કવર સ્ટોરી:વંઠેલાં બાળકો ભવિષ્યને જેટલું નુકસાન કરે એના કરતાં વધુ નુકસાન વંઠેલું પેરેન્ટિંગ કરે છે!

9 દિવસ પહેલાલેખક: એષા દાદાવાળા
  • કૉપી લિંક

શ્રદ્ધાના 35 ટુકડાએ આપણી શ્રદ્ધાના પણ ટુકડે-ટુકડા કરી નાખ્યા છે. ફરી એકવાર ભરોસો, વિશ્વાસ, પ્રેમ વગેરે શબ્દો ડિક્ષનરીમાંથી બહાર ફેંકાઇ ગયા છે. ફરી એકવાર મમ્મીઓ અને પપ્પાઓ ચિંતામાં મૂકાઇ ગયા છે. ફરી એકવાર ‘સંતાનો વંઠી ગયા છે’ની બૂમો ઉઠી છે. ફરી એકવાર સંસ્કારો મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે અને ફરી એકવાર દીકરીઓની સલામતીને લઇને સવાલો ઉઠ્યા છે.

શ્રદ્ધા વાકર નામની દીકરી ડેટિંગ એપ પર આફતાબ નામના છોકરાને મળી. બંને વચ્ચે પ્રેમ થયો. બેઉ લિવ-ઇનમાં રહેતાં થયાં. બંનેના સંબંધો સામે શ્રદ્ધાના પરિવારનો વાંધો અબોલામાં ફેરવાયો અને પ્રેમને વફાદાર એવી શ્રદ્ધાએ એક વર્ષ સુધી પરિવાર સાથે વાત પણ ના કરી. શ્રદ્ધાને આફતાબ વચ્ચે ઝગડો થયો. ઝગડો ઝપાઝપીમાં પલટાયો અને આફતાબે ગળું દબાવી શ્રદ્ધાની હત્યા કરી નાખી. વાત આટલેથી અટકી નહીં. જે પ્રેમિકાનાં શરીરને એણે પ્રેમ કર્યો હતો એ જ શરીરના બેરહેમીથી 35 ટુકડા કર્યા અને 18 દિવસ સુધી ફ્રિજમાં મૂકી રાખ્યા! છાતી પર કરવત ફરી જાય એવી આ ઘટના પછી કોઇએ ધર્મ તરફ આંગળી ચીંધી, કોઇ સંસ્કારો પર વાતને લઇને ગયું, કોઇએ પરવરિશ પર સવાલો ઊભા કર્યા પણ હું સાફપણે એવું માનું છું કે ઠંડે કલેજે એક મૃતદેહનાં 35 ટુકડા કરનાર આફતાબ વિકૃત છે. વિકૃત રીતે થયેલા અનેક મર્ડરો આપણે ત્યાં સરકારી પોલીસ ચોપડે નોંધાયા છે. આ પહેલા 2010માં લવ મેરેજ કરનારી અનુપમાનું ખૂન કરી એના પતિએ એના મૃતદેહનાં 72 ટુકડા કર્યા હતા. 44 વર્ષની એક સ્ત્રીએ એના 27 વર્ષના પ્રેમી સાથે મળી પોતાનાં 50 વર્ષના પતિનું ખૂન કરી એના મૃતદેહના 12 ટુકડા કરેલા. અમેરિકામાં એક ડ્રેક્યુલા કિલર પકડાયેલો જે ખૂન કરી લાશમાંથી ખૂન ચૂસી-ચૂસીને પીતો હતો. રાજકોટનો સ્ટોન કિલર પથ્થરોથી લોકોને છૂંદી નાખી મર્ડર કરતો હતો. કરાટેના દાવ કે પર્સમાં રાખેલું પેપર સ્પ્રે આવા વિકૃતોથી બચાવી નથી શકવાનું એ વાસ્તવિકતા છે. આવા વિકૃતોથી બચવા દરેક માણસે પોતાનું સેલ્ફ ડિફેન્સ પોતાની જાતે કરવું પડશે. મને લાગે છે કે આપણે આપણા પેરેન્ટિંગને થોડું રિવાઇન્ડ કરવાની જરૂર છે. આપણાં સંતાનોમાં આપણી ધાક હોવો જોઇએ, આપણી ‘ના’ ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાવી ના જ જોઇએ! ખભે હાથ મૂકીને સિગારેટનો કશ લેતા કે બે ગ્લાસને અથડાવી ચિઅર્સ કરતા દોસ્તો અને મા-બાપ વચ્ચે બહુ મોટો ફર્ક છે. પપ્પા ઘરમાં દાખલ થાય અને સંતાન ફફડી જાય એવું વાતાવરણ પણ ક્યારેક જરૂરી હોય છે. આપણે આપણાં સંતાનનાં મિત્ર બની જઇએ છીએ, શિક્ષક બની જઇએ છીએ, કેરિયર ગાઇડ બની જઇએ છીએ, ફેશન ડિઝાઇનર બની જઇએ છીએ પણ આપણે આપણાં સંતાનનાં મા-બાપ બની શકતા નથી. આપણે આપણાં સંતાનને બધું