પેરેન્ટિંગ:બાળક તમારી વાત નથી સાંભળતું? આ રહ્યાં પાંચ કારણો

18 દિવસ પહેલાલેખક: મમતા મહેતા
  • કૉપી લિંક

મોટાભાગના પેરેન્ટ્સની એક સર્વસામાન્ય ફરિયાદ હોય છે કે બાળક તેમની વાત બિલકુલ નથી સાંભળતું અને બાળક પાસે કોઇ એક કામ કરાવવા તેને વારંવાર સૂચનાઓ આપવી પડે છે. આટલું કર્યા પછી પણ બાળક તેમની વાત સારી રીતે નથી સાંભળતું અને સામે દલીલબાજી કરે છે. આ પરિસ્થિતિ પેરેન્ટ્સની સમસ્યામાં સારો એવો વધારો કરે છે. બાળકના આ વર્તન પાછળ પણ આડકતરી રીતે ખોટું પેરેન્ટિંગ જ જવાબદાર છે. જો બાળક તમારી વાત સાંભળતું ન હોય તો એ માટે નીચેના પાંચ કારણોમાંથી કોઇ કારણ જવાબદાર હોઇ શકે છે. 1. બાળકને વારંવાર ચેતવણી આપવાની આદત એક જ વાત મારે કેટલી વખત કહેવી પડશે?, હું ત્રણ સુધી ગણું છું..., આ છેલ્લી વોર્નિંગ છે...વગેરે વગેરે. ઘણાં માતા-પિતા બાળકોને આ રીતે સતત ચેતવણી આપતા રહે છે. જો તમને આવી આદત હોય તો આ આદત આજે જ બદલી નાખો કારણ જે પેરેન્ટ્સ સતત ચેતવણી આપવાના ટોનમાં વાત કરે છે તેમની વાતમાં બાળક બહુ જલ્દી નહીં આવે. વારંવાર ચેતવણી આપવાની આદત હોય તો પણ બાળક સમજી જશે કે તમારી વાત ક્યારે સાંભળવાની છે અને ક્યારે નથી સાંભળવાની. 2. પેરેન્ટ્સ જ્યારે કારણ વગર ધમકી આપે... ‘તારો સામાન ઠેકાણે મૂક, હું નહીં મૂકું’, ‘જો રૂમ સાફ નહીં કરે તો બહાર જવા નહીં મળે’, ‘જો રમકડાં વ્યવસ્થિત નહીં મૂકે તો હું ફેંકી દઇશ’...જેવી ધમકી પેરેન્ટ્સ વારંવાર આપે તો થોડા સમય પછી આ ધમકીનો કોઇ અર્થ સરતો નથી. પેરેન્ટ્સ ત્રસ્ત થઇને આ ધમકી આપતા હોય છે પણ બાળક બહુ સ્માર્ટ હોય છે અને તેને ખબર હોય છે કે તેના માતા અથવા તો પિતા માત્ર ધમકી આપી રહ્યા છે, તેઓ એવું કરી શકવાન નથી. 3. બાળક સાથે જીભાજોડી ક્યારેય બાળક સાથે જીભાજોડી કરવાની ભૂલ ન કરો. નાનીનાની વાતમાં બાળક સાથે ખોટી ચર્ચા કરવાનું યોગ્ય નથી. પેરેન્ટ્સ જો બાળક સાથે જીભાજોડી કરશે તો બાળક પછી પેરેન્ટ્સની વાત સાંભળવાનું જ બંધ કરી દેશે. આમ, બાળક સાથે પાવરની લડાઇ લડવાને બદલે એને સારી રીતે સમજાવો કે જો તે તમારી વાત નહીં માને તો નુકસાન તેને જ થશે. 4. પેરેન્ટ્સ જણાવે પરિણામ વિશે જ્યારે પોતાની વાત મનાવવા માટે પેરેન્ટ્સ બાળક પાસેથી બળજબરીપૂર્વક એના અધિકાર છીનવી લે છે ત્યારે બાળક પછી માતા-પિતાની વાત માનવાનું બંધ કરી દે છે. આ સંજોગોમાં બાળક સાથે જબરદસ્તી કરવાને બદલે લોજિકલ વાત કરો. આનાથી બાળક કંઇક શીખશે. બાળકને સમજાવો કે તમે જે કહી રહ્યા છો એ જ કરશો અને એના કારણે અંત બાળકને ફાયદો થશે. 5. ઊંચા અવાજમાં વાત કરવાની કુટેવ જ્યારે બાળક વાત નથી સાંભળતું ત્યારે કેટલાક પેરેન્ટ્સ ઊંચા અવાજમાં વાત કરવાનું શરૂ કરી દે છે. જોકે આ મામલામાં બૂમો પાડવાથી કોઇ હકારાત્મક પરિણામ નથી મળતું. આનાથી બાળક તમારી વધારે અવગણના કરશે. મારવાની જેમ ઊંચા અવાજમાં બૂમો પાડવાથી પણ બાળક અને માતા-પિતાના સંબંધો વણસી શકે છે અને અંતે ભવિષ્યમાં બાળક પછી માતા-પિતાની વાત સાંભળવાનું બંધ કરી દે છે.

અન્ય સમાચારો પણ છે...