્સિંગ રિડક્શન ઇન મોર્ટાલિટી એન્ડ મોર્બિડિટી ઓફ મધર્સ, ચિલ્ડ્રન એન્ડ નિયોનેટ્સ) નામની એનજીઓની સ્થાપના કરી છે. હાલમાં જ્યારે આખી દુનિયા કોવિડના કપરા કાળમાંથી પસાર થઇ રહી છે ત્યારે અર્પણાની સંસ્થાએ મહત્ત્વનાં પગલાં લઇને મહિલા અને બાળકોનાં સ્વાસ્થ્યની જાળવણીની દિશામાં નક્કર કામ કરવાનું શરૂ કર્યું છે. ‘ફોર્ચ્યુન’ની યાદીમાં સ્થાન અર્પણાને ‘ફોર્ચ્યુન’ની દુનિયાના 50 ગ્રેટેસ્ટ લીડર્સની યાદીમાં 15મું સ્થાન મળ્યું છે. આ યાદી બનાવવા માટે આખી દુનિયાનાં બિઝનેસ, ગર્વમેન્ટ અને બીજા ક્ષેત્રમાંથી એવી વ્યક્તિઓની પસંદગી કરવામાં આવે છે જેણે દુનિયામાં હકારાત્મક બદલાવ દિશામાં પ્રયાસ કર્યા હોય અથવા એ માટે બીજાને પ્રેરણા આપી હોય. આ યાદીમાં પોતાનાં સમાવેશ વિશે અર્પણાએ જણાવ્યું છે કે ‘મારા કાર્યની આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવામાં આવી છે એનો મને આનંદ છે. હું માનું છું કે પ્રેગ્નન્ટ મહિલાઓ, પ્રસૂતાઓ તેમજ નવજાત બાળકો વધારે સારા જીવનનાં હકદાર છે. આ મુદ્દા પર વધારે ધ્યાન આપવામાં નથી આવતું પણ આ દિશામાં હજી વધારે પ્રયાસ કરવાની જરૂર છે.’ અનુભવે બદલ્યું જીવન કરિયરના એક તબક્કે ડો. અર્પણા મુંબઇની સાયન હોસ્પિટલમાં રેસિડન્સી કરી રહ્યાં હતાં. તેઓ આ હોસ્પિટલમાં પહેલાંં રેસિડન્ટ હતાં અને પછી લેક્ચરરની જવાબદારી નિભાવતાં હતાં. આ હોસ્પિટલમાં થયેલાં તેમનાં અનુભવે તેમનું આખું જીવન બદલી નાખ્યું. પોતાનાં આ અનુભવ વિશે જણાવતાં અર્પણાએ જણાવ્યું છે કે ‘હું જ્યારે સાયન હોસ્પિટલ સાથે સંકળાયેલી હતી ત્યારે મેં પ્રસૂતાઓનાં અને બાળકોનાં જીવનનો ભોગ લેતી પરિસ્થિતિઓનો નજીકનો અભ્યાસ કર્યો છે. આમાંથી મોટાભાગની પરિસ્થિતિ એવી હોય છે જેને ઊભી થતી અટકાવી શકાય છે. આવી સ્થિતિ ઊભી ન થાય એ માટે થોડી જાગૃતિ અને સજાગતા કેળવવાની જરૂર છે. હું આ દિશામાં મારાથી બનતા પ્રયાસ કરી રહી છું.’ પાયાથી કામ કરવાની જરૂર અપર્ણા અમેરિકામાં મેડિકલ ટ્રેનિંગ લઇ રહ્યાં હતાં ત્યારે તેમનાં મનમાં આ નવજાત બાળકો અને પ્રસૂતાઓનાં સ્વાસ્થ્યની જાળવણી માટે સંસ્થા સ્થાપવાનો વિચાર આવ્યો હતો. આ વિચાર પાછળનું કારણ જણાવતાં અપર્ણા કહે છે કે ‘મને અહેસાસ થઇ ગયો હતો કે જો આ દિશામાં કામ કરવું હોય તો સમગ્ર વ્યવસ્થાના પાયામાંથી કામ કરવું પડશે. નવજાત બાળકો અને પ્રસૂતાઓનાં સ્વાસ્થ્યની સમસ્યાના મામલામાં એ વધારે કથળે એ પહેલાંં શરૂઆતના તબક્કે જ સારવાર શરૂ થઇ જાય એ ઇચ્છનીય છે. હવે જ્યારે સ્માર્ટફોન ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચી ગયા છે ત્યારે લોકોમાં જાગૃતિ ફેલાય અને પ્રસૂતાઓ તેમજ નવજાત બાળકોનો મૃત્યુદર ઓછો થાય એ માટે ટેક્નોલોજીનો ઉપયોગ ફાયદાકારક છે. આની મદદથી આ સમસ્યાનો ઝડપી ઉકેલ લાવી શકાય છે.’

અન્ય સમાચારો પણ છે...