જ શીખવીએ છીએ, ખાલી માણસો ઓળખતા શીખવતા નથી. આપણે આપણાં સંતાનને બધું જ આપીએ છીએ, આપણો સમય આપતા નથી. મોર્ડન પેરેન્ટ્સનાં લેબલવાળી લાઇનની પહેલી હરોળમાં ઊભા રહેવા માટે આપણે એટલી બધી મહેનત કરીએ છીએ કે આપણી ‘ના’ની કે આપણી ‘હા’ની કોઇ કિંમત રહેતી નથી. આપણે આપણાં સંતાનોને એવું શીખવવું પડશે કે જેવી રીતે સ્કૂલમાં ફરજિયાતપણે યુનિફોર્મ પહેરીને જવું જ પડે, જેવી રીતે રસ્તા પર લાલ લાઇટ જોઇને ઊભા જ રહેવું પડે, જેવી રીતે ફ્લાઇટમાં ટ્રાવેલ કરતી વખતે મોબાઇલને ફ્લાઇટ મોડ પર મૂકવો જ પડે એવી રીતે જિંદગીમાં કેટલાક નિયમો હોય છે જે પાળવા જ પડે અને પળાવા જ જોઇએ! આપણે ત્યાં અત્યારે પોઝિટિવ પેરેન્ટિંગનો એક ટ્રેન્ડ ચાલે છે. આપણે આપણાં સંતાનને એવા મુદ્દાઓથી, એવી વાતોથી કે એવી પરિસ્થિતિથી વાકેફ જ નથી કરતા જેનો સામનો એમણે પ્રેક્ટિકલ લાઇફમાં કરવાનો છે. આપણે સંતાનોને સેક્સ એજ્યુકેશન આપતા થયા છીએ પણ સેક્સની જરૂરિયાત સંતોષવા માટે કેવી વ્યક્તિઓ પર ભરોસો મૂકવો જોઇએ અને કેવી વ્યક્તિઓ પર ભરોસો ન મૂકવો જોઇએ એવું હજીપણ શીખવી શકતા નથી કારણ કે કદાચ આપણે જ માણસો ઓળખવામાં થાપ ખાઇ જઇએ છીએ. કદાચ આપણે જ દુનિયાદારીથી દૂર ભાગીએ છીએ અને કદાચ આપણે જ શાહમૃગની જેમ રેતીમાં માથું નાખીને બેસી જઇએ છીએ અને ‘સબ સલામત હૈં’ની ધરપતો આપતા રહીએ છીએ. મારે તમામ સંતાનો પણ એક વાત કહેવી છે કે તમારાં મા-બાપ એ તમારાં મા-બાપ છે. જેને તમે છ મહિનાથી ઓળખો છો અથવા તો એકાદ વર્ષથી ઓળખો છો એવી વ્યક્તિ માટે મા-બાપને છોડતા પહેલા એક હજાર એકસોને પચ્ચીસ વખત વિચાર કરજો. તમને એવું લાગે કે તમારો નિર્ણય સાચો છે તો ધીરજ ધરજો. ઘણીવાર યુવાનીનાં જોશમાં લેવાઇ ગયેલા નિર્ણયો જીવનભર ભારે પડી જતા હોય છે. બાકી, જે સંતાનોએ એમનાં મોબાઇલમાં ડેટિંગ એપ ડાઉનલોડ કરી છે એ સંતાનોએ એ એપનો ઉપયોગ કરતા પહેલાં મા-બાપની આંખોને પોતાની આંખો પર પહેરી લેવાની તાતી જરૂરિયાત છે. તમારા મા-બાપ એ તમારા દુશ્મન તો નથી જ! શ્રદ્ધાએ જો આફતાબ સામે પોતાનાં મા-બાપના અણગમાને સિરિયસલી લીધો હોત તો એના 35 ટુકડા ન થયા હોત! શ્રદ્ધા પણ આફતાબનાં પ્રેમમાં હતી અને 75 ટુકડામાં વહેંચાયેલી અનુપમાએ પણ રાજેશ સાથે લવ મેરેજ જ કર્યા હતા. આપણાં સંતાનો માણસ ઓળખવામાં થાપ ખાઇ જાય છે એ પણ હકીકત છે અને મા-બાપ તરીકે આપણે એમને આવું કરતા અટકાવી શકતા નથી એ પણ કડવી અને છતાં સ્વીકારવી પડે એવી વાસ્તવિકતા છે. વંઠી ગયેલા સંતાનો એમનાં ભવિષ્યને જેટલું નુકસાન પહોંચાડે છે એનાથી વધારે નુકસાન વંઠી ગયેલું પેરેન્ટિંગ પહોંચાડતું હોય છે. જો તમે તમારા સંતાનને આવા વિકૃત લોકોને ઓળખતા શીખવી નથી શકતા તો એમના માટે એક લક્ષ્મણરેખા દોરો અને એ લક્ષ્મણરેખામાંથી એ બહાર ન નીકળે એ માટે ચોકીપહેરો કરો. સંતાનોની સલામતી માટે સૌથી સહેલો અને સરળ રસ્તો આ જ છે. dadawalaesha@gmail.com

અન્ય સમાચારો પણ છે...