મોબાઇલ ફોન અને ઇન્ટરનેટને કારણે આપણાં સૌનું જીવન ઘણું સરળ બની ગયું છે, પણ તેના ફાયદાની સાથે ગેરફાયદા પણ છે. પરિણામે ડિજિટલ દુનિયામાં પ્રાઇવસીનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. આપણે ઓનલાઇન હોઇએ છીએ ત્યારે આ જ પ્રાઇવસી આપણી અંગત જાણકારી, નાણાંકીય વિગતો અને બ્રાઉઝિંગ ડેટાને સુરક્ષિત રાખે છે, નહીંતર તેનો દુરુપયોગ પણ થઇ શકે છે. ખાસ કરીને મહિલાઓ માટે આ જાણવું ખૂબ જરૂરી છે.
દરેક માહિતી મહત્ત્વની છે માત્ર સોશિયલ મીડિયા જ નહીં, પણ બ્રાઉઝર પર તમે જે શોધી રહ્યાં છો અથવા જોઇ રહ્યાં છો, તે તમામ માહિતીનો ખોટાં કામમાં ઉપયોગ થઇ શકે છે. તેનાથી છેતરપિંડી થવાનું જોખમ પણ છે. આ માહિતીઓમાં તમારી ઓળખ, કામ, નામ, નાણાકીય સૂચનાઓ વગેરેનો સમાવેશ થાય છે.
પ્રાઈવસી સેટિંગ્સ સોશિયલ મીડિયા પર પ્રાઇવસીનું સેટિંગ રાખો. તમે તેનો ઉપયોગ વધારે કરો છો કે ઓછો તેનાથી કોઇ ફરક નથી પડતો. જો તમારી પ્રોફાઇલ પબ્લિક મોડમાં હોય તો તમે જે માહિતી શેર કરી હોય તે અજાણ્યા લોકોને પણ મળતી હોય છે. દરેક ફોટો કે પોસ્ટ અપલોડ કરતાં પહેલાં તેના પ્રાઇવસી સેટિંગ પણ ચોક્કસ ચેક કરી લો. ઓનલાઇન સેવિંગ્સ બ્રાઉઝર ડ્રાઇવમાં ઓનલાઇન ડોક્યુમેન્ટ્સ રાખવાની સુવિધા પણ પ્રદાન કરે છે જેથી એક જ ફાઇલ અનેક લોકો જોઇ શકે. એમાં એવી માહિતી રાખી શકાય છે, જે પ્રાઇવેટ (અંગત) ન હોય. એથી જ આમાં બેન્ક એકાઉન્ટની જાણકારી, મોબાઇલ નંબર, વેબસાઇટ્સના પાસવર્ડ વગેરે રાખવાનું યોગ્ય નથી. આમ કરવાથી તમે તમારી માહિતી એ વેબસાઇટની સાથોસાથ હેકર્સને પણ શેર કરી દેશો. બ્રાઉઝરમાં પ્રાઇવસી બ્રાઉઝરનો ઉપયોગ આપણે સોશિયલ મીડિયા લોગ ઇન, ઓનલાઇન બેન્કિંગ માટે અથવા તો ઘણી બધી ઉપયોગી જાણકારી કે બીજી ઘણી વસ્તુઓને જાણવા માટે કરીએ છીએ. આ જાણકારી માર્કેટર્સ ઉપયોગ કરે છે. આનાથી બચવા માટે બ્રાઉઝરના સેટિંગને પ્રાઇવેટ મોડ પર કરી દો.
લિંકથી દૂર રહો ઘણી વાર સોશિયલ મીડિયા અથવા મેસેન્જર પર તમને રુચિ હોય એવી એપ્સની લિંક અથવા જાહેરખબર આવે છે. આ લિંક વાઇરસયુક્ત અથવા ફ્રોડ હોઇ શકે છે. આવી કોઇ પણ લિંક પર ક્લિક ન કરો. જો તમને એ એપ ઉપયોગી લાગતી હોય તો એને પ્લે-સ્ટોરમાં શોધો. એ જોઇ લો કે તે વેરિફાઇડ છે કે નહીં, તે પછી જ તેને પ્લે-સ્ટોરમાંથી ડાઉનલોડ કરો. ઇ-મેઇલ અને ફોન નંબર ફાઇનાન્સિયલ કામકાજ અને બેન્ક એકાઉન્ટ માટે અલગ ઈમેલ અને મોબાઇલ નંબર રાખો. સોશિયલ મીડિયા વેબસાઇટ, સર્ફિંગ, ઓનલાઇન શોપિંગ જેવાં સામાન્ય કાર્યો માટે તેનો ઉપયોગ ન કરો. દરેક જગ્યાએ એક જ ઈમેલ આઇડી અને ફોન નંબરનો ઉપયોગ કરવાથી સ્પામ ઈમેલ અને રોબોકોલ્સ આવે છે, જેના પરિણામે અંગત ઇન્ફર્મેશન જાહેર થઇને જોખમમાં મૂકાઇ શકે છે.
કુકીઝથી બચો જો તમે ઇન્ટરનેટ પર કોઇ વસ્તુ સર્ચ કરી હોય તો તેની જાહેરખબર બીજી વેબસાઇટ્સ પર પણ જોવા મળે છે. આવું થવાનું કારણ કુકીઝ છે, જે આપણી સર્ચ કરેલી માહિતી સેવ કરે છે. જો કોઇ વેબસાઇટ પર ‘એક્સેપ્ટ ઓલ કુકીઝ’નું ઓપ્શન જોવા મળે, તો તેના પર ક્લિક ન કરતાં ‘રિજેક્ટ’ પર ક્લિક કરો. એથી તમારી માહિતી સુરક્ષિત રહેશે. એપ માટે પરમિશન ઘણી એપ્સ લોગ-ઇન કર્યાં પછી તેના ઉપયોગ માટે કોન્ટેક્ટ્સ, ફાઇલ્સ, કેમેરા, માઇક્રોફોન, લોકેશન વગેરેની પરમિશન માગે છે. કેટલીક એપ્સ તેનો ઉપયોગ માર્કેટિંગ અથવા ખોટા ઇરાદાથી પણ કરી શકે છે. એપ્સથી જાણી શકો કે કઈ એપના કયા ઓપ્શન માટે પરમિશન આપવી છે અને કયા ઓપ્શનને નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.