જોબન છલકે:‘બેસ્ટ પેર’ બની ગઇ ‘લાઇફટાઇમ પેર’

એક મહિનો પહેલાલેખક: મોસમ મલકાણી
  • કૉપી લિંક

અવની અને સૂરજ સાથે જ જોબ કરતાં હતાં. બંનેનાં ડિપાર્ટમેન્ટ અલગ અલગ હોવા છતાં એકબીજાથી પરોક્ષ રીતે પરિચિત હતાં. તેનું કારણ એ કે સાતસો-આઠસો લોકોના સ્ટાફમાં વ્યક્તિગત મળવાનું બને કઇ રીતે? અને કદાચ બને તો પણ હશે કોઇ આપણા જ સ્ટાફનાં… વિચારીને ક્યારેય બંનેએ એકબીજાને મળવાનો કે પરિચય કેળવવાનો પ્રયત્ન જ નહોતો કર્યો. છતાં બંને વચ્ચે પ્રણયના અંકુર ફૂટ્યા…. કઇ રીતે? ચાલો જાણીએ… બન્યું એવું કે અવની એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં હતી અને સૂરજ પરચેઝ ડિપાર્ટમેન્ટમાં. હવે ઓફિસ અંગેની કોઇ પણ વસ્તુની ખરીદી કરવાની હોય કે કોઇ બિલ પાસ કરવાનું હોય તેની વિગતો અવની પાસે આવે. એથી અવનીને ખ્યાલ હતો કે ઓફિસમાં સૂરજ નામનો કોઇ યુવાન છે, જે પરચેઝ ડિપાર્ટમેન્ટમાં છે અને તેના પર બોસને વિશ્વાસ છે. સૂરજને પણ એવો જ વિચાર આવતો કે એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં અવની નામની કોઇ યુવતી છે, જે પરચેઝિંગના બિલ પાસ કરે છે. આમ, પરોક્ષ રીતે બંને એકબીજાને ઓળખતાં હતાં. એક દિવસ એમ.ડી. સર આવ્યા અને તેમણે જાહેરાત કરી કે આ વર્ષે આપણી ઓફિસમાં નવરાત્રિનું સેલિબ્રેશન રાખીએ. સેલિબ્રેશન એવી રીતે કરવામાં આવશે કે બધાંને એક-એક નંબર આપવામાં આવશે. એ નંબર સાથે જેનો નંબર મળતો આવે તે નવરાત્રિમાં રાસ-ગરબા માટેની જોડી ગણાશે અને પછી જે જોડી જીતે એને ઓફિસ તરફથી ઇનામ પણ મળશે. નવરાત્રિનું સેલિબ્રેશન શરૂ થયું અને જ્યારે સૌને નંબર્સના બેજ આપવામાં આવ્યા ત્યારે અવની અને સૂરજને સમાન નંબરના બેજ મળ્યા. આમ, બંને એકબીજાનાં પરિચયમાં આવ્યાંએકબીજાં સાથે રાસ-ગરબા રમવામાં ક્યારે નવ રાત પસાર થઇ ગઇ બંનેમાંથી કોઇને ખ્યાલ ન રહ્યો. હા, રોજ રાત્રે સૂરજ અવનીને એના ઘરે મૂકવા જતો. એ દરમિયાન બંને વચ્ચે થોડો વધારે પરિચય થયો. સૂરજને અવની ગમી ગઇ હતી અને એનાં ઘરે મૂકવા જતો હોવાથી એને એ પણ ખ્યાલ આવી ગયો કે અવની હજી અપરિણીત હતી. સૂરજના મનમાં અવની પ્રત્યે કંઇ અકથ્ય કહેવાય એવી લાગણી જાગવા માંડી. નવમા દિવસની રાત્રે મોડી રાત સુધી રાસ-ગરબાની રમઝટ જામી અને એ દિવસે કોણ જાણે અવની અને સૂરજમાં ક્યાંથી એટલી ઊર્જા આવી ગઇ કે શરૂઆતથી બંનેએ ગરબા રમવાનું શરૂ કર્યું હતું તે છેક છેલ્લે રાસ માટે જોડીની પસંદગી થઇ ત્યાં સુધી બંને ગરબે ઘૂમ્યા. રાસ રમવા માટેની જે જોડીઓ નક્કી થઇ તેમાં સૂરજ અને અવનીનો નંબર પણ હતો અને બંને એ રાતે મન મૂકીને રાસ રમ્યાં. અવનીની કમરની લચક અને સૂરજ જે રીતે ફુદરડી ફરીને રાસ રમતો હતો, એ દૃશ્ય જ એકદમ અનોખું લાગતું હતું. રાસ રમતાં-રમતાં આખરે વારાફરતી બધી જોડી થોડા થોડા સમયે થાકીને અલગ બેસી ગયાં, પણ સૂરજ અને અવની તો જાણે દુનિયાથી સાવ અલિપ્ત થઇને રાસ રમતાં હતાં. છેલ્લે રાત્રે લગભગ એક વાગ્યાની આસપાસ વિનર્સની જાહેરાત થઇ. હા, સૂરજ અને અવની નવરાત્રિની એ રાત્રે ‘બેસ્ટ પેર’નું ઇનામ જીત્યાં…. અવનીના આનંદનો પાર નહોતો અને સૂરજ પણ ખુશ હતો. અવનીને જોઇ સૂરજના મનમાં એક વિચાર આવ્યો. રાત્રે બંને ઘર તરફ જઇ રહ્યાં હતાં. અવનીના હાથમાં પોતે મેળવેલી ટ્રોફી હતી. સૂરજે પોતાની ટ્રોફી બાઇકની આગળ પેટ્રોલની ટાંકી પર મૂકી હતી. અચાનક બમ્પ આવતાં બાઇક સહેજ ઉછળી અને અવનીના હાથમાં રહેલી ટ્રોફી પડી ગઇ. અવનીએ બૂમ પાડી, ‘સૂરજ, મારી ટ્રોફી…’ સૂરજે બ્રેક મારી તો અવની એની પીઠ સાથે અથડાઇ. અવનીના યૌવનનો ઉભાર પીઠને સ્પર્શતાં સૂરજના રોમેરોમ ખડા થઇ ગયાં. જાણે વીજળીનો કરંટ લાગ્યો હોય. અવનીએ બાઇક પરથી ઊતરીને નીચે પડેલી પોતાની ટ્રોફી લીધી. એ હજી બાઇક પર બેસવા જાય ત્યાં જ સૂરજ બોલ્યો, ‘અવની, મારે તમને એક વાત કહેવી છે. આમ તો અત્યારે આ વાત કહેવા માટેનો યોગ્ય સમય નથી, પણ કાલથી તો કદાચ આપણે મળવાનું ન બને. સાંભળશો મારી વાત?’ અવનીએ એની સામે પ્રશ્નાર્થ ભરી નજરે જોયું. સૂરજ બે મિનિટ એની સામે જોઇ રહ્યો. જાણે કહું કે ન કહુંની દ્વિધામાં અટવાતો હોય, પણ તરત આછો ખોંખારો ખાઇને એણે ગળું સાફ કર્યું. શબ્દોને બહાર આવવા માટે માર્ગ કર્યો. ‘અવની…. અવની… આઇ…. આઇ….’ સૂરજ હજી પણ થોડો અચકાતો હતો. ‘ડુ યુ લવ મી?’ અવનીએ એને પૂછ્યું અને સૂરજે આશ્ચર્યથી પૂછ્યું, ‘હાઉ ડુ યુ નો?’ ત્યારે અવની બોલી, ‘મિ. સૂરજ, અમને સ્ત્રીઓને ઇશ્વરે કુદરતી બક્ષિસ આપી છે કે સામેની વ્યક્તિ અમારી પાસેથી શું ઇચ્છે છે તેનો ખ્યાલ આવી જાય. આપણે જ્યારે ગરબા રમવાનું શરૂ કર્યું ત્યારથી જ મને ખ્યાલ આવી ગયો હતો કે હું તમને ગમી ગઇ છું અને સાચું કહું તો, મને પણ તમે ગમી ગયેલા. સ્ત્રીસહજ સ્વભાવને કારણે હું તમને કહી શકતી નહોતી.’ સૂરજે કહ્યું, ‘યુ મીન…. તમે… તેં… તારા…’ અવનીએ કહ્યું, ‘શું કરું? મારાં લગ્નની ચિંતા મારા ફેમિલીમાં બધાંને હતી અને એ દરમિયાન જ્યારે તમે મને મળ્યા. તમને જોતાંની સાથે જ મને લાગ્યું કે આ જ મારો સ્વપ્નપુરુષ છે. તો… મેં મારાં ફેમિલીમાં વાત કરી અને….’ ‘અને શું?’ સૂરજે પૂછ્યું. ‘અને એ જ કે મારાં મમ્મી-પપ્પાની આપણા લગ્ન માટે મંજૂરી છે. હવે માત્ર તમારા ફેમિલીની મંજૂરી લેવાની છે.’ સૂરજ બોલ્યો, ‘મારાં મમ્મી-પપ્પા તો રાહ જોઇને બેઠાં છે કે તું હા કહે…’ એ પછી શરદ-પૂનમના દિવસે બંનેનાં પરિવાર મળ્યાં અને સૂરજ અને અવનીની સગાઇ થઇ ગઇ. બંને શરદ-પૂનમ હોવાથી રાત્રે ફરવા માટે ગયાં. એક એકાંત સ્થળે બંને ફરવા ગયા ત્યારે સૂરજે અવનીનો હાથ પકડી એને પોતાની તરફ ખેંચી અને પૂનમની ચાંદનીમાં ચાંદ ખોવાઇ ગયો.

અન્ય સમાચારો પણ છે...